એક વખત સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી વડતાલ પધાર્યા હતા. ત્યારે ઝોળ ગામના પટેલ ભૂલા ભગત સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેમને સ્વામીશ્રીએ પૂછ્યું જે, “ભૂલા ! તારા ગામમાં આપણું મંદિર નથી ?” ત્યારે ભૂલા ભગતે કહ્યું, “દયાળુ ! મારું ગામ તો આખું મુસલમાનનું છે. તેથી તે લોકો ત્યાં મંદિર કરવા દે તેમ જ નથી.” ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “તું ચિંતા ન કરીશ. સર્વે સામગ્રી ભેળી કરી અમને તેડવા આવજે; અમે આવીશું.” સર્વે સામગ્રી ભેળી થતાં સ્વામીશ્રી ત્યાં પધાર્યા અને મંદિર ચાલુ કરાવ્યું. પાયા ખોદાવ્યા. તેથી ગામધણી ત્યાં આવ્યા ને સર્વે મુસલમાન તથા તેમનાં બૈરાં પણ આવ્યાં. તેઓ મંદિર નહિ કરવા દેવા માટે ધમાલ કરવા લાગ્યાં. સ્વામીશ્રીએ તેમને ઘણા સમજાવ્યાં છતાં વધારે ને વધારે ક્રોધ કરી બોલવા લાગ્યા. પછી તેમના બૈરાંઓને ઉશ્કેરીને કહ્યું, “જાવ, આ સાધુને અડીને ઉપવાસ પડાવો.” જ્યાં બૈરાં નજીક આવ્યાં કે સામે ઝાડના પોલાણમાંથી એક મોટો ભૂરિયો નાગ નીકળ્યો ને જોરદાર ફૂંફાડા મારવા લાગ્યો. તેથી બધાં જ ભાગી ગયાં.
વળી, થોડા સમય પછી કામ ચાલુ કરાવી સ્વામીશ્રી બીજે ગામ પધાર્યા ત્યાં વળી પાછા બધા ભેળા થયા. તેઓએ નક્કી કર્યું કે, “આપણા ગામમાં સ્વામિનારાયણનું મંદિર થાય છે તે બંધ કરાવવું છે.” પછી સર્વે મળીને જ્યાં મંદિર થતું હતું ત્યાં આવ્યા ને વિઘ્ન કરવા લાગ્યા. બૈરાં સંતોને ઉપવાસ પડાવવા પ્રયત્ન કરે, એમ હેરાન કરવા લાગ્યા. તેથી સંતોએ સ્વામીશ્રીને વાત કરી. સ્વામીશ્રીએ કહ્યું, “સારું, હવે ચિંતા ન કરશો. આજથી એક ચોકીદારને તમારી સેવામાં કાયમી મૂકી દઈએ છીએ. તે કાયમ તમારી ચોકી કરશે. તમ તમારે નિરાંતે ભજન કરજો.” પછી સ્વામીશ્રીએ ભૂરિયો નાગ (દૈવી શક્તિવાળો) ત્યાં મૂક્યો.
એક વાર ગામધણી મુસલમાન કામ રોકવા માટે ગામમાંથી ટોળું લઈને આવ્યા ત્યારે તરત ભૂરિયો નાગ બહાર નીકળ્યો ને જોરથી ફૂંફાડા મારતો પાછળ પડ્યો. તેથી ગામધણી દોડવા લાગ્યો ને દોડતા દોડતા હોકો પણ પડી ગયો. પછી સર્વેએ કહ્યું, “ભૂલા ભગત ! નાગને પાછો વાળો !” ત્યારે ભૂલા ભગતે કહ્યું, “હત, ભૂરિયા હત.” તેથી ભૂરિયો નાગ પાછો વળી ગયો. પછી તો મંદિર થઈ ગયું અને ગામ પણ સત્સંગી થયું.