એક વખત નારૂપંત નાનાએ સંત મંડળે સહિત સ્વામીશ્રીને ઠાકોરજી જમાડવાનું આમંત્રણ આપ્યું. સ્વામીશ્રી તેમને ત્યાં જવા માટે નીકળ્યા. મંદિરની બહાર મોટાં પગથિયાં પાસે આવ્યા ત્યારે પાસે બાજુના ખત્રીના ઘરમાંથી એક બિલાડી ઉંદરને પકડીને એકદમ નીકળી અને મંદિરમાં પેસવા લાગી. પરંતુ બધાએ તેને રોકી ને પડકાર કર્યો. તેથી તેણે મોઢામાં પકડેલો તે ઉંદર છૂટી ગયો. તેથી તે દૂર ભાગી ગઈ. તે દૂર જઈને ઊભી રહી.
પછી સ્વામીશ્રીએ જળ મગાવી તરફડતા ઉંદર પર છાંટ્યું અને કહ્યું કે, “જા, તું હવે એક વર્ષ જીવીશ. પછી મૃત્યુ બાદ તું પુરુષોત્તમ કડિયાનો પુત્ર થઈશ.” અને પછી બિલાડીને પણ દૂરથી પાણી છાંટ્યું ને કહ્યું કે, “જો હવે આ વર્તમાન ધરાવ્યા. તેથી તું કોઈ પાપ કરીશ નહિ અને મંદિરના પાછળના વાડામાં બેસી રહેજે; ત્યાં સંતો જે જમવાનું આપે તે પ્રસાદી માની જમજે. એ રીતે તું બે વર્ષ જીવીશ. ત્યારપછી આ હરિભાઈ કંદોઈની ઇચ્છા છે કે તેમને દીકરી નથી તેથી એમને ત્યાં આવતે જન્મે તેમની દીકરી થઈશ.” એમ કહી સ્વામીશ્રી નારૂપંત નાનાને ત્યાં જમવા પધાર્યા. પછી સ્વામીશ્રીના આશીર્વાદ મુજબ પેલો ઉંદર એક વર્ષ પછી મૃત્યુ પામીને પછી પુરુષોત્તમ કડિયાને ઘેર દીકરો થયો. તેનું નામ મોતી હતું. તે સારો સત્સંગી થયો. તે મંદિરમાં કડિયાકામની સેવા પણ કરતો. પરંતુ તેનો સ્વભાવ ઉંદર જેવો હતો. તે સૌને ફૂંકી ફૂંકીને કરડે તેવો હતો પણ સત્સંગ ખૂબ રાખ્યો હતો. તેથી અંતકાળે શ્રીજીમહારાજ તેને દર્શન દઈ તેડી ગયા હતા. પેલી બિલાડી પણ પાપ રહિત બની ગઈ અને આખો દિવસ તપસ્વીની જેમ બેસી રહેતી. દયાળુ સંતો ખાવાનું આપતા તેથી તેનો જીવ પ્રસાદી જમવાથી અતિ પવિત્ર થયો. તે બિલાડી પણ સ્વામીશ્રીના આશીર્વાદ મુજબ બે વર્ષ જીવી અને પછી હરિભાઈ કંદોઈને ત્યાં દીકરી થઈ. તેનું નામ દિવાળી હતું. તેણે પણ ઉત્તમ સત્સંગ રાખ્યો હતો. પરંતુ તેનો સ્વભાવ પણ બિલાડી જેવો હતો. તે જ્યાં સારું ખાવાનું દેખે તે તાકીને ખાઈ જાય. પછી તેને ચાલીસ વર્ષની ઉંમરે શ્રીજીમહારાજ ધામમાં તેડી ગયા હતા.
આવી રીતે પાપિષ્ઠ જીવને પણ દૃષ્ટિમાં લઈ સત્સંગમાં જન્મ ધરાવીને સ્વામીશ્રીએ મોક્ષ કર્યા છે. કદાચ આપણે પણ પૂર્વે ક્યાંક મહારાજ અને મોટાની કૃપાદૃષ્ટિમાં આવી ગયા હોઈશું. તેથી જ તો આ દિવ્ય સત્સંગનો યોગ થયો છે. પરંતુ એમની કૃપાદૃષ્ટિથી સત્સંગમાં જન્મ તો મળ્યો છે, છતાં પૂર્વજન્મના એવા કોઈક પાસ લાગ્યા છે. તેથી ઘણાબધા સ્વભાવ ને પ્રકૃતિ આપણને પીડે છે. અને એને ટાળવા માટેનો માત્ર એક જ ઉપાય છે, મોટાપુરુષનો રાજીપો.
એટલે જ શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૫૮મા વચનામૃતમાં કહ્યું છે કે,
“અતિશે જે મોટાપુરુષ હોય તેમનો જેની ઉપર રાજીપો થાય તેના
(૧) ગમે તેવા મલિન સંસ્કાર હોય તે નાશ પામે;
(૨) રંક હોય તે રાજા થાય,
(૩) ગમે તેવાં ભૂંડા પ્રારબ્ધ હોય તે રૂડાં થાય અને
(૪) તેને માથે ગમે તેવું વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય.”
માટે આપણને મળેલ મોટાપુરુષને રાજી કરવા સાચી ભૂખ અને ગરજ જગાવી તેમની આજ્ઞા અને અનુવૃત્તિમાં સદાયને માટે ‘ભલે દયાળુ’ એટલું જ કહી, પૂર્વના પાસથી લાગેલા સ્વભાવ-પ્રકૃતિ અને અણસમજણ ટાળી ભગવાનના ગમતા પાત્ર થઈએ.