૨૧ પ્રશ્નોના સહજમાં ઉત્તર

સદ્દગુરુશ્રી સરસપુર મંદિરમાં બિરાજતા તે વખતે બહેચરભાઈ સદ્દગુરુશ્રીના નજીકના સંબંધવાળા કહેવાય એટલે કે સદ્દગુરુશ્રી સાથે આગવું હેત. તેઓ એક દિવસ પોતાના મિત્ર મથુરદાસ માધવદાસને લઈને સદ્દગુરુશ્રી પાસે આવ્યા. મથુરભાઈ પોતે શંકરાચાર્યના અદ્વૈત મતમાં માનનારા પરંતુ બહેચરભાઈએ સદ્દગુરુશ્રીનો ખૂબ મહિમા કહ્યો હતો તેથી તેમને સદ્દગુરુશ્રીનાં દર્શનની ઇચ્છા થઈ અને સદ્દગુરુશ્રી પાસે પહેલી જ વાર આવ્યા. લગભગ પોતાને ૨૧ પ્રશ્નોના ઉત્તર જોઈતા હતા અને ‘બહુ અઘરા પ્રશ્નોના જો યથાર્થ ઉત્તર મળે તો મોટાપુરુષ માનું’ આવા આશયથી પોતે આવ્યા. પરંતુ મીઠાની ગાંગડી સમુદ્રનો તાગ મેળવવા જાય તો શું પરિસ્થિતિ થાય ? એમ સદ્દગુરુશ્રીએ મથુરદાસના તમામ પ્રશ્નો પોતાની કથાવાર્તામાં વણી લીધા અને મથુરભાઈને સંબોધીને વાતો કરવા માંડ્યા. અંતર્યામીપણે સદ્દગુરુશ્રીએ મથુરભાઈના મનોરથો પણ પૂર્ણ કર્યા. મથુરભાઈ તો આશ્વર્યચકિત થઈ ગયા કે મેં તો આ પુરુષની કોઈ પણ બાબતે પૃચ્છા કર્યા વગર જ મારા જટિલ પ્રશ્નોના જવાબો આપી દીધા. આ કોઈ સામાન્ય વ્યક્તિત્વ નથી અને સદ્દગુરુશ્રી પ્રત્યે ખૂબ જ મહિમા થયો અને કહ્યું, “સ્વામી, તમે મારી સાત જન્મોની સાધનાનો અંત આણ્યો; મને પૂર્ણકામ કરી દીધો.” એટલે જ કીર્તનમાં કહ્યું છે કે ...

“મહાપુરુષ છે અંતર્યામી, જીવોના અંતરનું જાણે રે,

અંતર ઉદ્ભવતા સંકલ્પો, કહી દેખાડે કોઈ ટાણે રે...”

આવા પુરુષ હતા આપણી અમીરપેઢીના વારસદાર સદ્દગુરુશ્રી !