સદ્દગુરુશ્રીએ અમદાવાદમાં ચાંપાનેર સોસાયટીમાં એક હરિભક્તના બંગલે મંદવાડ ગ્રહણ કરેલો. ત્યાં સોસાયટી પાસેથી મોટો રસ્તો બાંધવાનું કામ શરૂ થવાનું હતું. તે વિસ્તારમાં ઘણાં વૃક્ષો કાપે તો જ મોટો રસ્તો થઈ શકે. એટલે રોડ કોન્ટ્રાક્ટરે વૃક્ષો કાપીને રોડ મોટો કરવો એવું નક્કી કર્યું હતું. સવારમાં કોન્ટ્રાક્ટરે ચાંપાનેર સોસાયટી પાસેથી પસાર થતા હતા. એમણે જોયું કે અહીંયાં ભગવા ધોતિયાં સુકાય છે તો નક્કી અહીં સંતો રહેતા હશે. એટલે એ સંતોનાં દર્શન કરવા આવ્યા. તેમણે સદ્દગુરુશ્રીનાં દર્શન કર્યાં. પછી સદ્દગુરુશ્રીએ પૂછ્યું, “તમે શું કરો છો ?” ત્યારે તેઓ બોલ્યા, “રોડ બનાવવાનું કામ કરું છું. કોન્ટ્રાક્ટર છું. મારે અહીંયાં રોડ બનાવવાનો છે.” ત્યારે સદ્દગુરુશ્રીએ કહ્યું, “તો આ બધાં વૃક્ષો કાપવા પડશે ને ?” કોન્ટ્રાક્ટરભાઈએ કહ્યું, “હા સ્વામીજી.” “તો આ વૃક્ષોમાં તો જીવ હોય તેથી જીવહિંસા થાય. તો એનું પાપ લાગે ને ?” કોન્ટ્રાક્ટરે કહ્યું, “દયાળુ, આપ કહો એમ કરું.” સદ્દગુરુશ્રી રાજી થઈ ગયા. મનસુખભાઈ સરાવાળા હતા. નિરાવરણ દષ્ટિવાળા હતા. સદ્દગુરુશ્રીએ પાણીનો લોટો મગાવ્યો. મહારાજને જળ ધરાવી પાણીના લોટામાં આંગળી બોળી અને પ્રસાદીનું કરીને લોટો મનસુખભાઈને આપ્યો ને કહ્યું કે, “જાઓ, જેટલાં વૃક્ષો કાપવાનાં હોય એને વર્તમાન ધરાવી ધામમાં મોકલી દો.” અને મનસુખભાઈએ શ્રીજીમહારાજ અને સદ્દગુરુશ્રીને સંભારી વર્તમાન ધરાવી દીધાં. (હાલ જે શાંતિનગર છે ત્યાંથી આગળ વાડજ ને ત્યાંથી આગળ ચંદ્રભાગા પુલ સુધી સમગ્ર વિસ્તારનાં વૃક્ષો) અને કોન્ટ્રાક્ટરે આ જોયું કે જેવું વૃક્ષ પર પ્રસાદીનું જળ છાંટવામાં આવતું તેવું જ વૃક્ષ લીલુંછમ હોય તે એકદમ સુકાઈ જતું. એટલે પછી બીજે દિવસે મનસુખભાઈ ફરી દર્શન કરવા આવ્યા ત્યારે સદ્દગુરુશ્રીને વાત કરી કે, “દયાળુ ! હજી ઘણાં વૃક્ષો રહી ગયાં છે તો દયા કરો.” ત્યારે સદ્દગુરુશ્રીએ સંતોને કહ્યું કે, “મહારાજને જળ ધરાવી લોટો લાવો.” અને સંતોએ પ્રસાદીના જળનો લોટો સદ્દગુરુશ્રીને આપ્યો ત્યારે સદ્દગુરુશ્રીએ મનસુખભાઈને બોલાવ્યા. સંતોએ કહ્યું,
“દયાળુ ! મનસુખભાઈ તો એમને ગામ પધાર્યા છે એટલે એ અહીંયાં છે નહીં.” ત્યારે સદ્દગુરુએ પ્રસાદીના જળનો લોટો કોન્ટ્રાક્ટરને આપ્યો અને કહ્યું કે, “હવે તમે બધાં વૃક્ષો પર જળ છાંટજો.” ત્યારે કોન્ટ્રાક્ટર એ પ્રસાદીના જળનો લોટો લઈ ગયા અને જે જે વૃક્ષો કાપવા પડે એવાં હતાં એના પર જળ છાંટવા માંડયું અને “સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. સ્વામિનારાયણ” એમ બોલે. આથી કોન્ટ્રાક્ટરને ખૂબ આશ્ચર્ય થયું અને સદ્દગુરુશ્રીના ચરણ પકડી લીધા અને કહ્યું, “મને આપનો આશ્રિત કરો અને કંઠી પહેરાવો.” આથી સદ્દગુરુએ મહારાજની વરમાળા ધારણ કરાવી. આ કોન્ટ્રાક્ટર ત્યારથી પાકા સત્સંગી બન્યા.