ગામ કુંજાડના ભૂવા કચરાજી ગરાસિયા માતાના ઉપાસક હતા. એક વખત પોતે ઘરમાં બેઠા હતા અને હોકો પીતા હતા. તે સમયે એમને સ્વામિનારાયણ ભગવાન અને સંતોનાં દર્શન થયાં. વળી માસ્તર રાયસિંહજી પણ તેમની સાથે શ્રીજીમહારાજને અને સંતોને પોતાના ઘર તરફ લઈ જતા હતા. કચરાજીને આવાં દર્શન થતાં આશ્ચર્યચકિત થઈ ગયા કે આ તે વળી કોણ હશે ? તરત જ કચરાજી તો ઊપડ્યા માસ્તર રાયસિંહજીને ત્યાં અને પૂછ્યું કે, “મને આવાં દર્શન થયાં છે તે ત્યાં કોણ આવ્યું છે ?” પણ એ વખતે માસ્તરને ત્યાં કોઈ આવ્યું નહોતું.
આ વાતને થોડા દિવસ થયા ને ફરી પાછા એ જ રીતે કચરાજી ભૂવાને આવાં દિવ્ય દર્શન થયાં અને પોતે બહુ જિજ્ઞાસુ એટલે ફરીને માસ્તરને ત્યાં ગયા અને કહ્યું કે, “મને વારે વારે આવાં કોનાં દર્શન થાય છે ? કાંઈ સમજાતું નથી.” માસ્તરે કહ્યું, “કચરાજી ! જુઓ, તમે એ સંતોને અત્યારે જુઓ તો ઓળખો ખરા ?” કચરાજીએ કહ્યું, “અરે ! હું ઓળખું જ ને ! પણ મને એમનાં દર્શન કરાવો. મારે એમનાં પ્રત્યક્ષ દર્શન કરવાં છે.” કચરાજીની આવી આતુરતા જોઈ માસ્તર તેમને લઈને જ્યાં સદ્દગુરુશ્રી બિરાજતા ત્યાં સરસપુર આવ્યા.
અને સદ્દગુરુશ્રીના જ્યાં દર્શન થયા ત્યાં તો કચરાજીને અંતરમાં સુખ, સુખ, સુખ અને અંતરમાં શાંતિ શાંતિ શાંતિનો અનુભવ થવા લાગ્યો. ઉતાવળે ઉતાવળે પાઘડી ઉતારી અને સદ્દગુરુશ્રીને ખૂબ જ ભાવથી ચરણસ્પર્શ કર્યા.
સદ્દગુરુશ્રીએ પણ તેમને આવકાર્યા. ‘જય સ્વામિનારાયણ’ કહ્યા. સદ્દગુરુશ્રીએ થોડી વાર સમાગમ કરાવ્યો અને વર્તમાન ધરાવ્યાં. પોતે સદ્દગુરુશ્રીના શરણે થયા. સ્વામિનારાયણના સત્સંગી બન્યા અને ઘરમાં જે માતાના તથા દેવતાઓનાં સ્થાપન કર્યા હતા તેમને ટોપલો ભરીને ખારી નદીમાં પધરાવ્યાં અને માતાના ભૂવામાંથી શ્રીજીમહારાજના આશ્રિત થયા અને આદર્શ સત્સંગી બન્યા.