સં. ૧૯૯૮ના આસો માસમાં સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીને અ.મુ. હીરજીભાઈ રાજકોટ લઈ આવ્યાના ખબર મળતાં, અનાદિમુકતરાજશ્રી મનસુખભાઈ (સરાવાળા)ને ત્યાં દર્શને જવાની તાણ બહુ થઈ, પણ તે વખતે તેમને તાવ બહુ આવતો હતો એટલે જવાયું નહીં. તેથી તેમને ઘણું જ દુઃખ થયું, પછી સદ્દગુરુશ્રી ત્યાંથી પાછા સરસપુર પધાર્યા એવી ખબર મળતાં તેમની ઉદાસીનતાનો પાર રહ્યો નહીં. તેઓ રોજ સંભાર્યા કરે કે ક્યારે દર્શન દેશે ? એમ કરતાં દિવાળીના રોજ રાત્રે અગિયાર વાગ્યાના સુમારે તેમને એવાં અલૌકિક દર્શન થયાં. જાણે તેજનો મોટો ડુંગરો ! તેમાં અનંત મુક્તો દેખાય, વચમાં શ્રીજીમહારાજ બેઠા હતા. ત્યાં પડખે સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામી દેખાયા. પછી તો જ્યાં નજર કરે ત્યાં તેજ તેજ દેખાય, અને તે તેજમાં મુક્તોનાં દર્શન થાય, તેમ બે કલાક સુધી એ મુક્તો પરસ્પર વાતો કરતા હતા, તેથી તેમને બહુ સુખ આવ્યું. તેમને સામાન્ય રીતે કાને સંભળાતું ન હતું, પણ એ વખતે બધું સંભળાતું હતું. પછી સદ્. સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજીએ તેમને કહ્યું : “તમારે બહુ તાણ હતી, તેથી મહારાજ તથા દિવ્ય મુક્તોએ તમને દર્શન આપ્યાં. આ સુખ સંભારી રાખજો, હવે અમે અંતર્ધાન થઈએ છીએ.” વળી ભલામણ કરી કે, “બાપાશ્રીની કૃપામાં જે જે આવ્યા છો તે એકબીજામાં સંપ રાખજો ; તો અમે રાજી થઈશું. વચન લોપીને કોઈ મોટાને ખતરાવશો નહીં. આ વાત સૌ હેતવાળાને કરજો,” એટલું કહીને અદૃશ્ય થઈ ગયા.