બાપાશ્રી કહેતા કે કરાંચીના હરિભક્તો ખૂબ મહિમાવાળા છે. ખૂબ હેત છે. એટલું બધું હેત છે કે એનો પાર ન આવે. એમાંય કરાંચીના અગ્રગણ્ય હરિભક્ત તરીકે સાવલદાસભાઈ મુખ્ય હતા. એક દિવસ સાવલદાસભાઈ અને મૂળજીભાઈ ઠક્કર મંદિરે સભામાં આવ્યા. સદ્દગુરુશ્રી તે વખતે સભામાં પોતાની દિવ્યવાણીનો લાભ આપી રહ્યા હતા. આ બંને હરિભક્તોને સદ્દગુરુશ્રીને તે વખતે કંઈક પૂછવું હતું તેથી તેમણે પ્રાર્થના કરી. સદ્દગુરુશ્રીએ કહ્યું, “ઉપર આસને જાવ બંને જણા.” સભામાંથી મેડા ઉપર આસને ગયા. સદ્દગુરુશ્રીને પોતાને પોતાના આસને બિરાજેલા દેખ્યા ! બંને હરિભક્તો તો આશ્ચર્યમુગ્ધ થઈ ગયા.
મોટાપુરુષના સંકલ્પો અનંત બ્રહ્માંડોને સંકલ્પમાત્રમાં અક્ષરધામમાં મોકલી દે એવો એમનો જબરજસ્ત પાવર છે. અને એક ઠેકાણે રહ્યા થકા અનંત ઠેકાણે અનેક રૂપે પોતે દિવ્ય દર્શન દે એવા સદ્દગુરુશ્રી હતા. અહીંયાં જ્યારે સદ્દગુરુશ્રી દિવ્ય સ્વરૂપે આસન ઉપર બિરાજેલા જોયા એટલે એ તો આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. તરત પાછા વળી નીચે ઊતરી સભામાં જોયું તો ત્યાં પણ સદ્દગુરુશ્રી બેઠેલા હતા ! બંને હરિભક્તો તો સભામાં આવીને દંડવત કરવા લાગ્યા અને અહોભાવ અને મહિમામાં ઓતપ્રોત થઈ ગયા.
મોટાપુરુષની સાથે જેણે મન બાંધ્યું હોય અથવા આત્મબુદ્ધિ કરી હોય, હેત કર્યું હોય તો મોટાપુરુષ એની આ લોકમાં ને પરલોકમાં જરૂર રક્ષા કરે જ.