ચતુર કઈ રીતે

સ્વામીશ્રી પોતે સદા શ્રીહરિજીની મસ્તીમાં રહેતા તેથી બધી ક્રિયા, શબ્દો પરભાવમાં જ લઈ જતા. સં. ૧૯૬૧માં વસંતપંચમીના સમૈયે સ્વામીશ્રી મૂળી પધાર્યા હતા. માલણિયાદથી હરિભક્તો સમૈયે આવેલા. તેમાં ચતુરભાઈ અમીચંદભાઈ ગાંધી પરમભગવદીય. સ્વામીશ્રીનો તેમને પ્રથમ મેળાપ. સ્વામીશ્રીનાં દર્શને ગયા ને ચતુરભાઈએ દંડવત કર્યા. સ્વામીશ્રીએ પૂછ્યું : "શું નામ ?" ચતુરભાઈએ કહ્યું : “મારું નામ ચતુર.” સ્વામીશ્રીએ એ જ વખતે રમૂજ કરી પૂછ્યું. "ચતુર કઈ રીતે ?" ચતુરભાઈએ કહ્યું : “આપ કહો તે રીતે.” સ્વામીશ્રીને તો સીધા પરભાવમાં જ વર્તાવવા હતા ! તરત જ ચતુરભાઈને માથે હાથ મૂકી બોલ્યા : "મહારાજ તથા મોટા મુક્તને રાજી કરવામાં ચતુર !" અને અતિ પ્રસન્નતા બતાવી. આ કૃપા મળતાંની સાથે જ ચતુરભાઈને સ્વામીશ્રીને વિષે ગુરુભાવ થઈ ગયો. સ્વામીશ્રીએ એનું જતન કરી, શ્રીહરિજીનું સર્વોપરી જ્ઞાન એમના ચૈતન્યમાં રેડી દીધું ને દિવ્ય કરી દીધા ! ને તેમણે તે દિવ્યતા ઝીલી અનેકને દિવ્યતામાં ઝિલાવ્યા.