(૧) સદ્દગુરુશ્રી બાપાશ્રી સાથે કરાંચી પધાર્યા હતા તે વખતે વિરમગામમાં ડૉ. નાગરદાસભાઈ ડબલ ન્યૂમોનિયાને કારણે ખૂબ જ બીમાર થઈ ગયા. નાગરદાસભાઈએ વિચાર્યું કે બાપાશ્રી અને સદ્દગુરુશ્રી તો કરાંચી છે. એમનાં દર્શન ક્યાંથી થાય ? છેવટે તેમણે તાર કરી બાપાશ્રી અને સદ્દગુરુશ્રીને દર્શન દેવા પ્રાર્થના કરી. તાર મળતાં બાપાશ્રી અને સદ્દગુરુશ્રી ચિંતિત થયા કે વિરમગામ કઈ રીતે જવું ? કારણ કે કરાંચીના હરિભક્તોનો પણ પ્રેમ હતો. ત્યાંથી પણ નીકળાય એમ નહોતું. જ્યારે બીજી બાજુ વિરમગામ પણ દર્શન દેવા જરૂરી હતાં....ત્યારે ભગવાન અને સત્પુરુષને વળી આવરણ કેવાં ? આ લોકના ભાવ કેવા ? બાપાશ્રી અને સદ્દગુરુશ્રી તો દિવ્ય રૂપે પધાર્યા. વિરમગામ, નાગરદાસભાઈને દર્શન આપ્યાં. અને જ્યાં બાપાશ્રી અને સદ્દગુરુશ્રીનાં દર્શન ડૉ. નાગરદાસભાઈને થયાં ત્યાં તો પોતે આભા જ બની ગયા અને બીમારી તો ક્યાંય જતી રહી હોય તેમ શરીરે એટલી બધી કસર હોવા છતાં પથારીમાં બેઠા થયા અને અહોભાવથી બાપાશ્રીને અને સદ્દગુરુશ્રીને કહેવા લાગ્યા, “અરે બાપા ! તમે અને સ્વામી આટલા જલદી ! આમ અચાનક પધાર્યા ?” બાપાશ્રીએ કહ્યું, “નાગરદાસભાઈ, અમે તો દિવ્ય રૂપે અહીં દેખાઈએ છીએ પરંતુ છીએ તો હજી કરાંચીમાં. આ તો તમારો પ્રેમ અને આગ્રહ એટલે આવવું જ પડે ને!” અને એ દિવ્ય દર્શન ડૉક્ટરની દવા બની ગયા ત્યારથી વગર દવાએ દવા થઈ ગઈ, ફરી પાછા સાજા થઈ ગયા.
(૨) સદ્દગુરુશ્રી અદ્ભુત પ્રેમ અને હેતથી પ્રેમી ભક્તોને પોતાનાં દિવ્ય રૂપે દર્શન આપી ભીંજવી નાખતા. રામગ્રીના નારાયણભાઈ નામના હરિભક્તને સદ્દગુરુશ્રી સાથે ખૂબ જ હેત. એક વખત તેઓ જ્યારે ખેતરે ગયા ત્યારે તેમને ખૂબ તાવ આવ્યો. નારાયણભાઈ શ્રીજીમહારાજ, બાપાશ્રી અને સદ્દગુરુશ્રીને સાચા ભાવે મનોમન આર્તનાદે પ્રાર્થના કરવા લાગ્યા અને જ્યાં પ્રાર્થના કરી ત્યાં તો “પ્રેમીજનને વશ પાતળિયો” અને એ જ સમયે સદ્દગુરુશ્રીનાં દિવ્ય રૂપે દર્શન થયાં. સદ્દગુરુશ્રીએ નારાયણભાઈને કહ્યું, “નારાયણભાઈ, ચાલો અમે તમને ઘેર મૂકી જઈએ.” અને જેમ માતા પોતાના બાળક્ને હાથ પકડીને દોરી જાય તેમ ઘર સુધી પહોંચાડ્યા. આમ જે સાચા ભાવે મહારાજ અને મોટાને સંભારે તેના માટે મહારાજ અને મોટાપુરુષ અણુમાત્ર પણ જુદા કે છેટા નથી.
(૩) બાપાશ્રી અને સદ્દગુરુશ્રી એક વખત બપોરના સમયે નવી વાડીમાં સર્વે સંતો-હરિભક્તોને શ્રીજીમહારાજના દિવ્યભાવ અને મહિમાની વાતો કરતા હતા ત્યાં કેરાના એક હરિભક્ત પોતાના બાળકને લઈ દર્શન-સમાગમ માટે આવ્યા હતા. આ બાળકને એકદમ આંચકી આવી અને એના બાપના ખોળામાં છોકરાનો દેહ પડી ગયો. નાડીપ્રાણ બંધ થઈ ગયાં અને છોકરાના બાપાએ એને સદ્દગુરુશ્રીના ખોળામાં નાખ્યો. સદ્દગુરુ બોલ્યા, “બાપા ! આનો દેહ પડી ગયો છે. બાપાશ્રીએ કહ્યું, “સ્વામી, એમ કાંઈ દેહ પડવા દેવાય ? એ છોકરાને તમે પ્રસાદીનું જળ આપો, મહારાજ સારા વાનાં કરશે.”
સદ્દગુરુશ્રીએ પોતાના હસ્તે તે હરિભક્તના દીકરાના મોઢામાં જળ મૂક્યું અને જળ અંદર મોઢામાં જતાં જ છોકરો સદ્દગુરુશ્રીના ખોળામાં સળવળ્યો અને સદ્દગુરુશ્રીએ તેના સામું દષ્ટિ કરી ને કહ્યું કે, “બાપા, આ છોકરો તો મહારાજના ધામમાંથી પાછો આવ્યો.” ત્યારે બાપાશ્રીએ કહ્યું, “સ્વામી ! આ તો નૈમિષારણ્ય ક્ષેત્ર છે. અહીં તો કાંઈનાં કાંઈ કામ થાય છે. નહિ તો છોકરાને આ લોકમાં રહેવાની કોઈ શક્યતા નહોતી. પરંતુ મહારાજ અને મોટાની કૃપાદષ્ટિમાં આવી ગયો એટલે રાખ્યો છે. આવા અદ્ભુત કામ સ્વામિનારાયણના ધામમાં થાય છે.”
(૪) મૂળીના સ્વામી શ્વેતવૈકુંઠદાસજી તથા સ્વામી દેવજીવનદાસજી અને અન્ય સંતો સરા ગામ હતા. તે સમયે સદ્દગુરુશ્રીને બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો તે બાબતે કાગળ મળ્યો કે અમે વૃષપુર જવા નીકળીએ છીએ અને જો આવી શકાય તો તમે પણ જરૂરથી આવજો.
સ્વામી દેવજીવનદાસજી તો બાપાશ્રીના મંદવાડના સમાચાર સાંભળી અતિશય ઉદાસ થઈ ગયા. ત્યાંના હરિભક્તોનો આગ્રહ હતો કે સંતોનો વધુ સમાગમ મળે તો સારું; પરંતુ સંતોને તો કેમ કરીને બાપાશ્રી પાસે જઈએ એમ વિચારતાં રાત વીતી ગઈ અને દેવજીવનદાસજી સ્વામી તો અત્યંત ગમગીન બની ગયા અને એ જ વખતે સમર્થ સદ્દગુરુશ્રીએ પ્રત્યક્ષ દર્શન આપ્યાં અને સ્વામીને જગાડ્યા. સ્વામીનો હાથ ઝાલ્યો અને કહ્યું કે, “તમે કેમ આટલા બધા ચિંતામાં છો ! બાપાશ્રી કંઈ આ મંદવાડમાં અંતર્ધાન નથી થવાના. એ તો દેહના ભાવો જણાવે છે. સહુને દર્શન-સેવાનું સુખ આપવા માટે આ લીલા કરી છે. તમે આમ ઉતાવળ શીદને કરો છો ? અહીંના હરિભક્તોને સમાગમનો ખૂબ આગ્રહ છે. એમને સુખિયા કરો ને થોડા દિવસ પછી ત્યાં આવજો.”
સદ્દગુરુશ્રીના આવા દર્શનથી સ્વામી ખૂબ શાંતિ પામ્યા અને બે દિવસ રોકાવાનો વિચાર કર્યો અને સહુ હરિભક્તો બે દિવસ બાદ ત્યાંથી નીકળીને મોરબી પહોંચ્યા. નદીએ સ્નાનાદિક ક્રિયા કરવા ગયા. ત્યાં ખૂબ જ ધુમ્મસ હતું. વાતાવરણમાં કંઈક અલગ જ પરિવર્તન હતું. કોઈ એક્બીજાને જોઈ ન શકે. ખૂબ જ ધૂંધળું વાતાવરણ, તે વખતે મુક્તરાજ મનસુખભાઈ બોલ્યા અને સહુને કહ્યું કે, “મને એવો સંકલ્પ થાય છે કે કોણ જાણે આ વાતાવરણ, આ એંધાણ સારાં નથી દેખાતાં. શું બાપાશ્રી આ લોકમાંથી અંતર્ધાન તો નહિ થઈ જાય ને ?” મનસુખભાઈના આવાં વચનોથી સ્વામી દેવજીવનદાસજી ફરી પાછા ઉદાસ થઈ ગયા. એમનું હૈયું ભરાઈ આવ્યું અને ફરી વાર સદ્દગુરુએ તેમને દર્શન આપ્યાં અને કહ્યું કે, “સ્વામી, તમે કેમ આમ કરો છો ? તમે અમને ફેર દાખડો કરાવ્યો ને ! તમને અમારા વચનમાં વિશ્વાસ નથી ? અમે મહારાજની મરજી જાણી જોઈને વાત કરીએ છીએ એમાં સંકલ્પ કરશો. સદ્દગુરુશ્રીનાં આવાં વચનો સાંભળી સ્વામી દેવજીવનદાસજીને હિંમત આવી ગઈ કે હું ખોટો સંકલ્પ કરું છું. મારા કરતાં એમને વધુ ચિંતા છે. અને પછી સ્વામી સ્વસ્થ થયા અને મોરબીથી ભૂજ થઈને વૃષપુર બાપાશ્રીનાં તથા સદ્દગુરુશ્રીનાં દર્શન કર્યાં. અને અંતરમાં અતિશય આનંદવિભોર બની રહ્યા.
આમ, સદ્દગુરુશ્રી કોઈનેય સહેજ પણ દુ:ખી ન જોઈ શકતા અને સંકલ્પોનું નિવારણ કરી સુખિયા કરતા.
(૫) જમિયતપુરાના હરિભક્તો સદ્દગુરુશ્રીના પરમ કૃપાપાત્ર કહેવાય. પ.ભ. શ્રી જોઈતારામભાઈ, પ.ભ. શ્રી શંકરભાઈ, પ.ભ. શ્રી હીરાભાઈ આદિ ઘણી વખત સદ્દગુરુશ્રીને જમિયતપુરા સૌ હરિભક્તોને લાભ મળે તે હેતુથી વારંવાર વિનંતી કરે કે આપ ત્યાં પધારો. પ્રેમી હરિભક્તોના આવા કાયમી પ્રેમભર્યા આગ્રહથી સદ્દગુરુશ્રીએ જમિયતપુરા જવાનું વિચાર્યું.
સદ્દગુરુશ્રી જમિયતપુરા પધાર્યા અને જોઈતારામભાઈએ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાની પારાયણ કરાવી.
સદ્દગુરુશ્રીના પધારવાથી સૌને ખૂબ આનંદ થઈ ગયો. સૌ હરિભક્તોએ ભેગા મળી માલપૂઆની રસોઈ આપવાનું વિચાર્યું. માલપૂઆની રસોઈ શરૂ થઈ. સંતો-હરિભક્તો માટે માલપૂઆ તૈયાર થવા માંડ્યા. લગભગ અડધા માલપૂઆ બન્યા ત્યાં જ ઘી ખલાસ થઈ ગયું. ઘીના બધાં જ વાસણો ખાલી. જે કોઠારમાં માલપૂઆ ઉતારતા હતા તેમાં ઘી હતું તેટલું જ ઘી વધ્યું હતું. સંતોએ કહ્યું કે ઘી હતું એટલું ને એટલું બીજું મગાવવું પડશે. યજમાન ગૃહસ્થો તો સદ્દગુરુશ્રીની દિવ્યવાણીનો લાભ લઈ રહ્યા હતા.
સદ્દગુરુશ્રીને આ વાત જણાવવાનું નક્કી કર્યું પરંતુ ક્યાં ચાલે ? શું કરવું ? છતાંય પરિસ્થિતિ એવી હતી એટલે વાત કહ્યા સિવાય છૂટકો ન હતો. સદ્દગુરુશ્રીના જાણવામાં આ વાત આવી. કથા થોડી વાર વિરામ કરી ભંડારમાં પધાર્યા અને સંતોને કહ્યું કે, “કોઠારમાં ઘી છે તેમાંથી બધા પૂડલા બનાવી નાખો. ઘી તો મહારાજ નહિ ખૂટવા દે. અને ખૂટે તો કહેવડાવજો. અમે મગાવી દઈશું. અને ઘી વાપરવામાં કસર ન રાખતા અને જેટલું વાપરતા હોઈએ તેટલું જ વાપરજો.” સંતોએ યથાવત્ રસોઈ બનાવવાનું ચાલુ રાખ્યું પણ ઘી ખૂટે જ નહીં. માલપૂવા બધા જ બની ગયા છતાં ઘી તો વધ્યું.
(૬) એક વખત સદ્દગુરુશ્રી વિચરણ કરતાં કરતાં જમિયતપુરા પધારેલા અને અન્ય સંતો ભંડારમાં ઠાકોરજી માટે થાળ બનાવતા હતા ત્યારે ચૂલાનો જે ધુમાડો નીકળતો હતો તેના સામું જોઈ સદ્દગુરુશ્રીએ કહ્યું, “સ્વામિનારાયણના ચૂલાનો ધુમાડો કેવો દિવ્ય છે ? જુઓ !” અને તે વખતે સદ્દગુરુશ્રીના મુખકમળમાંથી આશીર્વાદ સરી પડ્યા કે, “આ ધુમાડો જે તરફ જશે તે ભાગના હરિભક્તો બહુ બળિયા થઈ જશે.” મોટા સત્પુરુષની દરેક ક્રિયામાં કંઈક ને કંઈક હેતુ સમાયેલો હોય છે. હેતુ વગરની કોઈ ક્રિયા હોય જ નહીં.
(૭) એક વખત વિરમગામના મંદિરમાં કોઈ છોકરો સત્સંગીના છોકરાનો વેશ લઈને મંદિરમાં આવ્યો અને કહેવા લાગ્યો કે, “હું સત્સંગીનો છોકરો છું. મને અહીં ઉતારો આપો.” અને પૂજારીએ ઉતારો આપ્યો અને ત્યાં રોકાયો. અને રાત્રે મેડી પર સૂતેલા પૂજારી નરોત્તમભાઈ પણ ઘસઘસાટ સૂઇ રહ્યા હતા. મોડી રાત્રે તે છોકરો કોઈ હમીરદાનજીનો ટ્રંક ઉપાડી ભાગવા ગયો. સદ્દગુરુશ્રીએ પૂજારીને દર્શન દઈને એ વાત કરી. પૂજારી જાગ્યા અને સૌને જગાડયા. છોકરાની પાછળ કોઈક હરિભક્તને દોડાવ્યા. છોકરો બજારમાં ટ્રંક છોડીને નાસી ગયો. આ રીતે સદ્દગુરુશ્રીએ કૃપા કરીને હમીરદાનજીનો ટ્રંક બચાવ્યો.
(૮) એક વખત સદ્દગુરુશ્રી સંતો સાથે કમળાપુરા પધાર્યા હતા. તે વખતે મંદિર જતાં રસ્તામાં એક કૂતરું બે દિવસથી માંદું હોવાથી સૂતેલું. તેને આફરો ચઢેલો હતો. સ્વામીશ્રીએ ચાલતાં ચાલતાં તેની ઉપર કૃપાદ્ષ્ટિ કરી ને આગળ ચાલ્યા. પાછળ આવતા હરિભક્તોએ સ્વામીશ્રીના ચરણની રજ લઈને કૂતરા પર નાખી તો તરત જ કૂતરાને આફરો મટી ગયો ને તે સાજું થઈ ચાલવા માંડ્યું. જેમની ચરણની રજનો આટલો પ્રતાપ હોય તો તે પોતે કેટલા સમર્થ પુરુષ હશે ?
(૯) સંવત ૧૯૯૮ના પોષ માસમાં લુણસર ગામમાં ભગવાનભાઈના પિતા ખીમજીભાઈને મંદવાડ થઈ ગયો. તે વખતે તેઓ શ્રીજીમહારાજ અને સદ્દગુરુશ્રીને ખૂબ સંભાર્યા કરતા પણ એમને દર્શન થતાં નહીં. તેથી મનમાં મૂંઝાયા કરે કે મને કેમ ક્યારેય દર્શન નહિ થતા હોય ? એમ કરતાં એક દિવસ સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી તથા સદ્. શ્રી વૃંદાવનદાસજી સ્વામીને ખૂબ ગદ્ગદ કંઠે સંભાર્યા. તે જ દિવસે શ્રીજીમહારાજ સાથે આ બંને સદ્દગુરુઓનાં દર્શન થયાં એટલે પોતાના પુત્ર ભગવાનભાઈને બોલાવીને કહ્યું, “બધા અહીં આવો ને શ્રીજીમહારાજ અને બંને સદ્દગુરુનાં દર્શન કરો. મહારાજ મને ધામમાં તેડવા આવ્યા છે.” પછી ભગવાનભાઈએ પૂછ્યું, “બાપા, બે સદ્દગુરુ કયા ?” ત્યારે કહ્યું કે, “સરસપુર મંદિરમાં ઢોલિયા પર તકિયાના ઓઠીંગણે બેઠા હતા તે છે. હવે હું ધામમાં જઉં છું.” એમ કહેતા ‘જય સ્વામિનારાયણ’ કરી ધામમાં ચાલ્યા ગયા.
(૧૦) અમદાવાદ પાસેના કણભા ગામના શ્રી આશાભાઈ ત્રિકમભાઈ પટેલ, કે જેઓ પાછળથી સત્સંગમાં ‘આશાબાપા’ તરીકે જાણીતા થયા, તેમને સદ્દગુરુશ્રીની કૃપાથી મુક્તરાજ બાપાશ્રી જોડે અતિશય હેત ને આપોપું થઈ ગયું હતું. શ્રી છપૈયામાં મૂર્તિપ્રતિષ્ઠાના સમૈયે બાપાશ્રી પધાર્યા તે વખતે આશાભાઈ બાપાશ્રીની સેવામાં સાથે ને સાથે જ હતા. તે પાછા વળીને ગામોગામ દર્શન દઈને બાપાશ્રી પધાર્યા ત્યાં સુધી સાથે ને સાથે સેવા કરતા રહ્યા. વૃષપુરથી બાપાશ્રી રજા લઈને કણભા પાછા ફર્યા બાદ તેઓ એકદમ બીમાર થઇ ગયા ને દેહ રહે નહિ તેવું થઈ ગયું. તે વખતે તેમને મુક્તરાજ બાપાશ્રી તથા સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીનાં દર્શન થયાં. બાપાશ્રી તેમને વઢવા લાગ્યા : “અમને મૂકીને કેમ આવતા રહ્યા ?” એ વખતે સદ્દગુરુશ્રી પાસે ઊભા ઊભા હસતા હતા. પછી બાપાશ્રીએ રાજી થઈને કહ્યું કે, “આ તમારો મંદવાડ દેહ મૂકવાનો નથી, પણ અમારા વિયોગનો છે. તે હળવે હળવે મટી જશે.” આ દર્શન થયાં ને બીજે જ દિવસે સદ્દગુરુશ્રી અંતર્યામીપણે જાણી, જાતે જ અમદાવાદથી કણભા પધાર્યા. આશાભાઈ તો તે જાણી રાજી રાજી થઈ ગયા. સદ્દગુરુશ્રીને શીખંડ-પૂરીની રસોઈ આપી. સદ્દગુરુશ્રીએ આશાભાઈને પાસે બોલાવી આગ્રહ કરીને શીખંડ-પૂરી જમાડ્યાં. સદ્દગુરુશ્રીએ કહ્યું, “બીક ન રાખશો. અમે તમારો મંદવાડ કાઢવા જ આવ્યા છીએ.” તે જ દિવસથી આશાભાઈની તબિયત સુધરવા લાગી.