એક વખત સદ્દગુરુશ્રી રેલવેમાં જઈ રહ્યા હતા ને શેઠ હીરજીભાઈ ભીમજીભાઈ ચાવડા મળી ગયા. સં. ૧૯૫૮માં તેઓ સદ્દગુરુશ્રીને મળેલા, પણ સં. ૧૯૬૦માં કોઈ કારણસર થોડો વિવાદ થતાં સદ્દગુરુશ્રીની આજ્ઞા માની શકેલા નહીં. તેમના પિતાશ્રી ભીમજીભાઈને તે વાતની જાણ થતાં તેમને ખૂબ દુઃખ થયું. મનોમન સદ્દગુરુશ્રીને પ્રાર્થના કરી, ત્યારે સદ્દગુરુશ્રીએ દિવ્ય રૂપે દર્શન દઈ કહેલું કે, “અમે હીરજીને જાળવી લેશું.” તે પછી હીરજીભાઈ પરોક્ષ શાસ્ત્રના અભ્યાસમાં ને વેપાર ધંધામાં લાગી ગયા ને સત્સંગ રંગ ઓછો થઈ ગયો. આમ લગભગ વીસ વર્ષે હીરજીભાઈને સદ્દગુરુશ્રીનો મેળાપ અચાનક રેલવેમાં થઈ ગયો. સદ્દગુરુ તો વાત્સલ્ય મૂર્તિ કરુણાદૃષ્ટિએ હીરજીભાઈને જોઈ રહ્યા, તેમના ખબર-અંતર પૂછ્યા, તેમનું મુંબઈનું સરનામું લીધું, ને મૂળી મંદિરના પાટોત્સવની સામાન્ય વાતો કરી, શ્રીજીમહારાજના મહિમા-પ્રતાપની વાતો કરી પાછા સત્સંગ તરફ વાળ્યા. સદ્દગુરુશ્રીએ રાજી થઈ ખૂબ આશીર્વાદ આપ્યા. એ પછી હીરજીભાઈની આર્થિક સદ્ધરતા ઘણી વધી. વિશેષે તો સદ્દગુરુશ્રીની કૃપાદ્રષ્ટિમાં આવી જતા હીરજીભાઈ સેવા, સમર્પણ ને જ્ઞાન-ઉપાસનામાં અનન્ય અગ્રણી બની રહ્યા !