પુષ્પ ૧ : બાપાશ્રી જીવનચરિત્ર લખવાની આજ્ઞા
મૂળી મંદિરના સં. ૧૯૭૯ના શતવાર્ષિક પાટોત્સવ પછી શેઠ હીરજીભાઈ જેમ જેમ સદ્દગુરુશ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીની કૃપામાં આવતા ગયા તેમ તેમ તેમને શ્રીજીમહારાજના મહાત્મ્યજ્ઞાન સાથે વ્યવહાર માર્ગમાં પણ ઉત્કર્ષપણું વધતું ગયું. આથી તેઓ પોતાના દરેક કાર્યમાં શ્રીજીમહારાજની કૃપા સાથે આ સદ્દગુરુશ્રીની કૃપાનું ફળ છે એમ માનતા હતા. તેમના હૃદયમાં એમ જ રહેતું હતું કે જે ઉત્તમ સિદ્ધાંતવાળું જ્ઞાન શ્રીહરિએ પ્રવર્તાવ્યું છે, તે જીવનમાં યથાર્થ ઉતારીને જેઓશ્રી બીજાઓને તેનો લાભ આપે છે, તેમજ સત્સંગની સુધારણા માટે જેમણે અઠંગ અખાડો માંડ્યો છે, તેમજ અનેક કષ્ટો તથા માન-અપમાનને ન ગણકારતાં પોતાના ધ્યેય પ્રત્યે સ્વસ્થતાપૂર્વક પ્રવૃત્તિ કરી રહ્યા છે, એવા સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીનું જો જીવનચરિત્ર લખાય તો તે અતિ જનહિતમાં પરિણમે. આથી તેઓ કેટલીય વાર સદ્દગુરુશ્રી પાસે આ માગણી કરતા. પરંતુ દરેક વખતે સદ્દગુરુશ્રી તેમને અબજીબાપાશ્રીના જીવનચરિત્રની જરૂરિયાત માટે ભલામણ કરતા.
સદ્દગુરુશ્રીની એ અંતરની ઇચ્છા હતી કે અબજીબાપાશ્રીએ સત્સંગને જે અદ્ભુત આત્યંતિક કલ્યાણની ગંગામાં નવરાવ્યો છે તે મુજબ તેમનું સુંદર અને વિગતવાર જીવનચરિત્ર લખાવું જોઈએ. સદ્. મુનિસ્વામીએ (પુરાણી કેશવપ્રિયદાસજી સ્વામીએ) આ અંગે થોડું લખાણ કર્યું હતું, પણ વધુ વિગતો મળે તો તે ભેગી કરીને વિસ્તારપૂર્વક લખાણ થાય તો વધુ લાભદાયક થાય, તેવા આશયથી સદ્દગુરુશ્રીએ સં. ૧૯૯૫માં એ સેવા અનન્ય સેવક અને બાપાશ્રીના પરમ લાડીલા, જેમને બાપાશ્રીએ પોતે ‘ઠાવકા પંડ્યા’ તરીકે પ્રમાણિત કરેલા તેવા મુક્તરાજ સોમચંદભાઈને સોંપી. સોમચંદભાઈને તો, મનગમતી દિવ્ય સાહિત્યસેવા મળી જતાં આનંદ આનંદ થઈ રહ્યો.
બાપાશ્રીની જેમણે બહુ સેવા કરી હતી એવા વૃષપુરવાળા હીરજીભાઈના પુત્ર પ્રેમજીભાઈને સાથે રાખી સોમચંદભાઈ કચ્છના ગામેગામ ફર્યા. વૃદ્ધ હરિભક્તો પાસેથી જે જે યાદીઓ મળી તથા જે જે ફોટાઓ મળ્યા તે ભેગા કર્યા. બાપાશ્રીના અનન્ય પરિચયમાંના સદ્દગુરુશ્રીઓ - મોટેરા હરિભક્તો વગેરે પાસેથી જે જે કાંઈ સાહિત્ય મળ્યું તે બધું સંગ્રહવામાં આવ્યું, ત્યારપછી બધી માહિતીને ક્રમવાર ગોઠવી, વિગતથી લખી દળદાર પુસ્તક તૈયાર થવા લાગ્યું.
પુષ્પ ૨ : હીરજીભાઈને ત્યાં બાપાશ્રી જીવનચરિત્રની પારાયણ
શેઠ હીરજીભાઈ સદ્દગુરુશ્રીના મંદવાડની શરૂઆતમાં એમ કહ્યા કરતાં કે હજી તો મારે સદ્દગુરુશ્રીને રાજકોટ મારે ત્યાં તેડી જઈ પારાયણ કરાવવું છે. સદ્દગુરુશ્રીને પૂછે : “પધારશો ને ?” પોતે રાજી થઈને કહે : “હા, હા જરૂરથી રાજકોટ આવવું છે.” પણ મંદવાડ તો વધતો ચાલ્યો તેથી હીરજીભાઈથી બોલાય તેમ રહ્યું નહીં. પણ સં. ૧૯૯૮ના આસો માસની શરૂઆતમાં હીરજીભાઈ સદ્દગુરુશ્રીનાં દર્શને આવ્યા ત્યારે સદ્દગુરુશ્રીએ જ સામેથી પૂછ્યું : “હીરજીભાઈ ! અમને હવે રાજકોટ કયારે લઈ જવા છે ?” હીરજીભાઈએ વૈદ્યરાજની સલાહ પૂછી. વૈદ્ય રવિશંકરભાઈએ કહ્યું : “આ સ્થિતિમાં કોઈ પણ ચિકિત્સક લઈ જવાની સંમતિ ન આપે, પણ જો સદ્દગુરુશ્રીની પોતાની આવવાની ઇચ્છા હશે તો રસ્તામાં કોઈ જાતનો વાંધો નહિ આવે.” ડૉ. નાગરદાસભાઈનો પણ એ જ અભિપ્રાય આવ્યો. તે વર્ષોમાં મોટર વાહનવ્યવહાર હતો નહિ, વળી સૌરાષ્ટ્ર વિભાગમાં કેવળ મીટર ગેજ ટ્રેનો હતી, ને અમદાવાદથી વિરમગામ સુધી બ્રોડગેજ ટ્રેનો જતી. વિરમગામ ગાડી બદલવી પડે તેમ હોય તો ઘણી મુશ્કેલી પડે. વહેલાળના નગીનદાસ માસ્તર રેલવેમાં નોકરી કરતા હતા. તેમણે મહેનત કરી મીટર ગેજના ફર્સ્ટ ક્લાસના સ્પેશિયલ બે ડબ્બા ભાડે કરાવી આપ્યા. તેમાં સદ્દગુરુશ્રી, તેમની સેવામાં રહેતા સંતો, વૈદ્યરાજશ્રી, ડૉ.નાગરદાસભાઈ, શેઠ બળદેવભાઈ, વિઠ્ઠલજીભાઈ, આશાભાઈ, ભગવાન ભગત, લક્ષ્મણભાઈ વેગેરે બેસી અમદાવાદથી મહેસાણા તરફ મીટર ગેજમાં કટોસણરોડ જંક્શન થઈ ત્યાંથી મહેસાણા - વિરમગામની ટ્રેનમાં તે ડબ્બો જોડાવી, વિરમગામ - સુરેન્દ્રનગર થઈ રાજકોટ પધાર્યા. હીરજીભાઈ અને બીજા સૌને એમ હતું કે સદ્દગુરુશ્રી અહીં થોડા મહિના રોકાશે. વેસ્ટ હૉસ્પિટલના સર્જન તથા આસિસ્ટંટ સર્જનને બોલાવી સદ્દગુરુશ્રીના પગ બાબત ડૉ. નાગરદાસભાઈ સાથે તથા બીજા વૈદ્યોને બોલાવી શારીરિક સ્થિતિ માટે વૈદ્યરાજ રવિશંકરભાઈ સાથે મસલત કરાવરાવી. એકંદરે સૌને આશ્ચર્ય થયું કે અશક્તિ ઘણી છે, છતાં નાડીની સ્થિતિ સારી છે. સર્જન ડૉકટરને નવાઈ તો એ લાગી કે હૃદયના ધબકારાનો અવાજ બહુ જ મંદ, પણ નાડીના ધબકારા ઘણા સારા ! તેમણે સદ્દગુરુશ્રીની સ્થિતિને ‘યોગેશ્વરની સ્થિતિ’ ગણાવી.
સદ્દગુરુશ્રીએ કહ્યું, "બાપાશ્રીના જીવનચરિત્રના જે પાનાં છપાઈ ગયા હોય તે લાવો." આ દરમ્યાન સોમચંદભાઈ તથા અન્ય સેવકોની ચીવટથી છાપકામ પુરું થઈ ગયેલું, પણ એ છપાયેલા પાનાંને પુસ્તક - આકારે બાંધવાનું કામ બાકી હતું. મોટી સાઇઝના આશરે અગિયારસો પાનમાં આ વિસ્તૃત જીવનચરિત્ર છપાયું હતું. બધા છપાયેલાં પાનાં સદ્દગુરુશ્રી પાસે લાવ્યા. સદ્દગુરુશ્રીએ અતિ પ્રસન્નતા જણાવી. બધા જ સેવકો ઉપર પોતાના આશીર્વાદ વહેવડાવ્યા. હીરજીભાઈને સદ્દગુરુશ્રીએ કહ્યું : "હવે આ પાના સૌને વહેંચી દઈ, સમૂહપારાયણ કરી લ્યો." શેઠ હીરજીભાઈના એ ‘ઈશ્વર ભુવન’ બંગલામાં સદ્દગુરુશ્રીના સાંનિધ્યમાં આસો સુદ પૂનમ શરદપૂર્ણિમાએ - અબજીબાપાશ્રીના જીવનચરિત્રની પ્રથમ (સમૂહ) પારાયણ થઈ. સૌ હેત-રુચિવાળા હરિભક્તોએ સદ્દગુરુશ્રી પાસેથી પ્રસાદ લીધો. રાજકોટ મંદિરમાં રસોઈ દીધી, સંત – હરિભક્તોને જમાડ્યા.
પુષ્પ ૩ : હીરજીભાઈએ વચન માગ્યું
આસો સુદ ૧૩એ રાજકોટ પધાર્યા હતા. આસો વદમાં તો સદ્દગુરુશ્રીએ કહ્યું : "હીરજીભાઈ ! તમારો સંકલ્પ હતો કે અમને રાજકોટ તેડી લાવવા, ને બાપાશ્રીના જીવનચરિત્રની પારાયણ કરાવવી. તમારો તે સંકલ્પ પૂરો થયો છે. હવે અમને રાજી થઈને રજા આપો !" આસો વદ આઠમ (તા. ૧-૧૧-૪૨)ને રવિવારે સદ્દગુરુશ્રી અમદાવાદ પાછા પધાર્યા.
સદ્દગુરુશ્રી રાજકોટ જવા માટે પધાર્યા ત્યારે વાડજની ચાંપાનેર સોસાયટીના બંગલેથી પધારેલા. રાજકોટથી પાછા વળતા અમદાવાદ સ્ટેશને પહોંચ્યા, ત્યાં સદ્દગુરુશ્રીએ કહ્યું : "અમારે હવે સરસપુર જવું છે." સૌ હરિભક્તો ઉદાસ થઈ ગયા. સૌ જાણી ગયા કે સદ્દગુરુશ્રી વાડજના બંગલામાં દેહોત્સવ કરવા નથી ઇચ્છતા, પણ સરસપુર મંદિરમાં જ દેહોત્સવ કરશે. હવે સદ્દગુરુશ્રી વાડજ ન પધારતાં સરસપુર મંદિરમાં પધાર્યા. રાજકોટ બાર દિવસ રહ્યા. ત્યાં તેમજ જતાં - આવતાં રસ્તામાં ગામેગામના હરિભક્તોને દર્શન આપી રાજી કર્યા, કારણ કે નહિતર એટલા બધા મનુષ્યો અમદાવાદ સુધી આવી સદ્દગુરુશ્રીનાં દર્શનનો લાભ ન લઈ શક્યા હોત.
હીરજીભાઈ બે દિવસ સરસપુરમાં સદ્દગુરુશ્રી સાથે રોકાયા. તે દરમ્યાન મંદવાડની પરિસ્થિતિ એમ ને એમ રહેતી લાગી. દિવાળી માટે થોડા દિવસ જઈ આવવા તેમને વિચાર થયો. સદ્દગુરુશ્રીએ તેમને રાજી થઈને જવાની રજા આપી. ત્યારે હીરજીભાઈએ કહ્યું : "હું તો તો જાઉં, જો હું પાછો આવું ત્યારે આમ ને આમ દર્શન આપો તો." સદ્દગુરુશ્રીએ કહ્યું : "ભલે. તમે અહીં પાછા આવશો તે પછી અમે દેહોત્સવ કરીશું."
પુષ્પ ૪ : સદ્દ્ગુરુશ્રી અંતર્ધાન
હીરજીભાઈ રાજકોટ ગયા પછી સદ્દગુરુશ્રીની પરિસ્થિતિ બગડવા માંડી. આસો વદ ચૌદશને રોજ હીરજીભાઈને તાર કર્યો કે સદ્દગુરુશ્રીની તબિયત બહુ જ ગંભીર છે. તેથી હીરજીભાઈ તરત જ રાજકોટથી અમદાવાદ આવવા નીકળ્યા.
હવે રાત્રે ૧૦ વાગ્યે હીરજીભાઈ અમદાવાદ ઊતર્યા ને સીધા સરસપુર મંદિર પહોંચ્યા. સદ્દગુરુશ્રી તો જાણે એમના આવવાની જ રાહ જોતા હતા ! મુક્તવલ્લભદાસજી સ્વામીએ સદ્દગુરુશ્રીને કહ્યું : "આ હીરજીભાઈ આવ્યા." એટલે તરત પોતે આંખ ઉઘાડી. માથે હાથ મૂકયો. તે વખતે નાડી કાંઈક ઠીક લાગતી હતી. સદ્દગુરુશ્રીએ હાથની સાન કરી હીરજીભાઈને પૂછ્યું: "જમ્યા ?" સદ્દગુરુશ્રીના સેવકો હીરજીભાઈને જમાડવા લઈ ગયા. જમીને પાછા આવ્યા ત્યાં તો નાડી વધુ ધીમી લાગી. પાણી માટે પૂછ્યું તે લેવા પોતે હા પાડી. પાણીની ઝારીની નળી મોમાં દેતા પોતાની મેળે બે ઘૂંટડા પીધા; વધુ લેવાની ના પાડી. તરત જ નાડી એકાએક તદ્ન બંધ પડતી લાગી. સૌ ધૂન બોલતા હતા. શ્વાસ ધીમો પડવા લાગ્યો. સદ્દગુરુશ્રીને જમીન ઉપર લઈ રહ્યા હતા, ત્યાં તો તડતડાટ અવાજ સાથે દિવ્ય પ્રકાશના અગણિત તણખા શંકુ આકારે સદ્દગુરુશ્રી ઉપર ખરી પડયા ! સં. ૧૯૯૮ના આસો વદ અમાસ - દિવાળી - તારીખ આઠમી નવેમ્બર, ઓગણીસો બેતાલીસની રાત્રે સવા અગિયાર વાગ્યે સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રીએ પોતાની દિવ્ય મનુષ્યલીલા શ્રીહરિજીની ઇચ્છાથી સ્વતંત્રપણે સંકેલી લીધી. પરમકૃપાળુ શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વરૂપમાં અનંત જીવોને જોડી દેવા માટે મોકલેલ આ મંગલ દિવ્ય સદાવ્રત, એ પરમકૃપાળુની ઇચ્છાએ, પરમકૃપાળુના સ્વરૂપમાં વિલીન થઇ ગયું !