શ્રીજીમહારાજ અજાતશત્રુ છે. ભગવાન અને સત્પુરુષને કોઈ શત્રુ નથી. પરંતુ જગતના જીવ પોતાના દેહાભિમાન અને અજ્ઞાનના કારણે ભગવાન અને સત્પુરુષનો દ્રોહ કરે છે. તેમને પોતાના વિરોધી સમજે છે, દ્રોહી સમજે છે અને પરિણામે કોટિ કલ્પે અંત ન આવે એવાં દુઃખને સહન કરે છે.
સાગરના ઊંડાણમાં અનેક રત્નો પડ્યા હોય છે એટલે જ તો એને રત્નાકર કહેવાય છે. ભગવાનના સત્પુરુષો પણ ગુણસાગર એવા રત્નાકર સમાન જ છે. તેમનામાં પણ ક્ષમા, ધીરજ, દયા, પ્રેમ, પવિત્રતા, પારદર્શકતા, સાધુતા જેવા આલોકના અનેક ગુણોરૂપી રત્નો તો ઉપર અને ઊંડાણમાં સાહજિક હોય છે. દયાના મહાસાહાર એવા ભગવાન અને સત્પુરુષ આ બ્રહ્માંડમાં પધાર્યા આ તો કેટલી દયા ! કેટલી કરુણા ! આહાહા..ઓહોહો..
“સાગર જેવા દિલડા જેના, કે’દી ન છલકાય જી…”
શ્રીજીમહારાજે સ્વયં શિક્ષાપત્રીમાં લખ્યું છે કે, “હે સંતો, તમને કોઈ મારે, તિરસ્કાર કરે, તમારું ભૂંડું કરે છતાંય પણ ક્યારેય આપણે કોઈનુંય ખરાબ થાય એવું ન કરવું કે સંકલ્પ પણ ન કરવો.”
આપણે પણ સદ્ગુરુશ્રીના દિવ્યજીવનમાંથી પ્રેરણા મેળવીએ.
સંવત ૧૯૬૬નો એક પ્રસંગ છે. જેતલપુરના ગામડી ગામના પાટીદારનો એક દીકરો સદ્ગુરુશ્રીના જોગમાં આવ્યો અને સદ્ગુરુશ્રીના રંગે રંગાઈ ગયો. સંસાર અસાર થઈ ગયો. સદ્ગુરુશ્રીએ સંસારમાંથી વિરક્ત કરી નાખ્યો. અને યુવાનીના રંગે રંગાયેલો જ્યારે પ્રભુના રંગે રંગાઈ જાય ત્યારે એને કોણ રોકી શકે ! સદ્ગુરુશ્રીને ખૂબ આગ્રહ કર્યો અને કહ્યું કે, “હું આપની અખંડ સેવામાં રહી શકું એવી દયા કરો અને દયાળુ, મને સાધુ કરો.” સદ્ગુરુશ્રીએ તેના વૈરાગ્યની ખાતરી કરી પરંતુ છોકરો ખરેખરો મુમુક્ષુ, ભૂખ્યો, ગરજુ, ખપવાળો અને વૈરાગ્યવાન હતો તે જોઈ સદ્ગુરુશ્રી રાજી થયા. સદ્ગુરુશ્રી જાણતા હતા કે પાટીદારનો આ છોકરો સાધુ થશે એટલે તેના કુટુંબીજનો ઉદ્વેગ કરશે, કંઈક ધમાલ કરશે પણ તેણે કરીને સાચા ખપવાળાને પાછો કેમ પડાય ? કારણ કે જે દિવ્યપુરુષને એક જ આગ્રહ છે કે પોતાના જોગમાં આવે એને ભગવાનમય કરવો છે. જે પોતે પોતાના જેવા અનંત પાત્રોને તૈયાર કરવા માટે જ પધાર્યા છે એ પુરુષ ક્યાંથી કોઈને જાકારો આપી શકે !
સદ્ગુરુશ્રીએ કોઈ પણ ભાવિ મુશ્કેલીઓ, આફતોને ન ગણકારી અને વિચાર કર્યો કે, “હશે, મહારાજની ઇચ્છા હશે તેમ થશે.” આમ વિચારી છોકરાને દીક્ષા આપી સાધુ કરી પોતાની પંક્તિમાં ભેળવી દીધો.
થોડા સમય બાદ ગામડી ગામમાં ખબર પડી ને છોકરાના કાકા મૂળજીભાઈ નાથુભાઈએ વાત જાણી ત્યારે પોતે એકદમ ઉગ્ર થઈ ગયા અને એક દિવસ વહેલી સવારમાં જ તેઓ જેતલપુર મંદિરમાં આવ્યા. સદ્ગુરુશ્રી તો તે સમયે પૂજા કરી રહ્યા હતા અને માનસીપૂજામાં ધ્યાનસ્થ અવસ્થામાં બિરાજમાન હતા તેમ છતાં અજ્ઞાની અને અબુધ જીવ ભગવાન અને સત્પુરુષને જ નથી સમજી શકતા એ કેવાં અધમ કૃત્ય કરી નાખે છે ? એને એ કૃત્યના પરિણામની ખબર નથી કે આનું શું પરિણામ આવશે અને એવા કોઈ પણ વિચાર કે સમજ વગર જેના રોમ રોમમાં ક્રોધ ભભૂકી ઊઠેલો એવા મૂળજીભાઈએ પોતાના હાથમાં રહેલી વાંસની લાકડીથી સદ્ગુરુશ્રીને સાટ... સાટ... સાટ... કરતા પોતાની લાકડી વડે સાત થી આઠ સપાટા લગાવી દીધા. ત્યાં તો બીજા સંતો એકદમ દોડ્યા અને મૂળજીભાઈને પકડીને દૂર લઈ ગયા.
આખો પ્રસંગ બની ગયો પરંતુ સદ્ગુરુશ્રી તો સ્થિતપ્રજ્ઞ પુરુષ, જે પોતાની સ્થિતિમાંથી સહેજ પણ ચલાયમાન ન થયા. માનસીપૂજા તથા માળા આદિ પૂરાં થતાં જ સદ્ગુરુશ્રીના મુખમાંથી નીકળેલા શબ્દો તો જોઈએ. દિલનો દરિયો તો જોઈએ કે એ કેટલી કરુણા વરસાવે છે ! જેની દૃષ્ટિમાં કેવળ કરુણા જ છે. એ સદ્ગુરુશ્રી બોલ્યા કે, “એમાં શું થયું ? આપણે તેના ભત્રીજાને ભરમાવ્યો એવું એમને લાગ્યું એટલે એમણે આવું કૃત્ય કર્યું... આપણે એમના કૃત્ય સામે ન જોવું. શ્રીજીમહારાજે અને આપણા નંદસંતોએ, આપણી અમીરપેઢીએ કેટકેટલું સહન કર્યું છે ! આપણે તો જીવ-પ્રાણીમાત્ર પર દયા રાખવી. આપણો એ જ ધર્મ છે. એમાં જ આપણી મહાનતા છે; એ જ આપણી સાધુતા છે.
અહાહાહા... કેટલી મહાનતા ! કેટલી દિવ્યતા... ! કેટલી ભવ્યતા…! કેટલી વિશાળ વિચારધારા…! છતાં એક અદ્ભુત સ્વરૂપ કે જે આપણા જેવા થઈને વિચરે. સદ્ગુરુશ્રીની આ દિવ્યતા અને ભવ્યતા જોઈને કોનું હૃદય ન પીગળે ? સદ્ગુરુશ્રીએ મૂળજીભાઈને ખૂબ જ પ્રેમભાવથી ‘જય સ્વામિનારાયણ’ કહ્યા.
અને સદ્ગુરુશ્રીના દયાના સ્રોતથી મૂળજીભાઈનું અંતર નિર્મળ થઈ ગયું. હૃદય પીગળી ગયું. અંતરમાં હચમચાટ થઈ ગયો. પશ્ચાત્તાપ કરતાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને સદ્ગુરુશ્રીના ચરણમાં પડી ગયા. સદ્ગુરુશ્રીની ખૂબ આર્તનાદે માફી માગી.
જેના રૂંવાડે રૂંવાડે શ્રીજીમહારાજ છે, બાપાશ્રી છે એવા સમર્થ સદ્ગુરુશ્રીએ શ્રીજીમહારાજનાં અમૃત વચનો લક્ષ્યાર્થ કર્યાં.
શ્રીજીમહારાજ ગઢડા પ્રથમના ૨૭મા વચનામૃતમાં કહે છે : “સામર્થીયુક્ત થકા પણ અન્ય જીવનાં માન-અપમાનને સહન કરે છે એમાં પણ મોટી સામર્થી છે, કાં જે સમર્થ થકા જરણા કરવી તે કોઈથી થાય નહિ; એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા.
સદ્ગુરુશ્રીનો એક જ સંકલ્પ કે કેમ કરીને જીવનું રૂડું થાય ! અને માટે સ્વયં ધણી શ્રીજીમહારાજ, અનંતકોટિ બ્રહ્માંડનો નાથ, આવડા વિરલ સંતવર્યને ‘અતિશય મોટા’ કહે છે.
ધન્ય છે આવા દયાળુમૂર્તિ સદ્ગુરુશ્રીને કે જેમણે પોતાના સમગ્ર જીવનકાળ દરમ્યાન નાનાં-મોટાં આવાં તો અનેકાનેક અપમાનોને સહન કર્યાં છે છતાંય આપણે એમની દયાનું આ લોકના શબ્દમાં કઈ રીતે વર્ણન કરી શકીએ ! એ પુરુષે આપણા ઉપર અને સમગ્ર જીવો ઉપર કેવળ કરુણા જ વહાવી છે, દયા જ વહાવી છે.