પુષ્પ ૧ : માન મૂકી શરણે થયા
મૂળીમાં સભામંડપમાં સ્વામી શ્રી ઈશ્વરચરણદાસજી વાતો કરતા હતા તેમાં મુકતરાજ અબજીબાપાશ્રીના મહિમાની વાતો પણ કરી. તે વખતે કોઈક હરિભકતને સંકલ્પ થયો કે, "શાસ્ત્રવેત્તા સંત-હરિભકત હોય, તેઓ શાસ્ત્રમાંથી ભગવાનનું સ્વરૂપ સમજી શકે, પણ અબજીબાપા જેવા જે ભણ્યા જ ન હોય તે શાસ્ત્રને જાણ્યા વિના શું સમજે ?" સ્વામીશ્રી તે સંકલ્પને અંતર્યામીપણે જાણી ગયા ને કહેવા લાગ્યા : "પરોક્ષ શાસ્ત્રત્રમાં મહામાયા ને મૂળપુરુષ સુધીનું વર્ણન કર્યું છે. તે શાસ્ત્ર જાણનારા મૂળપુરુષને જ પુરુષોત્તમ ભગવાન જાણે છે, પરંતુ મૂળપુરુષથી પર મહાકાળ છે, તેથી પર નરનારાયણ છે, તેથી પર વાસુદેવનારાયણ છે, તેથી પર મૂળઅક્ષર છે ને તે સર્વે અનંત છે, ને તેથી પર તેજના સમૂહરૂપ શ્રીજીમહારાજનું અક્ષરધામ છે. તેમાં અનંતકોટિ મુક્ત ને નિત્યમુક્ત તેમણે નિરંતર સેવ્યા એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન છે. તેમને અનાદિ શ્રીકૃષ્ણ કહ્યા છે. તે વાત શ્રીજીમહારાજ અને તેમના સિધ્ધ મુક્તોથી જ સમજાય છે. તે શ્રીજીમહારાજે ગઢડા મધ્ય પ્રકરણના ૧૩મા વચનામૃતમાં કહ્યું છે કે, “તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા, અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ.”’ આ જે વાત કરી છે તે પોતાના અનાદિમુક્તની સ્થિતિની વાત કરી છે. શ્રીજીમહારાજના અનાદિમુક્કતો તો આ પૃથ્વી ઉપર વિચરતા હોય તો ય મૂર્તિમાં જ છે ને મૂર્તિના સુખમાં થીજેલા છે, માતાના ઉદરમાં હોય ત્યારે પણ શ્રીજીમહારાજની મૂર્તિને દેખે ને તે મૂર્તિના સુખે સુખી હોય. માતાના ઉદરમાં આવ્યા મોરે પણ તે મૂર્તિમાં જ હતા ને મૂર્તિનું સુખ ભોગવતા હતા. આથી આવા અનાદિમુક્ત જે શ્રીજીમહારાજની ઇચ્છાથી પૃથ્વી ઉપર અનંત જીવોના આત્યંતિક કલ્યાણ માટે વિચરતા હોય તેમની મોટપ કાંઈ શાસ્ત્ર ભણવે કરીને નથી, તેમની મોટપ તો શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સુખમાં રમે છે તેની છે. મુક્તકતરાજ અબજીબાપાશ્રી શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઇચ્છાથી આ પૃથ્વી ઉપર દર્શન દે છે, ને અનંત જીવોને શ્રી હરિજીના સુખે સુખિયા કરે છે, ને પોતે તો સદાય એ સુખમાં જ રમે છે. આ વાત સાંભળીને સભામાં બેઠેલા તે હરિભક્તે પોતાનું માન મૂકીને સ્વામીશ્રીને દંડવત્ કરી પ્રાર્થના કરી, સ્વામીશ્રીની માફી માગી સ્વામીશ્રીને પ્રસન્ન કર્યા.
પુષ્પ ૨ : સરળ ભાષામાં ઊચું જ્ઞાન
જુદાં જુદાં ગામોથી હરિભક્તો સદ્દગુરુશ્રીનાં દર્શન-સમાગમ માટે આવે, સદ્દગુરુશ્રી સૌને રાજી કરે. દરેક પ્રસંગે ને દરેક વાતમાં જીવોને શ્રીહરિજીનું વધુ ને વધુ સાંનિધ્ય થાય તે જ તેમની ધગશ ને કાર્યક્રમ હતાં. કોઈ દર્શન કરવા આવે તો તેને સદ્દગુરુશ્રી પૂછે : “કયાંથી આવ્યા ?” જો તે કહે ઘેરથી, તો પાછા પૂછે : “ઘર કયાં આવ્યું ?” આમ છેવટ મૂર્તિમાં લઈ જઈને વાત મૂકે ! નાનાં નાનાં છોકરાં આવે તેમને પૂછે : “તું કોનો દીકરો ?” જો તે તેના બાપનું નામ દે તો પાછા પૂછે : “તે કોના દીકરા ?” એમ છેવટ બધા ભગવાનના જ દીકરા છે ત્યાં વાત લાવીને મૂકે. વળી, કોઈને પૂછે “કયાંથી આવ્યા ?” જો તે હરિભક્ત સદ્દગુરુશ્રીની રુચિ જાણી ગયેલ હોય તો કહે : “મૂર્તિમાંથી.” તો પાછા પૂછે : “કેવી રીતે આવ્યા ?” એટલે પાછી જવાબની મુશ્કેલી ઊભી થાય ! છેવટે આવવા-જવાપણું નથી, જે દેખાય છે તે મહારાજ પોતે જ ક્રિયાઓ કરે છે તે હદે વાત લાવીને મૂકે. પછી તો શું જવાબ આપવો તે સૌ જાણી જાય, તેથી જો તેવામાંથી કોઈને પૂછે : “ક્યાંથી આવ્યા ?” તો તે હરિભક્ત સીધો જવાબ આપે “અમે આવ્યાય નથી અને જવુંય નથી, અમે જ્યાં છીએ ત્યાં જ છીએ.” તો સદ્દગુરુ ફરી પૂછે, “ત્યારે આ દેખાય છે તે કોણ છે ?” ત્યારે પાછો જવાબ આપવો પડે : “તે તો મહારાજને ઠીક પડે તેમ દેખાતા હશે ને ક્રિયાઓ કરતા હશે." આમવાત વાતમાં સદ્દગુરુશ્રી ઉચ્ચમાં ઉચ્ચ તત્ત્વજ્ઞાન શિખવાડી દેતા. કોઈ પૂછે કે “બાપજી ! આ નાના બાળક આ સમજી શકે ? તો સદ્દગુરુશ્રી કહે : “જયારથી વર્તમાન ધાર્યા ત્યારથી તે મુક્ત થયો. હવે જો શ્રીજીમહારાજની આજ્ઞા પાળે ને આ જ્ઞાન કે, ‘મને શ્રીજીમહારાજે પોતાની મૂર્તિમાં રાખ્યો છે’, એનું જો કાયમ મનન રહ્યા કરે તો જરૂર શ્રીજીમહારાજ પોતાની મૂર્તિમાં રાખે જ.”
આમ, સદ્દગુરુશ્રી સહજ બેઠા વાત કરતા હોય તેમાં પણ ઉચ્ચમાં ઉચ્ચ તત્ત્વજ્ઞાનનું સતત મનન કરાવતા, જેથી તે મુમુક્ષુને તેના રટણને લીધે તે વાત સ્વાભાવિકપણે જીવમાં પચીને હજમ થઈ જતી.
પુષ્પ ૩ : રમૂજ કરાવતાં ઉપદેશ
સરસપુરના અને બીજા હેતવાળા હરિભક્તોની સભા ભરાઈને બેઠી હોય, સદ્દગુરુશ્રી તો સદા પ્રસન્ન ને મસ્તીભર્યા બિરાજયા હોય. સદ્દગુરુશ્રી રમૂજમાં આવી પૂછેઃ “સરસપુરમાં બેઠા છો ને ? સરસમાં સરસ પુર કયું ?” પછી પોતે જ પોતાની રુચિ જણાવે : “સરસમાં સરસ પુર-સરસપુર-તો બસ એક જ, અને તે શ્રીજીમહારાજની મૂર્તિ. એટલે આપણે તો સદાય સરસપુર એવી શ્રીજીમહારાજની મૂર્તિમાં જ રહેવું.” નાનામાં નાની વાત અને મોટામાં મોટો ઉપદેશ ! શાસ્ત્રોના ચોપડાના-ચોપડા ઉથામ્યા પછી પણ આ જ વાત સમજવાની છે. મૂર્તિરૂપ થઈને મૂર્તિમાં રહેવું. સાવ સરળતાથી ને સહજતાથી આ મહત્તમ તત્ત્વજ્ઞાન સદ્દગુરુશ્રી પીરસી દેતા, પચાવી દેતા ! સદ્દગુરુશ્રીએ વિચરણ દરમ્યાન હરિભક્તોના ઘરે પધરામણી કરી-પૂર્વજો અક્ષરધામની પ્રાપ્તિ.
સદ્દગુરુશ્રી કૃપા કરીને હરિભક્તોના ઘેર ઘેર પધાર્યા. ઘેર ઘેર શ્રીજીમહારાજની મૂર્તિઓ પધરાવી આરતી ઉતારી, થાળ જમાડી, પ્રસાદી વહેંચે. પ્રસાદીનું પાણી છાંટી પવિત્રતા સ્થાપી દે. પૂર્વજો પ્રેત થયા હોય ને તેમનું સ્થાપન નાળિયેરમાં કર્યું હોય તો તે પોતાના હાથે ઉપાડી લે, ને ઘરનાને કહે : “આ તમારા પૂર્વજોને અમે અક્ષરધામમાં મોકલી દઈએ છીએ. હવે આ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનને પધરાવી આરતી-પૂજા કરજો, ને નિઃશંકપણે ભગવાનનું ભજન કરજો.” સદ્દગુરુશ્રીનો પ્રતાપ એવો અસાધારણ કે સૌને અંતરમાંથી હા પડી જતી. સૌ રાજી રાજી થઈ ગયા. પૂર્વજોના આવાં નાળિયેર મંદિરમાં લાવી ઢગલો કરી વર્તમાન ધરાવીને અગ્નિસંસ્કાર કરાવી દેતા ! હરિભક્તોને વ્યસન ને વહેમમાંથી મુક્ત કર્યા. અધમ જેવા જીવોનો પણ મોક્ષ કરી અક્ષરધામમાં મૂકી દીધા.