રહસ્યાર્થ વચનામૃત અને બાપાશ્રીની વાતો

પુષ્પ ૧ : બાપાશ્રીની વાતો એટલે મૂર્તિમાં રમાડનારી વાતો

સ્વયં શ્રીજીમહારાજ પોતાની સર્વોપરી ઉપાસના, અનાદિમુક્તની સ્થિતિ, મૂર્તિના સુખનું અપારપણું; તો વળી, ધ્યાન-ભજન, અંતર્વૃત્તિ, ધર્મ-નિયમની દૃઢતા આદિ અનંત પ્રકારની અને સહેજે સહેજે જીવમાંથી શિવ કહેતાં અનાદિમુક્ત કરી મૂર્તિના સુખમાં રમાડનારી વાતો જ્યારે બાપાશ્રીના મુખે કરતા હોય ત્યારે અનંત જીવોને લાભ મળે તેવા આશયથી સદ્‌ગુરુશ્રીને રહ્યા કરતું કે આ વાતોનો સંગ્રહ થાય તો સારું.

વિ.સં. ૧૯૬૨માં કચ્છમાં રામપુર ખાતે મુક્તરાજ ધનબાએ ચૈત્ર વદ ૨થી વૈશાખ સુદ ૧ની પારાયણ કરાવવાનું નક્કી કર્યું અને બાપાશ્રીને પ્રાર્થના કરી કે આ પારાયણમાં આપ પધારો અને સાથે સદ્‌ગુરુઓને પણ લાવો.

બાપાશ્રીએ સદ્‌ગુરુશ્રી પર પત્ર લખાવ્યો કે, “રામપુરમાં સાંખ્યયોગી ધનબાએ પારાયણ બેસાડવાનું નક્કી કર્યું છે તો તમે સૌ સંતો મંડળે સહિત કચ્છમાં આવો.”

બાપાશ્રીનો પત્ર મળતાં સૌ સંતો રાજી થયા અને સદ્‌. વૃંદાવનદાસજી સ્વામી, સદ્‌. ઈશ્વરચરણદાસજી સ્વામી અને સદ્‌. ઘનશ્યામજીવનદાસજી સ્વામી આદિ સદ્‌ગુરુઓ અમદાવાદમાં ચૈત્ર સુદ ૯નો હરિનવમીનો સમૈયો કરી કચ્છમાં પધાર્યા.

આ યજ્ઞમાં બાપાશ્રી તથા સદ્‌ગુરુઓએ સૌને દર્શન-સમાગમનું સુખ આપ્યું અને સૌને રાજી કર્યા. મુક્તરાજ ધનબા પણ બાપાશ્રી અને સદ્‌ગુરુશ્રીના પધારવાથી તો વળી ઘણાબધા સંતો-હરિભક્તોએ લાભ લીધો તેનાથી રાજી થયા.

યજ્ઞ પારાયણની પૂર્ણાહુતિ બાદ સૌ સંતો-હરિભક્તોને લઈ બાપાશ્રી સદ્‌ગુરુઓ સહિત વૃષપુર પધાર્યા.

પરંતુ રસ્તામાં સદ્‌ગુરુશ્રીના મનમાં એક જ વાત ઘોળાયા કરે કે, “વર્તમાનકાળે બાપાશ્રી મૂર્તિસુખની અનંત પ્રકારની વાતો કરી ખાંગા કરી રહ્યા છે ત્યારે અનંત જીવોના સમાસને અર્થે બાપાશ્રીની વાતોનો જો સંગ્રહ કરવામાં આવે તો બહુ સારું. પણ બાપાશ્રી જો આ વાતો લખાવવાની આજ્ઞા આપે તો જ લખાય, મરજી વગર લખાય કેમ ?”

વિચારમાં ને વિચારમાં વૃષપુર પહોંચ્યા. ઠાકોરજીનાં દર્શન કરી કથાવાર્તા, નિયમ-ચેષ્ટા પતાવી સૌ હરિભક્તો ઘેર ગયા અને સૌ સંતોએ આસન કર્યાં. ત્યારે રાત્રિના બાર થયા. વૈશાખી પૂનમનો પૂર્ણ ચંદ્ર આકાશમાં સોળે કળાએ ખીલ્યો હતો અને બાપાશ્રી પણ પ્રસન્નવદને પોતાના આસને બિરાજ્યા હતા.

રામપુરથી વળતાં પોતાના મનમાં ઉદ્‌ભવેલા વિચારો બાપાશ્રીની આગળ એકાંતમાં રજૂ કરવાની તક જોઈ કઈ રીતે રજૂ કરવા તે પોતે વિચારી રહ્યા હતા ત્યાં તો અંતર્યામીપણે બાપાશ્રી બોલ્યા, “સ્વામી ! દર વર્ષે તમે અહીં આવો છો અને જોગ-સમાગમ કરી રાજી થાવ છો. વાતો સાંભળો છો. ભારે ભારે પ્રશ્ન-ઉત્તર થાય છે અને નર્યો દિવ્યભાવ વર્તાય છે. સદ્‌. નિર્ગુણદાસજી સ્વામી અંતર્ધાન થયા ત્યારથી તમે વખતોવખત આવો છો પણ આ વાતોની યાદી થતી નથી. જો આ વાતોની યાદી થાય તો આગળ જતાં અનંત જીવોને સમાસ થાય.”

સદ્‌ગુરુશ્રીના આનંદનો પાર ન રહ્યો. પોતાના મનની વાત બાપાશ્રીએ કરી અને સદ્‌ગુરુશ્રી તો રાજી રાજી થઈ ગયા. આનંદમગ્ન બનેલા સદ્‌ગુરુશ્રી બોલ્યા, “બાપા ! મને તો ઘણુંય થાય છે કે લખું, પણ આપની આજ્ઞા વગર કેમ લખાય ? આપની આજ્ઞા કઈ રીતે લેવી એ જ વિચાર આવતો.” ત્યારે બાપાશ્રીએ કહ્યું, “સ્વામી ! હવેથી લખતા રહેજો, નકરો પરભાવ ચાલ્યો આવે છે. આગળ જતાં એ વાતો ઘણાને સમાસ કરશે.”

અને આ રીતે બાપાશ્રીના મુખારવિંદમાંથી નીકળતી શ્રીહરિના મહિમાની જ્ઞાનગંગાને ઝીલવાનું અલૌકિક કાર્ય શરૂ થયું વિ.સં. ૧૯૬૨ના વૈશાખ વદ ૧થી.

સદ્‌ગુરુશ્રીએ કાગળ અને કલમ મગાવ્યાં અને બાપાશ્રીની વાતોનો સંગ્રહ કરવાનું શરૂ થયું.

બાપાશ્રી મંદિરમાં હોય, વાડીએ હોય, અન્ય ગામોમાં ઉત્સવ-સમૈયા પ્રસંગો હોય કે કરાંચીનું વિચરણ હોય પણ બાપાશ્રીની સાથે સદ્‌ગુરુશ્રી હોય ત્યારે સદ્‌ગુરુશ્રીનું લેખનકાર્ય તો ચાલુ ને ચાલુ જ.

વાતોનો સંગ્રહ થતો જાણી અન્ય સદ્‌ગુરુઓ તથા સંતો-હરિભક્તો પણ અવનવા પ્રશ્નો પૂછતા અને બાપાશ્રી પણ રાજી થકા વિવિધ પ્રકારે વાસ્તવિક ઉત્તર કરતા ને મૂર્તિસુખની લહાણી કરતા.

પુષ્પ ૨

સદ્‌ગુરુશ્રીના પ્રાગટ્યના હેતુઓમાંનો એક હેતુ સ્પષ્ટ જણાઈ આવતો હતો... અને એ હતો : “વચનામૃત ગ્રંથની રહસ્યાર્થ ટીકા કરવાનો અને મૂર્તિસુખની લ્હાણી કરતા બાપાશ્રીની વાતોનો સંગ્રહ કરી, અનંતને મૂર્તિ- સુખમાં મહાલતા કરવાનો.”

બાપાશ્રીની કૃપાથી સદ્‌ગુરુશ્રીએ શ્રીજીમહારાજના સર્વોપરી સિદ્ધાંતો કે જે બાપાશ્રી વચનામૃતના જ આધારે સરળપણે સમજાવતા હતા અને તત્ત્વજ્ઞાનનાં ગૂઢ રહસ્યોને સુગમ કરતા હતા તેને તથા બાપાશ્રીની અમૃતવાણીને ગ્રંથસ્થ કરી ૧૮-૧૮ વર્ષ દાખડો કર્યો અને અનંત જીવોને “યાવદ્‌ચંદ્રદિવાકરૌ”, સંજીવની સમાન ‘રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત’ અને ‘બાપાશ્રીની વાતો ભાગ - ૧ / ૨’ની અણમોલ ભેટ આપી અને આ દિવ્ય ગ્રંથો પર બાપાશ્રીએ દિવ્ય આશીર્વાદ પણ વરસાવ્યા.

“જે મુમુક્ષુ આ દિવ્ય ગ્રંથ સૂણશે, હેતે કરી વાંચશે,

કરશે દર્શન સ્પર્શ જાણી મહિમા, ઉત્તમ સુખો માણશે;

આશીર્વાદ દીધો અતિ બળ ભર્યો, પોતાનું બિરદ ગણી,

પામી આનંદ જય જય બોલો, શ્રીજી ને બાપા તણી.”