પુષ્પ ૧ : પ્રાગટ્ય ગાથા
અમદાવાદથી જેતલપુર જતાં રસ્તામાં એક નાનકડું ગામ આવે છે કે જ્યાં શ્રીહરિ વિ.સં. ૧૮૮૨ના ચૈત્ર સુદ ૨ના રોજ પધાર્યા અને પોતાના પાદસ્પર્શથી શ્રીહરિએ આ ગામને ધન્યભાગી બનાવ્યું. વળી, પોતાના સંતો-ભક્તો તથા ગ્રામજનોને સ્વમુખે આપેલો ઉપદેશ સંપ્રદાયના સર્વોત્તમ ગ્રંથ ‘વચનામૃત’માં સુવર્ણ અક્ષરે લખાઈ ગયો કે જે અશ્લાલીના વચનામૃત તરીકે ઓળખાય છે.
શ્રીહરિના ચરણરજથી ધન્યભાગી થયેલા આ ગામનું નામ છે અશ્લાલી કે જ્યાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના સંકલ્પને પ્રગટ કર્યો !
અશ્લાલીમાં પટેલ જ્ઞાતિના પૂંજાભાઈ રહેતા કે જેઓ શ્રીજીમહારાજને મળેલા હતા અને શ્રીહરિમાં અનન્ય પ્રીતિવાળા હતા.
પૂંજાભાઈને ત્રણ દીકરા હતા; જેમાંના મોટા અમથાભાઈ, બીજા ડુંગરભાઈ અને નાના હરિભાઈ.
અમથાભાઈ પોતે ભોળા અને વિશ્વાસુ હતા પરંતુ સત્સંગના રંગે એવા તો રંગાયેલા હતા કે નાના-મોટા ગામના સૌ કોઈ એમને અમથા ભગત તરીકે જ ઓળખે. અમથાભાઈનાં ધર્મપત્નીનું નામ હતું જીવીબા. તેઓ પણ સ્વભાવે શાંત, સરળ અને પ્રભુમાં પ્રીતિવાળાં હતાં.
પિતા અમથાભાઈ અને માતા જીવીબાનું તપોમય જીવન, અનેરો ભક્તિભાવ અને નિર્દોષ જીવન જોઈ શ્રીજીમહારાજની કૃપા ઊતરી. અને શ્રીજીમહારાજના સંકલ્પથી જ વિ.સં. ૧૯૧૮માં આપણા સમર્થ સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીનું પ્રાગટ્ય થયું.
મુક્તરાજનું પ્રાગટ્ય થતાં ઘરમાં તથા ગામમાં સૌને આનંદ આનંદ થઈ રહ્યો... વાતાવરણ મંગલ બની ગયું અને માતા જીવીબા તો જાણે પોતાના રોમેરોમમાં શ્રીહરિ બિરાજતા હોય એવા અનેરા ભક્તિભાવથી રસબસ થઈ ગયાં.
બાળસ્વરૂપ મુક્તરાજનું નામ પાડ્યું ‘બહેચરભાઈ’.
પુષ્પ ૨ : બાળપણ
મહારાજ અને મોટાપુરુષ તો દેહ વિનાના કહેવાય. જેને દેહ જ ન હોય તેને વળી દેહના ભાવ કેવા ? બાળઅવસ્થા હોવા છતાં રડવાનું તો ક્યારેય નામ જ નહીં. જ્યારે જુઓ ત્યારે મુક્તરાજ હસતા જ હોય. બાળસ્વરૂપ મુક્તરાજનું એવું તો આકર્ષણ કે ના તેડવા હોય તોય તેડવાનું મન થાય.
વિશાળ ભાલ, ભીનો વાન અને હૃષ્ટપુષ્ટ બાંધો સૌને આકર્ષે. ધીરે ધીરે મુક્તરાજ મોટા થવા લાગ્યા. ભાલમાં તિલક-ચાંદલો, તો વળી ગળામાં કંઠી ધારણ કરેલા બહેચરભાઈ સવાર-સાંજ મંદિર જાય, ધૂન-કીર્તન કરે, સેવા કરે-કરાવે અને સૌને ભગવાન ભજાવે. આમ સૌને વ્હાલા લાગે.
માતા જીવીબા તો મુક્તરાજને ‘બહેચર’ કહેતાં વારી જાય... અંતરના ઓઘ ઉતારે તો નાના ભાઈ કસીભાઈ તો ‘ભઈ... ભઈ’ કહેતા અડધા અડધા થઈ જાય; અને પિતા અમથા ભગતની તો વાત જ ન થાય. સ્થિતપ્રજ્ઞ એવા અમથા ભગત તો ‘બેટા... દીકરા...’ કરી બોલાવે ને દર્શનમાત્રે અંતરમાં રાજી રાજી રહ્યા કરે.
અનંતને બ્રહ્મવિદ્યા ભણાવવાને માટે જ્યારે પોતાનું અવતરણ હતું ત્યારે ગામની શાળામાં જરૂરી વિદ્યાભ્યાસ કર્યો ને આગવી બુદ્ધિ-પ્રતિભાના કારણે શાળામાં સૌ શિક્ષકો-વિદ્યાર્થીઓના માનીતા થઈ ગયા.
પુષ્પ ૩
એક વખત મુક્તરાજ પોતાના બાળમિત્રો સાથે જેતલપુર જવા નીકળ્યા હતા ને બહેચરભાઈના ચરણમાં પગરખાં (જોડાં) ન મળે !
સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરતા આગળ વધી રહેલા ભાઈબંધોમાં શામળભાઈ અને જેઠાભાઈ પાછળ રહી ગયા. કેડી પર ધૂળ ખૂબ હતી. આગળ જઈ રહેલા બહેચરભાઈ તથા પ્રભુદાસભાઈનાં પગલાંની છાપ જોતાં જેઠાભાઈએ શામળભાઈને કહ્યું, “જો, આ બહેચરનાં પગલાં અને આ પરભુનાં પગલાં.” શામળભાઈએ કહ્યું, “કેમ જાણ્યું કે આ બહેચરનાં જ પગલાં છે ?” જેઠાભાઈએ કહ્યું, “જો, આ બહેચરનાં પગલાંની છાપમાં ઊભી રેખા હોય છે.”
રસ્તામાં કૂવાના એક કાંઠે સૌ પાણી પીવા બેઠા અને હાથ-પગ ધોઈ પાણી પીધું ત્યારે શામળભાઈએ કહ્યું, “બહેચર ! તારા પગ તો બતાવ.” અને, બહેચરભાઈએ પોતાના ચરણ લાંબા કર્યા... ત્રણેય મિત્રો તો જોઈ રહ્યા કે, “બહેચરભાઈના ચરણમાં સુંદર ઊર્ધ્વરેખા અને પદ્મ ચિહ્નો અંકિત થયેલાં હતાં !” આ જોઈ શામળભાઈ તરત બોલી ઊઠ્યા : “મારા બાપા કહેતા કે જેના પગમાં ઊર્ધ્વરેખા હોય તે તો રાજા-મહારાજા થાય ! તે હેં બહેચર ! તું રાજા-મહારાજા બની જાય તો અમને યાદ કરજે !” મુક્તરાજ તો મર્માળું હસ્યા અને કહ્યું, “શી ખબર રાજા - મહારાજા બનીશ કે શું બનીશ ? પણ તમે જો મને યાદ કરશો તો હું જરૂર તમને યાદ રાખીશ.”
કિશોર અવસ્થાએ પહોંચેલા મુક્તરાજના રોમ રોમમાં શ્રીહરિનો વાસ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ જોઈ સૌ અંજાઈ જતા અને થતું કે, “જરૂર, આ કોઈ આ લોકનું વ્યક્તિત્વ તો નથી જ.”
પુષ્પ ૪
પિતાશ્રી અમથાભાઈને બાળસ્વરૂપ બહેચરભાઇ પોતાના પુત્ર કરતાં પણ વિશેષ તો શ્રીજીના મોકલેલા બાળમુક્ત લાગ્યા કરે ને એ રીતે અંતરના વ્હાલ અને વાત્સલ્ય ઊભરાયા કરે. માતૃશ્રી જીવીબા તો વ્હાલની મૂર્તિ. ‘બહેચર ! ભાઈ !’ કહેતાં કહેતાં તો અંતરના ઓઘ વળે ! નાના ભાઈ પણ ‘ભઈ ! ભઈ !’ કરી વળગી પડે ! ગામના લોકોને નવાઈ લાગ્યા કરે કે આવું નિષ્કાંચન વ્યવહાર, દુર્બળ કુટુંબ છતાં હેત હેતની હેલી કેવી રીતે વરસતી હશે ? તેમને કેવી રીતે સમજાય કે આ તો શ્રીહરિપ્રેરિત આનંદની હેલી છે, તેને આ જગતની હાણવૃદ્ધિ સ્પર્શ પણ કરી શકતી નથી !
સવાર-સાંજ મંદિરે દર્શન – કથા – કીર્તન – સમાગમ અને દિવસભર ઘરનું ને ખેતીનું કામ. સરળ અને નિર્ભેળ જીવન. સંતનાં મંડળ, હરિભક્તોનાં મંડળની સેવા અને સત્સંગનો ભીડો. સત્સંગનો રંગ ચડવા માટે આ સંજોગો ખૂબ સરસ હતા પણ બહેચરભાઈને તો આ ‘સત્સંગનો રંગ’ સહજ હતો. એ તો અનેક જીવાત્માઓને શ્રીજીના રંગે રંગી નાખે એવા સમર્થ હતા. પણ બાળસુલભ રીતે તેઓશ્રી પોતાના પિતાશ્રીની સાથે મંદિરે જતા, દંડવત કરતા, આરતી-અષ્ટક બોલતા, કથા સાંભળતા.
કેટલોક સમય જતા અમથાભાઈ પુત્ર બહેચરભાઈને લઈ જેતલપુર આવ્યા. મંદિરમાં શ્રી ઠાકોરજીના દર્શન કરી શ્રીજીમહારાજના પ્રસાદીભૂત સ્થાનોમાં ફર્યા. ફરતાં ફરતાં અમથાભાઈએ બહેચરભાઈને વાત કરી : “અહીં શ્રીજીમહારાજ વર્ણીવેશે પધારેલા. ગંગામાએ પોતાના પુત્રવત્ શ્રીજીમહારાજની સેવા કરેલી. ગંગામા મૂળ તો રામાનંદ સ્વામીના શિષ્ય થયેલાં. રામાનંદ સ્વામી શ્રીજીમહારાજને ગાદી સોંપીને અંતર્ધાન થયા બાદ ગંગામા નવા ગુરુને મળવા ગયા ત્યારે શ્રીજીમહારાજ ગંગામાને વળગી પડેલા ને ‘આ તો અમારી મા છે !’ એમ કહી રાજી કરેલાં. અહીં જેતલપુરમાં શ્રીજીમહારાજે સં.૧૮૬૫માં મહારુદ્ર યજ્ઞ ને વિષ્ણુયાગ કર્યા હતા ને હજારો બ્રાહ્મણો ને લાખો નરનારીઓને જમાડ્યાં હતા. યજ્ઞમાં પરનાળે ઘી હોમ્યું હતું ને જયજયકાર કર્યો હતો. અહીં દેવ સરોવરમાં મહારાજે કેટલીય વાર સ્નાન કરેલું છે. સંતનાં મોટાં મોટાં મંડળો આ મહોલો છે તેમાં ઊતરતા ને રહેતા. શ્રીજીમહારાજે કેટલીય સભા અહીં મહોલામાં કરી હતી. અહીં બોરસલ્લી નીચે મહારાજે સભા કરેલી ત્યારે જીવણ ભગતનો મઠનો રોટલો ને ભાજી સામેથી માગીને જમ્યા હતા.” બાળસ્વરૂપ બહેચરભાઇ પોતાના પિતાશ્રીની વાતો મુગ્ધભાવે સાંભળ્યા જ કરે છે. પણ વચમાં વચમાં પૂછે છે : “હેં બાપા ! ખુશાલ ભટ્ટ મહારાજ પાસે અહીં જ આવેલા ને ? અહીં જ મહારાજનો રૂમાલ બતાવી કૂવામાંના અસંખ્ય ભૂતોનો તેમણે મોક્ષ કરેલો ને ? હેં બાપા ! અહીં જ મહારાજે વેશ્યાની પાસે અનાજ દળાવી પાવન કરેલી ને ? હેં બાપા ! અહીં જ મહારાજની સભામાં આકાશમાં તેજના ગોળા દેખાયેલા ને ?” અમથા ભગત આશ્ચર્ય પામી ગયા અને પૂછ્યું : “ તેં આ બધી વાત કેવી રીતે જાણી ? તું તે વખતે હાજર હતો કે શું ?” બહેચરભાઈએ કહ્યું: “એ બધું તો મારા બાએ મને કહેલું !” પરંતુ બહેચરભાઈ સાચો જવાબ ન આપે અને એમ જ મુખ ઉપર મંદ હાસ્ય રેલાવ્યા કરે. આમ બાળપણથી જ આ મુક્તરાજમાં આવી અલૌકિકતાનાં દર્શન સહેજે થતાં.