સદ્ગુરુશ્રીના અંતર્ધાન થવાથી સ્વામી ઈશ્વરચરણદાસજી વિરહમાં વ્યથિત થઈ ગયા.
“ભગવાન અને સત્પુરુષને વળી જવું-આવવું કેવું ? મહારાજ અને મોટાપુરુષ તો દેહ વિનાના કહેવાય. જેમને દેહ જ નથી એમને વળી દેહના ભાવ કેવા ? પરંતુ આ તો અવરભાવ છે અને મહારાજ તથા મુક્તની લીલા તો નટના જેવી છે. સદ્ગુરુશ્રી ગયા નથી, સત્સંગમાં સદાયને માટે છે, છે ને છે જ. દિવ્યરૂપે સદાય ભેળા જ છે.” આવું બધુંય જાણવા-સમજવા છતાં સદ્ગુરુશ્રીની સાથે આગવી પ્રીતિ અને એ દિવ્યપુરુષનાં દર્શન, સેવા, સમાગમના અને રાજીપાના રસિયા એવા સ્વામી ઈશ્વરચરણદાસજીને કેમ દુઃખ ન થાય ?
પોતાના અંતરે અપાર વેદના હોવા છતાં હેત-રુચિવાળા સૌને સદ્ગુરુશ્રીનો દિવ્યભાવ-પ્રગટભાવ સમજાવતાં સ્વામી ઈશ્વરચરણદાસજી પોતાના મંડળે સહિત સત્સંગની સેવામાં જોડાઈ ગયા.
સ્વામી ઈશ્વરચરણદાસજી તો સદ્ગુરુશ્રીના પગલે પગલે જ્ઞાન-ધ્યાન અને મહિમાથી ભીંજવતાં હરિરસ પાવા લાગ્યા. આમ સત્સંગનું સુકાન સંભાળી લીધું અને સદ્ગુરુશ્રીના આધ્યાત્મિક વારસદાર બની રહ્યા.
સદ્ગુરુશ્રીના અંતર્ધાન થયા બાદ અબજીબાપાશ્રી જ એકમાત્ર જીવન બની રહ્યા. સદ્ગુરુશ્રીએ પોતાને પ્રસંગોપાત્ત કરેલો-સમજાવેલો બાપાશ્રીનો મહિમા, (પોતાની) બાપાશ્રીને કરેલી સોંપણી અને તે સમયના બાપાશ્રીના આશીર્વાદનાં વચનો તથા વર્ષમાં એક મહિનો બાપાશ્રીનો સમાગમ કરવાની સદ્ગુરુશ્રીની આજ્ઞા પોતાને બાપાશ્રી તરફ અધિક ને અધિક ખેંચી રહ્યાં અને સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજી દિવ્યભાવે બાપાશ્રીની સેવામાં જોડાઈ ગયા. બાપાશ્રી પોતે જે સંકલ્પ લઈને આ બ્રહ્માંડમાં પધાર્યા હતા અને વળી પોતે જે હેતુ માટે પધાર્યા હતા તે સંકલ્પને સાકાર કરવા. મહારાજના સર્વોપરી સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસાર માટે બાપાશ્રીનાં વચનો, રુચિ અને રાજીપામાં રહી પોતાનું જીવન સમર્પિત કરી દીધું અને બાપાશ્રીના સંકલ્પને પોતાનો બનાવી એકમાત્ર મહારાજ અને બાપાશ્રીને રાજી કરવા ગામોગામ અવિરત વિચરણ કરવા લાગ્યા... બાપાશ્રીના મોટા મોટા ઉત્સવ-સમૈયામાં અનેકને મૂર્તિસુખના અધિકારી કર્યા અને આ રીતે અનંતને માતૃવત્સલ સ્નેહ આપતા સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજી હવે નીડર સિદ્ધાંતવાદી, સમર્થ સદ્ગુરુ (શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી) તરીકે ઓળખાવા લાગ્યા.
આ દરમ્યાન ધોળકાના મહંત એવા સમર્થ સદ્. શ્રી વૃંદાવનદાસજી સ્વામીશ્રી પણ બાપાશ્રીના જોગમાં આવ્યા અને તેઓશ્રીએ બાપાશ્રીની અલૌકિક સામર્થીનો અનુભવ થતાં ધોળકાની મહંતાઈ મૂકી દીધી અને એવી જ રીતે સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રીએ જેતલપુરની મહંતાઈ મૂકી દીધી અને બંને સદ્ગુરુઓ એકબીજાની જોડ બની. બાપાશ્રીની ભુજા બનીને રહ્યા !
બાપાશ્રી અને બેય સદ્ગુરુઓની એવી અલૌકિક પ્રીતિ કે સૌને સહેજે જણાઈ આવે.
આપણે નીડર સિદ્ધાંતવાદી અને શ્રીજીસંકલ્પ સ્વરૂપ એવા સમર્થ સદ્ગુરુશ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રીને માત્ર ‘સદ્ગુરુશ્રી’ તરીકે જ સંબોધીશું અને સદ્ગુરુશ્રીની દિવ્ય જીવનગાથાને માણીશું.