સાધુજીવન અને ગુરુની સેવામાં

સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીના મંડળમાં સૌ સંતોની સાથે ઈશ્વરચરણદાસજી સ્વામી પણ ગુરુની સેવામાં આજ્ઞા અને અનુવૃત્તિથી જોડાઈ ગયા.

પંચવર્તમાનમાં શૂરાપૂરા અને યુવાન છતાં ધીર, ગંભીર, શાંત, સરળ એવા ઈશ્વરચરણદાસજી સ્વામીની પોતાના ગુરુના રાજીપા તરફ જ અખંડ દૃષ્ટિ અને રુચિમાં વર્તવાની ખટક જોઈ સૌને પ્રેરણા મળે અને કેટલાક તો ઝાંખા પડી જાય.

સદ્‌ગુરુશ્રીની સાથે આગવું હેત અને દિવ્યભાવ તથા નિર્દોષબુદ્ધિ જોતાં સહેજે જણાઈ આવે કે, “સદ્‌ગુરુના વારસદાર તો ઈશ્વરચરણદાસજી સ્વામી જ છે.”

અને આવા પ્રભાવશાળી ઈશ્વરચરણદાસજી સ્વામી ભણીગણી વિદ્વાન બને તેવા હેતુથી ક્યારેક કોઈ સંત-હરિભક્ત સદ્‌ગુરુશ્રીને પ્રાર્થના કરતા ત્યારે સદ્‌ગુરુશ્રી કહેતા કે, “પંડિત, પુરાણી કે શાસ્ત્રી થયે શું વળે ? ભણવા જેવાં તો એક વચનામૃત છે. જેને વચનામૃતનું જ્ઞાન થયું તેને કોઈ જીતી ન શકે. બીજાં બધાં શાસ્ત્રો તો મૂળપુરુષ સુધી જ પહોંચે. જ્યારે આ તો શ્રીમુખવાણી. અક્ષર થકી પર અક્ષરાતીત એવા સર્વોપરી ભગવાનનું સર્વોપરી જ્ઞાન, રહસ્ય અને સિદ્ધાંત ભર્યાં છે આ વચનામૃતમાં. અમારે તો એને (ઈશ્વરચરણદાસજી સ્વામીને) પુરાણી કે શાસ્ત્રી નથી કરવા પણ વચનામૃતના આચાર્ય કરવાના છે.”

અને વચનામૃતનાં ગૂઢ રહસ્યોને પોતે સદ્‌ગુરુશ્રીની પાસે બેસી જાણે, સાંભળે અને મનન-ચિંતવન કરે. અને વળી જાણે વચનામૃત આખું કંઠસ્થ ન હોય એવી રીતે વચનામૃતના જ આધારે સદ્‌ગુરુશ્રીને એવા તો પ્રશ્ન પૂછે કે સાંભળનારને નવાઈ લાગે કે વચનામૃતનું આટલું બધું જ્ઞાન ?!

સદ્‌ગુરુશ્રી પણ ઈશ્વરચરણદાસજી સ્વામીને વિચરણ દરમ્યાન ગામડાંઓમાં પોતાની સાથે ને સાથે રાખે. કથા  કરાવે અને હરિભક્તોના યોગક્ષેમનું કઈ રીતે વહન કરવું એવો સત્સંગનો તથા આત્માનો અનોખો વ્યવહાર શિખવાડે.

સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામી પણ વચને પ્રવૃત્તિ અને વચને નિવૃત્તિ એવા ભાવથી સદ્‌ગુરુશ્રીના રાજીપા સામે દૃષ્ટિ રાખી સદ્‌ગુરુશ્રીની રુચિનું જતન કરે-કરાવે અને અરસપરસ સૌ સંતો-ભક્તોને દિવ્યભાવ અને નિર્દોષબુદ્ધિના પાઠ ભણાવે અને મહિમા આકારે વર્તી સદ્‌ગુરુશ્રીની કૃપાનું અનોખું પાત્ર બની રહ્યા.

સદ્‌ગુરુશ્રીને જમાડવા, પોઢાડવા, ચરણસેવા કરવી, જળ આપવું, પવન નાખવો; તો વળી ભંડારમાં ઠાકોરજીના થાળ બનાવવા, વાસણ ઘસવાં, અનાજ દળવું એવી નાની-મોટી સેવામાં ક્યારેય નાનપ નહીં. સેવા તો કર્યા જ કરે. જાણે સેવા એ જ મોટપ જોઈ લ્યો !!

સદ્‌ગુરુશ્રી સ્નાન કરવા પધારે એટલે ધોતિયું, દાતણ, જળ વગેરે બધું તૈયાર જ હોય. અને સદ્‌ગુરુશ્રી નાહી-ધોઈ પધારે ત્યાં તો પૂજા પણ પાથરી દીધી હોય. સદ્‌ગુરુશ્રીના પત્તરની પ્રસાદી મેળવે અને ટાણું જોઈ આગ્રહ કરી જમાડે પણ ખરા.

પોતે સ્વત: સિદ્ધ હોવા છતાં સૌની સાથે સૌની જેમ સહજતાથી રહેતા અદના સેવક લાગે અને ધ્યાન, ભજન, માળા, માનસીપૂજામાં તો એવા જોડાઈ જાય કે જાણે પોતાને દેહ હોય જ નહીં !!

સદ્‌ગુરુશ્રી પોતાના હેતરુચિવાળા હરિભક્તોને મહારાજ અને મોટાના મહિમાની, પ્રતાપની વાતો કરી સુખિયા કરતા. એમાં એક દિવસ સદ્‌ગુરુશ્રીએ વાત કરી કે, “કચ્છના બળદિયા ગામે અનાદિ મહામુક્ત પ્રગટ થયા છે. શ્રીજીમહારાજની મરજીથી દર્શન આપે છે. અનંત જીવોને સુખિયા કરવા શ્રીજીમહારાજે  તેમને મોકલ્યા છે. હરિભક્તો અને આચાર્ય પણ તેમનો મહિમા સમજે છે. સ્વતંત્રપણે સમાધિમાં જાય છે. પાછા આવે છે. શ્રીજીમહારાજે વર્તમાનકાળે એમના દ્વારા મૂર્તિનું સુખ સરળ કર્યું છે... એમનાં દર્શન, સ્પર્શ, સંબંધે અને સંકલ્પે કરી અનંત જીવોનો મોક્ષ થાય છે. કોઈ તેમને ગૃહસ્થ જાણે છે કોઈ કણબી જાણે છે પણ એ અબજીભાઈ તો નથી ત્યાગી કે નથી કણબી નથી ગૃહસ્થ. એ તો એ જ છે. અને અમારા જીવનપ્રાણ છે. એવા દિવ્યપુરુષનાં દર્શનની તો અમનેય અખંડ ઇચ્છા રહે છે.”

અને, સદ્‌ગુરુશ્રીના મુખે સમાધિવાળા અબજીભાઈનો આવો મહિમા સાંભળતાં સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામીને કુતૂહલ જાગ્યું અને આતુરતા વધી કે, “સદ્‌. ગોપાળાનંદ સ્વામીના અનુયાયી અને દિવ્યપુરુષ એવા સદ્‌ગુરુશ્રી જ્યારે અબજીભાઈનો આવો મહિમા કહેતા હોય, સમજતા હોય અને સમજાવતા હોય. ત્યારે એ પુરુષ કેવા સમર્થ હશે !”

સ્વામી ઈશ્વરચરણદાસજીને મનોમન બાપાશ્રીનાં દર્શન-સમાગમની ત્વરા જાગી અને પ્રાર્થના કરવા લાગ્યા કે, “હે દયાળુ ! દયા કરી યોગ આપો.”