સત્સંગ મહાસભાનું સુકાન

“અયોધ્યાવાસી (શ્રીજીમહારાજના કુળના મુક્તો, જેની સંપ્રદાયના આચાર્ય તરીકે સ્થાપના કરવામાં આવી છે) તો બહુ વિશ્વાસી છે, માટે કોઈક કપટી હશે તો એમને છેતરી જાશે, તે સારુ એમને કોઈક કાર્યનો આદર કરવો હોય ત્યારે મોટેરા પરમહંસ તથા મોટેરા સત્સંગી ગૃહસ્થ તેમને પૂછીને તે કામ કરવા દેવું, પણ કોઈક એક જણાને કહે કરવા દેવું નહીં. એવી રીતે ત્યાગી તથા ગૃહસ્થ સત્સંગીને અયોધ્યાવાસીની ખબર રાખવી એમ અમારી આજ્ઞા છે.” (વચ.અમ. ૩)

આમ, શ્રીજીની આજ્ઞા મુજબ અમદાવાદ દેશ તથા વડતાલ દેશની ગાદીના આચાર્યો પોતાના દેશના મોટેરા સંત-હરિભક્તોને વિશ્વાસમાં લઈ સૌની સાથે સલાહ-મસલત કરી સંપ્રદાયનું રૂડું દેખાય, શુદ્ધ પારદર્શક વહીવટ બને અને સહુની ઉપર શ્રીજીમહારાજ રાજી થાય તે રીતે વહીવટ ચલાવતા.

સં.૧૯૫૮ની કારતક વદ અમાસના રોજ અમદાવાદ દેશના ત્રીજા આચાર્ય ધ.ધુ. શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ ધામમાં ગયા. ત્યારે દત્તપુત્ર જે ચોથા આચાર્ય તરીકે ગાદીએ બેઠા તે ધ.ધુ. શ્રી વાસુદેવપ્રસાદજી મહારાજની ઉંમર ફક્ત ૩-૪ વર્ષની હતી. આચાર્ય મહારાજ સગીર ઉંમરના હતા તેથી મંદિરોના વહીવટ વગેરેમાં મદદરૂપ થવા સંતો તથા હરિભક્તોની કમિટી નીમવામાં આવેલી ને તેના દ્વારા વહીવટ થતો.

સં. ૧૯૭૩-૭૪માં સગીર અવસ્થા પૂરી થતાં ધ.ધુ. આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજે વહીવટનાં તમામ સૂત્રો સંભાળી લીધાં. અતિ સમૃદ્ધ અમદાવાદ દેશ અને દેવની મિલકતો. સમૃદ્ધિ અને દેવની મિલકતોને કાંઈક જુદું જ અલગ અંગત સ્વરૂપ આપવા માંડ્યું. પરિણામ સ્વરૂપે અમદાવાદ તથા મૂળી વિસ્તારના સંત-હરિભક્તોને મૂંઝવણ થવા લાગી. તેમણે વિચાર્યું કે શ્રીજીમહારાજની બાંધેલી વહીવટી પ્રણાલિકા અનુસાર મંદિરોની મિલકત દેવની માલિકીની રહે તે જ યોગ્ય ગણાય. આચાર્ય મહારાજશ્રી દ્વારા તેનો વહીવટ દેવની જાહેર મિલકત તરીકે થાય અને ધર્માદાની રકમોનો આ રીતે જ ઉપયોગ થાય તે વાજબી લેખાય.

આવો સિદ્ધાંત સર્વમાન્ય થાય એવા સંત-હરિભક્તોએ નમ્ર પ્રયાસ કરવા શરૂ કર્યા.

સંવત ૧૯૭૫ના વસંતપંચમીના સમૈયે મૂળીમાં સંત-હરિભક્તોએ આ હકીકત ઉપર ખૂબ વિચારણા કરી.

મૂળીનો સમૈયો પતાવી સદ્‌ગુરુ ભૂજ ગયા. થોડા દિવસ રોકાઈ સદ્‌ગુરુ તથા સંતોનું મંડળ વૃષપુર આવ્યું. બાપાશ્રી, સદ્‌ગુરુ તથા સંતોનું મંડળ જોઈને દંડવત કરવા મંડ્યા. સદ્‌ગુરુએ ઉતાવળા ઉતાવળા જઈને બાપાશ્રીને ઉપાડી લીધા ને કહ્યું, “બાપા ! આ શું કરો છો ? અમે તમારાં દર્શન કરવા સારુ દરિયો ઊતરી-ઊતરીને અહીં આવીએ છીએ ને તમે તો અમારો મહિમા વધારો છો. હવે આ રીત કૃપા કરીને બદલાવી નાખો તો સારું !” બાપાશ્રીએ કહ્યું, “સંતો, તમારો મહિમા બહુ મોટો છે.” પછી સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામીને બાપાશ્રીએ કહ્યું, “તમે અહીંથી ગયા ત્યારથી અમે તો તમને એમ ને એમ સંભારતા હતા. તમે ઘડીએ વીસરાતા નથી. મંદવાડમાં તમે બહુ દાખડા કર્યા હતા. એવા ગુણ કેમ ભુલાય ?” એમ કહી બહુ જ પ્રસન્નતા જણાવી. કથાવાર્તારૂપ બ્રહ્મયજ્ઞ ચાલતો થયો. પુરાણી સ્વામી ધર્મકિશોરદાસજી રોજ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહિત વચનામૃતની કથા કરે, ને સદ્‌. વૃંદાવનદાસજી સ્વામી આદિ સદ્‌ગુરુઓ પ્રશ્ન પૂછે તે સદ્‌. ઈશ્વરચરણદાસજી સ્વામી લખતા જાય. આમ સવાર, સાંજ ને રાત્રે કથાવાર્તામાં શ્રીજીમહારાજ તથા મોટામુક્તોના મહિમાની તથા આજ્ઞા-ઉપાસનાની વાતો થતી. એક દિવસ સદ્‌ગુરુઓએ બાપાશ્રીને મળી, અમદાવાદ તથા મૂળીમાં જે કાંઈ થોડો વિક્ષેપ ચાલતો હતો તે સંબંધી વાત કરતાં કહ્યું, “જો આમનેસામને આમ ચાલશે તો આગળ જતાં કોઈને કોઈનો ભાર નહિ રહે. પણ અમને એમ થાય છે કે મૂર્તિને ભૂલીને એ માર્ગે ન ચાલવું. વળી મોટા મોટા સદ્‌ગુરુઓના સિદ્ધાંત જોતાં એમ પણ થાય છે કે મંદિરમાં કાંઈ બગાડ થતો હોય તો ન થવા દેવો. આમાં પૂછવાનું એટલું કે અમારે હવે શું કરવું ?” બાપાશ્રીએ કહ્યું, “અમને પણ આ વિક્ષેપની માહિતી મળી છે. આ બધા વિક્ષેપ ‘હું’ અને ‘મારું’ એ બેમાંથી થાય છે. શ્રીજીમહારાજનું કર્તાપણું ભૂલી જવાય છે. શ્રીજીમહારાજનું સત્સંગમાં પ્રગટપણું વીસરી જવાય છે. પરિણામે શ્રીજીમહારાજની સામે દૃષ્ટિ રહેવાને બદલે જગતના પદાર્થમાં લેવાઈ જવાય છે અને ઉદ્‌વેગ થાય છે. તમારે આચાર્ય મહારાજશ્રી સાથે વાતચીત ચલાવી સત્સંગનું રૂડું થાય તેવા પ્રયત્ન કરવા. તમે સૌ ધીરજ રાખજો. મહારાજ બધુંય સારું કરશે.”

ત્યારબાદ મૂળી મંદિરના સંતો ઉપરાંત અમદાવાદ દેશના સદ્‌ગુરૂ સ્વામી ઘનશ્યામજીવનદાસજી, નારાયણસેવકદાસજી, સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, પુરાણી નંદકિશોરદાસજી સ્વામી વગેરે મોટા મોટા સંતો તથા મોટેરા હરિભક્તો મળી વિચાર કરતાં સૌને એમ લાગ્યું કે આચાર્ય મહારાજશ્રીને મળી સમજૂતી સાધવા પ્રયત્નો ચાલુ રાખવા. તેમાં સૌનો મત એવો થયો કે બાપાશ્રી હસ્તક આ વાતચીત થાય તો સારું. આથી સંતોએ મળીને સદ્‌. ઈશ્વરચરણદાસજી સ્વામીને આગ્રહ કર્યો કે તમો વૃષપુર જઈ બાપાશ્રીને જન્માષ્ટમીના સમૈયે તેડી લાવો.

“બાપાશ્રી કૃપા કરીને જો મૂળી પધારે ને આચાર્ય મહારાજશ્રી સાથે કાંઈ વાતચીત થાય ને તેમાં જો સમાધાન થઈ જાય તો સત્સંગમાં સૌને સુખશાંતિ થાય. નહિતર જો વિક્ષેપ લાંબો સમય ચાલશે તો ક્લેશ-કુસંપ વધશે અને કેટલાય સત્સંગીઓનાં મન પાછાં પડી જશે.” એવું વિચારી સદ્‌. ઈશ્વરચરણદાસજી સ્વામી થોડા સાધુઓ અને બાપાશ્રીના કૃપાપાત્ર સેવક આશાભાઈને લઈને વૃષપુર ગયા.

મૂળી પધારવા બાપાશ્રીને પ્રાર્થના કરી. ભૂજના હજૂરી ઘેલાભાઈ, કોટવાળ ધનજીભાઈ વગેરે મોટા મોટા હરિભક્તો સાથે બાપાશ્રી મૂળી પધાર્યા. ત્યાં સૌએ નક્કી કર્યું કે આચાર્ય મહારાજશ્રી અહીં પધારે તો બાપાશ્રી તથા મોટા મોટા સંત-હરિભક્તોના સમૂહમાં વાતનો નિવેડો આવી જાય. આ પ્રમાણે ઘેલાભાઈ, ધનજીભાઈ આદિ હરિભક્તો અમદાવાદ ગયા. આચાર્ય મહારાજશ્રીને મળ્યા. તે બધા વ્યવહારકુશળ ને મહિમાવાળા હરિભક્તોએ ઘણાં વિનયવચનોથી મહારાજશ્રીને સમજાવ્યા ને કહ્યું, “મહારાજશ્રી, એક વાર અમારું માનીને જુઓ તો ખરા ! તમારી સાથે કોઈ ભિન્નભાવ નથી. અબજીબાપાશ્રી પંચોતેર વર્ષની ઉંમરે કચ્છમાંથી મૂળી સુધી આપને મળવા સારુ આવ્યા છે તે એમના કહેવાથી આપને તેડવા અમે આવ્યા છીએ તો આપશ્રી મૂળીએ આ વખતે જરૂર પધારો એવી વિનંતી છે. ત્યાં સૌ આપની વાટ જોઈ રહ્યા છે. અને પરસ્પર એકબીજામાં કાંઈ અસંતોષ જણાય છે તે મટી જશે. બાપાશ્રી મહાસમર્થ છે અને તેમને આપના પરત્વે પૂરતી લાગણી છે.” એવાં એવાં ઘણાં વિનયવચનો કહ્યાં પણ એકેય વાતનો ખુલાસો ન કરતાં મહારાજશ્રી એટલું બોલ્યા કે, “જે કાંઈ થાય છે તે ભગવાનની ઇચ્છાથી થતું હશે. તમારે સૌએ જવું હોય તો જજો. ને મારા સૌને જય સ્વામિનારાયણ કહેશો.” આથી હરિભક્તો નિરાશ થઈ મૂળીએ પાછા આવ્યા.

ઘણીબધી સમજાવટની વાતું થઈ. દાખડા થયા. પણ બધું નિરર્થક ! પાણી વલોવવા જેવું થયું ! અંતે દેવપક્ષના સહુ સંતો તથા હરિભક્તોએ ‘સત્સંગ મહાસભા’ની સ્થાપના કરી અને અમદાવાદ દેશના દેવ (શ્રીજીમહારાજ)ની મિલકત સદૈવ દેવની જ રહે; અન્ય કોઈ પણ તેનો માલિક ન બની શકે તે માટે કાનૂની રાહ અપનાવ્યો અને શ્રીજીમહારાજનો પક્ષ રાખવા ને એકમાત્ર એમને જ રાજી કરવા બાપાશ્રીની પ્રેરણાથી સ્થપાયેલી સત્સંગ મહાસભાનું સુકાન સોંપ્યું આપણા સૌનાય વ્હાલા સદ્‌ગુરુશ્રીને !

સત્સંગ મહાસભા દ્વારા કૉર્ટમાં ચાલતો કેસ વર્ષો સુધી ચાલ્યો. આખરે એ કેસ બ્રિટિશ સરકારનું શાસન હોવાથી ઇંગ્લેન્ડ પહોંચ્યો. સદ્‌ગુરુશ્રીના અથાગ પ્રયત્નો તેમજ બાપાશ્રીની કૃપાથી ‘સત્સંગ મહાસભા’  ની જીત થઈ અને દેવની મિલકત સદૈવ દેવની જ બની રહી.

આમ, સદ્‌ગુરુશ્રીએ સત્સંગના વ્યવહાર અને વહીવટની શુદ્ધિ, પારદર્શકતા માટે અથાગ દાખડો કરી સૌને શ્રીજીમહારાજનું કર્તાપણું અને ગમતું જીવન જીવવાની લટક આપી.