કોલેરાના રોગમાં આશીર્વાદ

મણિપુરના ભાઈઓના એ મંદિરનું કામ ચાલતું હતું. સદ્દગુરુશ્રી ત્યાં બિરાજતા હતા. તે વખતે કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. મંદિરના કામ માટે આવેલા કડિયાએ કહ્યું : "અમે અહીં નહિ રહીએ.” સદ્દગુરુશ્રીએ કહ્યું : “કોઈ ફિકર ન રાખો, તમે ઠાકોરજીની સેવા કરો છો, તેથી તમને કાંઈ નહિ થાય, ને ગામમાં પણ સારું થઈ જશે.” તે વખતે ગામના મુખ્ય માણસોએ બીજા ગામથી આવતાં ગાડાંને ગામમાં આવવાની બંધી કરી હતી, ને કોઈ નછૂટકે આવે તો તેને ગામમાં હનુમાનજીનું મંદિર હતું ત્યાં દર્શન કરાવી ને પછી ગામમાં આવવા દે. તે વખતે મંદિરના કાટમાળથી ભરેલાં ગાડાં આવ્યા. સદ્દગુરુશ્રીએ ગામના પટેલોને બોલાવી કહ્યું : “સ્વામિનારાયણ ભગવાન છે અને હનુમાનજી તેમના સેવક છે. તેથી હરિભક્તો ગાડાં લઈ અહીં આવી ભગવાનનાં દર્શન કરશે તેથી તેમને કાંઈ વાંધો નહિ આવે. માટે તેમને રોકશો નહીં.” ત્યારે સૌને સદ્દગુરુશ્રીનો બહુ ગુણ આવ્યો. તેમણે પ્રાર્થના કરી કે, “કૃપા કરી ગામનું રક્ષણ કરો !” સદ્દગુરુશ્રીએ પ્રસન્ન થઈ કહ્યું : “જાઓ ! હવેથી ગામમાં આ રોગ બંધ થઈ જશે !” તે જ વખતથી કોલેરાનો રોગ તદ્દન બંધ થઈ ગયો ને માણસ મર્યા નહી.