માંદગીમાં રક્ષા

સદ્દગુરુશ્રી માલણિયાદ પધારેલા, ત્યારે કાનજીભાઈ અમીચંદભાઈ ગાંધી બીમાર રહેતા હતા. તેમને છ મહિનાથી તાવ રહેતો હતો, ને શરીરમાં ખૂબ જ અશક્તિ આવી ગઈ હતી. કોઈ હાથ ઝાલે ત્યારે ઉઠાય. સદ્દગુરુશ્રી પધાર્યા છે તે જાણી કાનજીભાઈને તેમનાં દર્શનની અંતરમાં ખૂબ ત્વરા થઈ. પોતાના ભાઈઓ હાથ ઝાલી ધીમે ધીમે મંદિરે આવ્યા, ને મહારાજ તથા સદ્દગુરુશ્રીનાં દર્શન કર્યા. તેમને જોતાં જ સદ્દગુરુશ્રીએ કહ્યું : "આવું શરીર થઈ ગયું છે ?" એમ કહી પોતાની પૂજા મગાવી તેમાંથી પ્રસાદીની ચરણરજ કાઢી એક પતાસામાં નાખી કાનજીભાઈને ખવરાવી સદ્દગુરુશ્રીએ કહ્યું, "આજથી તાવ ગયો, મહારાજ સારું કરી દેશે." કાનજીભાઈ ઘરે પાછા આવ્યા. આખો દિવસ તાવ આવ્યો નહીં. રાત્રે ઊંઘ પણ બરાબર આવી. સવારથી જમવાની રુચિ પણ થઈ. ચાર-પાંચ દિવસમાં તો સાવ સાજા થઈ ગયા, ને ત્રણ કિલોમીટર દૂર આવેલા કૂવાનું પાણી સદ્દગુરુશ્રીને વધુ અનુકૂળ આવતું હતું. ત્યાંથી તેઓ રોજ પાણી ભરી લાવવાની સેવા કરવા લાગ્યા !