નાગરદાસભાઈને સેવા

સંવત ૧૯૬૮નું વર્ષ ચાલતું હતું. સદ્દગુરુશ્રી વસંતપંચમીના સમૈયે મૂળી પધાર્યા હતા. ત્યારે પોતાને દાંતમાં સહેજ દુખાવો જણાયા કરતો. તે વખત ત્યાં દર્શને આવેલા ચોવીસ વર્ષના યુવાન ડૉક્ટર નાગરદાસભાઈએ સદ્દગુરુશ્રીને વિનંતી કરી કે આપ જો વઢવાણમાં મારા દવાખાને પધારો તો દાંત કાઢી નાખીએ. નાગરદાસભાઈની સેવાવૃત્તિ ને સ્નેહભાવ જોઈ સદ્દગુરુશ્રી મૂળીથી વઢવાણ પધાર્યા. ડૉ. નાગરદાસભાઈ તે વખતે વઢવાણ રાજ્યના ડૉક્ટર તરીકે નોકરી કરતા હતા. ડૉક્ટરે જોયું કે સદ્દગુરુશ્રીના દાંતમાં દુખાવો હતો, પણ તે દાંત બિલકુલ હલતો ન હતો. તેથી તેમને થયું કે દાંતમાં ઇન્જેક્ષન મારી તેટલો ભાગ બહેરો કરી દઈ દાંત ખેંચી લીધો હોય તો દર્દ ન થાય. તેમણે સદ્દગુરુશ્રીને તે મુજબ કહ્યું. સદ્દગુરુશ્રીએ કહ્યું : “ઇન્જેક્ષનની કાંઈ જરૂર નથી.” ડૉક્ટરે તો સદ્દગુરુશ્રીની આજ્ઞાથી ઇન્જેક્ષન માર્યા વિના જ બહુ જોર કરીને તે દાંત કાઢી નાખ્યો. એમને એમ કે સદ્દગુરુશ્રીને અસહ્ય દુખાવો થશે, પણ તેમણે તો સહજ પણ દુઃખ જણાવ્યું નહીં. પોતાને દેહભાવ છે જ નહિ, તે સદ્દગુરુશ્રીએ ડૉક્ટરને પ્રત્યક્ષ બતાવ્યું. ડૉક્ટર તો સદ્દગુરુશ્રીના પગમાં પડી ગયા. સદ્દગુરુશ્રીએ ડૉ. નાગરદાસભાઈ ઉપર દાંત પાડવાની સેવા નિમિત્તે ખૂબ પ્રસન્નતા જણાવી ને ડૉ. નાગરદાસભાઈ અને તેમના નાનાભાઇ ડૉ. મણિલાલભાઈ સહકુટુંબ સત્સંગ સેવાના યજ્ઞમાં સદ્દગુરુશ્રી સાથે જોડાઈ ગયા.