વાર્તા 11 થી 20

(૧૧) ત્યારે વળી સ્‍વામીએ પૂછ્યું જે, મુક્તના જોગે મુક્ત થાય છે તેને સુખ મહારાજ પોતે આપે છે કે મુક્ત અપાવે છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજે જીવો ઉપર દયા કરીને જે અનાદિમુક્તને પૃથ્વી ઉપર મોકલ્યા હોય તે મુક્તને વશ થઈને મહારાજ પોતે સુખ આપે છે.

(૧૨) પછી વળી સ્વામી ઈશ્વચરણદાસજીએ પૂછ્યું જે, જયાં સુધી આપ આ પૃથ્વી ઉપર રહો ત્યાં સુધી કોઈ ભક્તને રહેવાનો સંકલ્પ હોય તે સકામ કહેવાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સકામ તો ન કહેવાય પણ મહારાજની ને મોટાની મરજી પ્રમાણે રહેવું.

(૧૩) ત્યારે સ્વામી ઈશ્વચરણદાસજીએ પૂછ્યું જે, એ નારદ-સનકાદિક કોને સમજવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પોતાના અનાદિમુક્તોને આ ઠેકાણે નારદ-સનકાદિક નામે કહ્યા છે.

(૧૪) ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, એણે ભક્તિ કરી હોય તે રહે કે નાશ થઈ જાય ? ત્યારે બાપાશ્રી બોલ્‍યા જે, થોડો દ્રોહ કર્યો હોય તો તેને પાણીવાળો સજીવન પર્વત કરે તે એના ઉપર ઝાડ, ફળ, ફૂલ થાય અને ઉપર પાણી હોય માટે તે કોઈક સમયે ભગવાન કે ભગવાનના સંતના જોગમાં કે ઉપયોગમાં આવે તે વખતે એને કાઢીને સત્સંગમાં લાવે. જેમ હિમાચળને લાવ્યા તેમ લાવીને મોક્ષ કરે. જે ઘણો દ્રોહ કરે તેને સૂકો પર્વત કરે તે કોઈના ઉપયોગમાં ન આવે તેથી મોક્ષ ન થાય.

(૧૫) ત્યારે વળી સ્વામીએ પૂછ્યું જે, હિમાચળનો મહારાજે કેવી રીતે મોક્ષ કર્યો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ વનમાં વિચર્યા ત્યારે હિમાચળમાં ગયા તે વખતે હિમાચળે મનુષ્ય રૂપે આવીને શ્રીજીમહારાજને પગે લાગીને બે કેરીઓ ભેટ મૂકી. તેને મહારાજે જમવા માંડી ત્યારે તેણે પ્રસાદીની ઇચ્છા કરી. મહારાજ તો ગોટલા-છોતરાં સહિત જમી ગયા. તેણે સંકલ્પ કર્યો જે જળમાં હાથ ધોશે ને જળ પીશે તે પ્રસાદીનું જળ હું પીશ. મહારાજે તો હાથ પણ ન ધોયા ને જળ પણ ન પીધું અને બોલ્યા જે, કેમ ઊભા થઈ રહ્યા છો ? તે બિચારો નિરાશ થઈને ઘણો દિલગીર થઈ ગયો. મહારાજ દયા લાવીને બોલ્યા જે, તમારે પ્રસાદીની ઇચ્છા છે તો અમો સત્સંગમાં જઈએ ત્યારે તમે ગઢડે આવજો. ત્યાં પ્રસાદી આપીશું અને આ પર્વતમાંથી કાઢીને સત્સંગમાં લાવીને મોક્ષ કરીશું. પછી તે અદ્રશ્ય થઈ ગયો. જ્યારે શ્રીજીમહારાજ વનમાં ફરતાં ફરતાં વસ્તીમાં આવ્યા ને ગાદીએ બેઠા ત્યારે હિમાચળ બ્રાહ્મણને વેષે ગઢડે આવ્યો. તેણે ઝોળીમાંથી ભારે ભારે વસ્ત્ર-આભૂષણ કાઢીને મહારાજની પૂજા કરીને પ્રસાદી માગી. મહારાજ પ્રસાદી આપીને બોલ્યા જે, ડોસા ! અહીં રાત રહો, સવારે જજો. ત્યારે તે બોલ્યા જે, ઘણા દિવસથી ઘર મૂક્યું છે માટે થોડાક દિવસ છે તે ગાઉ-બે ગાઉ જઈને જ્યાં રાત પડશે ત્યાં રહીશ, એમ કહીને ચાલ્યો તે થોડેક છેટે જઈને અદ્રશ્ય થઈ ગયો. ત્યારે સદ્. શ્રી મુકતાનંદ સ્વામીએ પૂછ્યું જે, હે મહારાજ ! એ કોણ હતો ? ત્યારે મહારાજે વનમાં બનેલી બધી વાત કરી જે, અમો હિમાચળમાં ગયા હતા ત્યારે એને પ્રસાદીની ઇચ્છા હતી પણ અમે આપી નહોતી, કેમ જે અમારી પ્રસાદી જમે તે વખતે પાપ સર્વે બળી જાય તો એને પર્વતમાંથી બહાર કાઢવો પડે. તે વખતે એના ઉપર ઝાડ-બીડ હોય તે સર્વે બળી જાય માટે આજ પ્રસાદી આપીને કાઢ્યો અને બીજો એવો ભગવાનના ભક્તનો અપરાધી શોધી રાખ્યો હતો તેને માંહી પ્રવેશ કરાવ્યો. એમ અપરાધનું ફળ મહા દુઃખદાયી છે. અપરાધથી બહુ બીવું ને કોઈ કીડી જેવા જીવનો પણ દ્રોહ કરવો નહીં. સત્પુરુષોના દ્રોહમાં ભગવાનનો દ્રોહ આવી જાય છે, જેમ રાણીના દ્રોહમાં રાજાનો દ્રોહ પણ ભેળો આવી જાય તેમ. જેમ પાત્રમાં ઘી હોય તે પાત્રને જે ફોડે તેણે ઘીનો દ્રોહ કર્યો કહેવાય તેમ પાત્રને ઠેકાણે સત્‍સંગ ને મંદિરો છે અને ઘીને ઠેકાણે શ્રીજીમહારાજ છે, માટે જે સત્સંગનો ને મંદિરનો દ્રોહ કરે તેણે શ્રીજીમહારાજનો દ્રોહ કર્યો કહેવાય. જ્યારે જીવને સત્સંગમાં સંતનો અને હરિજનનો અવગુણ આવે ત્યારે માથું ફરી જાય છે અને દિશ ભૂલી જવાય છે તેથી મોટાનું વાળ્યું પણ પાછું વળાતું નથી, કેમ જે એમણે કારણ ઓળખ્યું નથી. જે કારણને એટલે મહારાજ અને મુક્તને ઓળખીને તેમને વળગે તેને દેશ, કાળ નડી શકે નહિ અને કોઈ વિઘ્ન પણ આવે નહીં. એને માન, મહોબત, અધિકાર કે ગાદી એ કોઈ વસ્તુ જોઈએ જ નહીં.

(૧૬) સ્વામી ઈશ્વચરણદાસજીએ પુછ્યું જે, અક્ષરધામમાં જાવું છે તે શી રીતે સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સકામવાળાને મતે જાવાનું છે ને તેને ઘણું છેટું છે કેમ જે તેની બહારદૃષ્ટિ છે. નિષ્કામવાળાને મતે તો જાવાનું ને આવવાનું નથી. જાવં-આવવું કહે છે એ તો આ લોકના શબ્દ છે.

(૧૭) સ્વામી ઈશ્વચરણદાસજીએ પુછ્યું જે, આવા મોટાનો જોગ ન હોય ત્યારે કેમ કરવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ લોકમાંથી મોટા ચાલી નીકળે એટલે અદૃશ્ય થાય તો એમ વિચારવું જે, આવા પુરુષ ઠરવાનું ઠામ હતા તે ચાલી નીકળ્યા તે મહારાજની મરજી એમ હશે. મોટા તો દેહ ધરતા નથી અને મૂકતા પણ નથી, ક્યાંય જતા-આવતા નથી. એ તો સત્સંગમાં છે, છે ને છે જ. કેમ કે એ તો સર્વત્ર રહેલા છે. ક્યાંયે ન હોય તેમ નથી એમ સંતોષ વાળવો. અને એમની કરેલી વાતો સંભારીને વાંચીએ ત્યારે મોટા પ્રત્યક્ષ બોલે છે એમ જાણવું. હૃદયમાં મહાપ્રભુજીના ભેળા ધારવા અને આનંદમાં રહેવું. મોટા તો જીવના સંબંધી છે તે જીવમાં મોટાનો સાક્ષાત્કાર કરવો. જેમ પૃથ્વી ખોદે છે તો પાણી નીકળે છે તેમ અંતર્વૃત્તિ કરીને સાક્ષાત્કાર કરવો તો અંતર્વૃત્તિએ ભેળા જ છે તે સુખિયા કરે.

(૧૮) સ્‍વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મહારાજને અને મોટાને સન્‍મુખ થયા ક્યારે કહેવાય ? ત્‍યારે બાપાશ્રી બોલ્‍યા જે, શ્રીજીમહારાજની આજ્ઞા યથાર્થ પાળે અને મૂર્ત‍િ વિના બીજા સર્વમાંથી લૂખા થઈને મહારાજની મૂર્ત‍િમાં અખંડ વૃત્તિ રાખે તો સન્‍મુખ થયા કહેવાય.

(૧૯) પછી વળી સ્વામીએ પૂછ્યું જે, મોટા મુક્તનાં દર્શન, સ્‍પર્શ આદિનું ફળ કેટલું થતુ હશે ? ત્‍યારે બાપાશ્રી બોલ્‍યા જે, શાસ્‍ત્રમાં તો ડગલે ડગલે અશ્વમેઘનું ફળ લખ્‍યું છે પણ આજનું તો માપ થાય તેવું નથી.

(૨૦) પછી સ્વામી ઈશ્વચરણદાસજીએ પૂછ્યું જે, મહારાજ અને મુક્ત દિવ્ય છે તે માયિક અન્નને જમતા હશે કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જો ભકત સાચે ભાવે માયિક વસ્તુ અર્પણ કરે તો તે ભકતનો ભાવ જોઈને મહારાજ ને મુક્ત એ વસ્તુને દિવ્ય કરીને અંગીકાર કરે છે અને તેનું ફળ (પોતાની મૂર્તિનું સુખ) આપે છે. તે પ્રથમ પ્રકરણના ૭૧મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે.