(૨૧) સ્વામીએ પૂછ્યું જે, ગલુજી પાસે સર્વસ્વ મંગાવેલું તે શ્રીજીમહારાજે બધું રાખ્યું કે કેમ કર્યું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ગલુજીને ઘેર એ જ રાત્રિએ શત્રુ આવીને સર્વસ્વ લૂંટી જવાના હતા અને ગલુજીને તથા તેમનાં મનુષ્યોને મારી નાખવાના હતા; એટલા સારુ શ્રીજીમહારાજે મંગાવ્યું હતું. શત્રુઓ રાત્રે ગલુજીને ઘેર આવીને પાછા ગયા અને સવારમાં શ્રીજીમહારાજે ગલુજીને સર્વસ્વ પાછું આપીને ડડુસર મોકલ્યા. એવી રીતે મહારાજે પોતાના દૃઢ નિશ્ચયવાળા ને વિશ્વાસુ ભક્તની રક્ષા કરી.
(૨૨) સ્વામી ઈશ્વચરણદાસજીએ પૂછ્યું જે, કુશળકુંવરબાઈએ શું કર્યું હશે ? તે કૃપા કરીને કહો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કુશળકુંવરબાઈએ શ્રીજીમહારાજને પોતાને ઘેર ધર્મપુર તેડાવીને રાજય આપવા માંડ્યું અને શ્રીજીમહારાજની મૂર્તિને નખથી શિખા પર્યંત સમગ્ર અંગ નીરખીને અંતરમાં ઉતારી લીધી અને મૂર્તિ ભૂલી જવાય તેની બીકે કરીને દેહની ક્રિયા જે નાવું-ધોવું, ખાવું-પીવું તેનો ત્યાગ કરીને મૂર્તિ ધારી રાખી, ને પંદર દિવસે દેહ પડી ગયો પણ મૂર્તિ મૂકી નહિ એવા હતાં.
(૨૩) સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મોટા રામબાઈએ શું કર્યું હશે ? તે કૃપા કરીને કહો. પછી બાપાશ્રી બોલ્યા જે, મોટા રામબાઈ વાળાના જેતપુરનાં હતાં. તેમનાં પિયરિયાએ તથા સાસરિયાએ તેમને વ્યવહાર કરાવવા બહુ ઉપાધિ કરી, તેથી ભાદર નદીના ધરાના કાંઠા ઉપર રાત્રિએ પોતાનાં વસ્ત્ર મૂકીને ચાલી નીકળ્યાં; ને શ્રીજીમહારાજની પાસે ગઢડે જઈને ત્યાગી થઈને રહ્યાં.
(૨૪) સ્વામીએ પૂછ્યું જે, દાદાખાચરે શું કર્યું ? તે કહો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, દાદાખાચરે પોતાનું સર્વસ્વ શ્રીજીમહારાજને અર્પણ કર્યું ને જેમ શ્રીજીમહારાજ કહે તેમ જ કરતા; કોઈ પ્રકારનો સંશય કરતા નહીં. એમની વાતો તો અપાર છે ને તે ઘણે ઠેકાણે લખાણી છે.
(૨૫) સ્વામીએ પૂછ્યું જે, માંચા ભક્તે શું કર્યુ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, માંચો ભક્ત પ્રથમ માર્ગીના પંથમાં હતા પણ બ્રહ્મચર્ય વ્રતમાં કુશળ હતા. એક કીમિયાવાળો એમને ઘેર આવીને ઊતર્યો હતો. તેણે ત્રાંબાનું રૂપું કરી બતાવ્યું, તેને લાકડી લઈને ગામ બહાર કાઢી મૂક્યો પણ રૂપામાં લોભાયા નહીં. જ્યારે શ્રીજીમહારાજ મળ્યા ત્યારે એકાંતિક ભક્ત થયા. જ્યારે મહારાજને દર્શન ગયા ત્યારે પોતાનો પાંચસો વીઘા કપાસ હતો તે સાંભરશે એમ જાણીને ભેળાવી દીધો.
(૨૬) સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મૂળજી બ્રહ્મચારીએ શું કર્યું હતું તે કૃપા કરીને કહો. ત્યારે બાપાશ્રીએ કૃપા કરીને કહ્યું જે, મૂળજી બ્રહ્મચારી મખિયાવ ગામના બ્રાહ્મણ હતા. તે યજમાનની દીકરીને તેડવા ગયા હતા, તેને તેડીને આવતા માર્ગમાં એક ગામ આવીને રાત રહ્યા. ત્યાં એ બાઈની નજર ખોટી દેખવામાં આવી, તેથી તેને ત્યાં ને ત્યાં પડી મૂકીને ચાલી નીકળ્યા ને શ્રીજીમહારાજ પાસે આવીને બ્રહ્મચારી થયા, એવા નિષ્કામી હતા. તેમને શ્રીજીમહારાજે જોડાં પહેરવાની અને ઘી-ગૉળ જમવાની બંધી કરી અને પોતાની સેવામાંથી પણ કાઢી મૂક્યા તોપણ શ્રીજીમહારાજને વિષે જેવી પ્રીતિ ને દિવ્યભાવ હતો ને જેવી દ્રઢતા હતી તેવી ને તેવી જ રહી પણ તેમાં ફેર પડ્યો નહીં. એવી રીતે શ્રીજીમહારાજે ઘણીક પરીક્ષા લીધી. તોપણ બ્રહ્મચારી ડગ્યા નહિ એવા પરિપક્વ નિશ્ચયવાળા હતા. એવી એમની કેટલીક વાર્તાઓ સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીની લખેલી વાતોમાં છે.
(૨૭) પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, આ પ્રશ્નમાં બરોબર વર્તવાનું કહ્યું તે બરોબર કેવી રીતે
વર્તવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, વૈરાગ્ય, આત્મનિષ્ઠા તથા ત્યાગ એ સાધન બધાયથી સરખાં થઈ શકે નહિ તેથી ભેળા નભી શકે નહિ માટે શ્રીજીમહારાજે જે પ્રમાણે નિયમની બાંધણી બાંધી છે તે પ્રમાણે તો વર્તવું જ પણ નિયમથી અધિક વર્તવું નહિ એમ કહ્યું છે અને ધ્યાન-ભજન તો સૌથી વધારે કરવું, પણ તેમાં બરોબર ન વર્તવું.
(૨૮) પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, ભાગવતી તનુનો અર્થ શો હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ભાગવતી તનુ એટલે ભગવાનની મૂર્તિ જાણવી.
(૨૯) સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, લોયાના ૭મા વચનામૃતમાં અનુભવજ્ઞાન કહ્યું છે તે કેવી રીતે સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું તેને અનુભવજ્ઞાન કહીએ અને સુખનો અને મૂર્તિનો પાર ન આવે ને નવાં નવાં સુખ લીધા કરે તે અનુભવજ્ઞાન છે, માટે અનુભવજ્ઞાન સિદ્ધ કરે એ જ મુક્ત કહેવાય.
(૩૦) પછી વળી સ્વામીએ પૂછ્યું જે, લોયાના ૭મા વચનામૃતમાં ઇન્દ્રિયો, અંત:કરણ અને અનુભવ એ ત્રણ પ્રકારે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે આત્યંતિક મોક્ષ થાય એમ કહ્યું છે, તે જેને ભગવાન મનુષ્ય રૂપે પ્રત્યક્ષ મળ્યા હોય તેને જીવાત્મામાં સાક્ષાત્કાર ન થયો હોય તેનું આત્યંતિક કલ્યાણ થાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેને પ્રત્યક્ષ ભગવાન મનુષ્ય રૂપે મળ્યા હોય ને તેમને યથાર્થ મહિમાએ સહિત જાણ્યા હોય, તો તેનું કલ્યાણ આત્માને વિષે સાક્ષાત્કાર થયો હોય તેના જેવું જ થાય; એટલો પ્રત્યક્ષ મળ્યાનો વિશેષ છે.