સદ્દગુરુ ઈશ્વરબાપા એટલે પંજાબ મહેલ

માલણિયાદથી સદ્દગુરુશ્રી ફરી મૂળી પધાર્યા. ત્યાં અ.મુ.સદ્. શ્રી હરિનારાયણદાસજી સ્વામીશ્રીએ સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામીને કહ્યું : "તમોએ આ સમૈયે સભામાં વાતો કરી હરિભક્તોને બહુ પોષણ આપ્યું. અમારી ઇચ્છા એવી છે કે તમો લીંબડી ફરતા ગામડામાં જાવ કારણ કે ત્યાંના કેટલાક હરિભક્તોને ઉપાસનાની વાતો કરવાની જરૂર છે. જો તમો જાઓ અને ત્યાં આવી રીતે ઉપાસનાની વાતો કરીને ત્યાંના હરિભક્તોને સમજાવો તો સારું."

સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી આ મુજબ મૂળીના સંતોને સાથે લઈને વઢવાણ - લીંબડી થઈ ગામ મોજીદડ પધાર્યા. ત્યાં એક દિવસ સવારમાં કથા વંચાતી હતી તેમાં ગઢડા પ્રથમનું ૯મું વચનામૃત વંચાતું હતું. તેમાં એવો પ્રસંગ નીકળ્યો કે, “જેને ભગવાનને વિષે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં.” ત્યારે એક હરિભક્તે પૂછ્યું : "જ્યારે શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે વિરાજતા ત્યારે તો પ્રત્યક્ષ હતા, પણ હાલ શ્રીજીમહારાજને કેવી રીતે પ્રત્યક્ષ જાણવા ?" સદ્દગુરુશ્રીએ કહ્યું : “હાલ તો પ્રતિમા રૂપે પ્રત્યક્ષ છે, તે ગઢડા છેલ્લાના ૩૧મા વચનામૃતમાં કહ્યું છે કે, ‘જેમ ધામની મૂર્તિ ગુણાતીત છે તેમ જ મનુષ્યરૂપ પણ ગુણાતીત - ત્રણ ગુણથી પર છે.’ જ્યાં સુધી મનુષ્યરૂપ અને પ્રતિમા રૂપ મૂર્તિને વિષે માયિકભાવ રહે છે, ત્યાં સુધી પોતાનો દેહભાવ ટળતો નથી કારણ કે જેવા શ્રીજીને જાણે તેવા પોતે થાય. માટે જો મનુષ્યરૂપ અને પ્રતિમારૂપ શ્રીજીની મૂર્તિને દિવ્ય જાણે તો જ પોતે દિવ્ય થાય. અને જે પ્રતિમાને માયિક જાણે છે તે તો મનુષ્યરૂપ મૂર્તિને પણ માયિક જાણે છે. એ તો જેમ ધામની મૂર્તિને ગુણથી અતીત જાણે તેમ જ મનુષ્યરૂપ મૂર્તિને પણ ગુણથી પર જાણે તો જ પોતે ગુણથી અતીત એટલે પર થાય.” તે હરિભક્તે વળી પૂછ્યું : “હાલ તો સંત એ જ બોલતાં-ચાલતાં ભગવાન છે, તેનું ધ્યાન, ઉપાસના, ભક્તિ, સેવા કરીએ એમાં શું બાધ છે ? નિષ્કુળાનંદ સ્વામીએ ‘પુરુષોત્તમપ્રકાશ’માં કહ્યું છે કે,

‘સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે;

સંત માનજો મારી મૂરતિ રે, એમાં ફેર નથી એક રતિ રે.’

માટે એમ જોતાં તો ગુરુ (સંત)રૂપ હરિને વિષે જો નિષ્ઠા આવે તો જ સર્વ અર્થ તેને પ્રત્યક્ષ થાય છે.”

સદ્દગુરુશ્રીએ કહ્યું : "તમે ભૂલા ન પડો, તે માટે જ નિષ્કુળાનંદ સ્વામીએ ‘ભક્તચિંતામણિ’માં લખ્યું છે જે,

‘ગુરુ સંતને ભજવા જે શ્રીહરિ સાક્ષાત્.’

અને શ્રીજીમહારાજે ‘શિક્ષાપત્રી’ના શ્લોક ૧૧૫માં પણ બ્રહ્મવેતા ને સમાધિનિષ્ઠનું પણ ધ્યાન કરવાની ના લખી છે. તેમ જ ગઢડા મધ્યના ૧૯મા વચનામૃતમાં પણ કહ્યું છે કે, ‘શ્રીકૃષ્ણ નારાયણના અવતાર પૃથ્વીને વિષે ન હોય તો તેની જે પ્રતિમા, તેની પૂજા મને કરીને તથા દેહે કરીને ચંદન, પુષ્પ, તુલસી આદિક સામગ્રી વડે કરવી અને જો બીજા દેવની ઉપાસના કરીએ તો તેમાં મોટો દોષ લાગે છે ને પતિવ્રતાપણું નષ્ટ થાય છે ને વેશ્યાના જેવી ભક્તિ થાય છે.’ વળી, ગઢડા છેલ્લાના ૧૬મા વચનામૃતમાં પણ શ્રીજીમહારાજે કહ્યું છે કે, ‘જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંઘાથે જને દ્રઢ પ્રીતિ બંધાણી છે તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ અને પોતાના ઇષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહિ. ને બીજાને જે કાંઈક માને તે તો કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેના જાણીને માને. એવી રીતે જે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય.’ એટલા માટે જ શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે વિરાજતા હોય કે પ્રતિમા રૂપે વિરાજતા હોય પણ ધ્યાન, ઉપાસના, ભક્તિ તો તેના જ થાય, બીજાનાં તો ન જ થાય.”

ત્યારે, બીજા એક હરિભકતે પૂછ્યું : “ગઢડા પ્રથમના ૧૦મા વચનામૃતમાં ભગવાનની મૂર્તિને ‘ચિંતામણિ’ કહી છે, ને ગઢડા પ્રથમના ૧૪મામાં તો સંતના સમાગમને ‘પરમ ચિંતામણિ’ ને ‘કલ્પવૃક્ષ’ કહીને ભગવાનની મૂર્તિ કરતાં તો સંતનો સમાગમ અધિક કહ્યો છે.” ત્યારે સંત તો ભગવાનની મૂર્તિ કરતાં અધિક જ થાય ને ?  તો ભગવાનની મૂર્તિ કરતાં સંત અધિક છે, માટે તેનું ધ્યાન કરવામાં વાંધો નથી.”

એ સાંભળીને સદ્દગુરુશ્રી આસન ઉપર પડખાભર હતા તે તરત જ બેઠા થયા ને બોલ્યા : "આવું અવળું તમને કોણે સમજાવ્યું છે ? લાવો વચનામૃતનો ગ્રંથ ને કાઢો એ ૧૪મું વચનામૃત." એમ કહીને તે હરિભક્તને પોતાની નજીક બોલાવીને ગઢડા પ્રથમનું ૧૪મું વચનામૃત કઢાવીને વંચાવીને સદ્દગુરુશ્રીએ કહ્યું : "જો, ભગવાનની મૂર્તિ આગળ સંતના સમાગમને પરમ ચિંતામણિ અને કલ્પવૃક્ષ કહ્યા નથી, પણ ધન, દોલત, દીકરા, દીકરી એ સર્વને સ્વપ્ન તુલ્ય કહ્યાં છે અને તેની આગળ સંતના સમાગમને પરમ ચિંતામણિ અને કલ્પવૃક્ષ તુલ્ય કહ્યા છે, અને નહિ કે ભગવાનની મૂર્તિ આગળ. વળી, શ્રીજીમહારાજે ગઢડા છેલ્લાના ૩૭મા વચનામૃતમાં કહ્યું છે કે, “ભગવાન જેવા તો એક ભગવાન જ છે, પણ બીજો કોઈ નથી, અને ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર ભગવાનના જેવો જ છે, તોપણ એ પુરુષ છે, ને ભગવાન પુરુષોત્તમ છે, ને તે સર્વેમાં શ્રેષ્ઠ છે ને એમને ઉપાસ્ય છે ને એ સર્વના સ્વામી છે, પણ શ્રીજીને કોઈ ઉપાસ્ય નથી ને શ્રીજીના કોઈ સ્વામી નથી, ને એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી. એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે ને ધ્યેય છે, ને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે, એવું ભગવાનનું સ્વરૂપ છે."

ત્યારે એક હરિભક્તે પૂછ્યું : "શ્રીજીમહારાજને અક્ષરાતીત જાણે તે કેવો થાય ?" સદ્દગુરુશ્રીએ કહ્યું : "એમ સમજે તે પણ અક્ષરાતીત થાય." એ હરિભક્તે કહ્યું : "અક્ષર પર તો શ્રીજીમહારાજ એક છે, એથી પર બીજો કોઈ નથી, એવું આજ સુધી સાંભળ્યું છે, પણ આ વાત તો સાંભળી નથી." ત્યારે સદ્દગુરુશ્રીએ કહ્યું : "શું હું સાંભળ્યા વિના કહું છું ? જુઓ ! ગઢડા મધ્યના ૬૭મા વચનામૃતમાં કહ્યું છે કે, ‘જેવા ભગવાનને જાણે એવો પોતે થાય.’ ત્યારે આ સત્સંગમાં તો ઘણા શ્રીજીમહારાજને અક્ષરાતીત સમજે છે, તે શું અક્ષરથી પર નહિ થાય ? અને જો ન થાય તો એ મધ્યના ૬૭માં લખ્યું છે તે લેખ ખોટો થાય. માટે જેવા શ્રીજીને જાણે તેવો પોતે થાય, એમ લખ્યું છે, તે એમ સમજનારને અક્ષરથી પર કરવા માટે જ લખ્યું છે, એટલે શ્રીજીમહારાજને અક્ષરાતીત સમજે તે અક્ષરથી પર થાય.”

ત્યારે તે ભક્તે કહ્યું : "સ્વામી ! એ સદ્દગુરુઓના જેવી સ્થિતિ પામવી હોય તેણે શ્રીજીનું ધ્યાન કેવી રીતે કરવું?" સદ્દગુરુશ્રીએ કહ્યું : "અનાદિમુક્ત જેમ જળતરંગવત્ મૂર્તિને વિષે સદા સાકાર મૂર્તિમાન રહ્યા છે, તેમ જ આપણે પણ એવા અનાદિમુક્તને વિષે આપોપું માનીને મૂર્તિમાં રહ્યા થકા મૂર્તિનું ધ્યાન કરીએ, તો એ અનાદિમુક્તની સ્થિતિને પમાય."

તે ભકતે કહ્યું : "સ્વામી ! એમ કેવી રીતે ધ્યાન થાય ?"

સદ્દગુરુશ્રીએ કહ્યું : "એમાં શું કઠણ છે ? જેમ દેહધારી દેહમાં રહીને દેહને જુએ છે, તેમ જ મૂર્તિમાં રહીને મૂર્તિને જોયા કરીએ તેમાં શું જોર આવે છે ? એવી રીતે ધ્યાન કરતાં કરતાં એવી સ્થિતિ થઈ જાય તે અનાદિમુક્તની પંકિતમાં ભળે અને પછી તો શ્રીજીમહારાજનું સુખ, સામર્થ્ય, ઐશ્વર્યાદિક જેટલું છે તેટલું તે મુક્તને પણ પ્રાપ્ત થાય છે."

આ રીતે સદ્દગુરુશ્રીએ લીંબડીની આસપાસના ગામોમાં ફરી શ્રીહરિજીની શુદ્ધ ઉપાસના પ્રવર્તાવી, અને અનેક મુમુક્ષુઓને સન્માર્ગે વાળી સુખિયા કર્યા.