સરળ બાળ ઉપદેશ

સદ્દગુરુશ્રીનું વ્યકિતત્વ જ એવું અસાધારણ અને આકર્ષક હતું કે મુમુક્ષુઓની વૃત્તિઓ તણાઈ જાય ને સદ્દગુરુશ્રી વિષે અહોભાવ પ્રગટે. ગમે ત્યારે સદ્દગુરુશ્રીનાં દર્શને જઈએ ત્યારે હરિભક્તોનો સમૂહ તેઓશ્રીની સમીપ બેઠો જ હોય. બાળકોને લઈને હરિભકતો દર્શને આવે તો બાળકોને પોતાની નજીક બોલાવી માથે હાથ મૂકી પૂછે, "નવા છો કે જૂના ?" આ પ્રશ્નનો શું જવાબ આપવો તે બાળકોને ન સૂઝે અને બોલી નાખે, "જૂના." ત્યારે આખી સભા હસી પડે ને સદ્દગુરુશ્રી પ્રસન્નતા જણાવી બોલે, "નાની વાતમાં કેવાં કેવાં કામ થઈ જાય છે !" ‘કોણ છો ?’, ‘ક્યાં રહો છો ?’, ‘ક્યાંથી આવ્યા ?’, ‘શા માટે આવ્યા ?’, ‘મહારાજ ક્યાં છે ?’ ‘શું કરે છે ?’, ‘આ સભામાં બેઠેલા સત્સંગીઓ તમારે શું સગાં થાય ?’, ‘તેઓ કેવા છે ?’, ‘ભગવાન સ્વામિનારાયણ કેવા છે ?’ આમ સામાન્ય લાગતા પણ રહસ્યભર્યા પ્રશ્નો પૂછી, આપણને શ્રીજીમહારાજે કૃપા કરીને કેવા કર્યા છે એ છેલ્લી વાત, છેલ્લી સ્થિતિ સમજાવી દેતા.

બાળપણથી જ સત્સંગનો પાકો રંગ લાગે ને શ્રીજીમહારાજને જેવા છે તેવા જાણે ને તે જ્ઞાન જીવમાં પેસી જાય તેવી ભાવનાથી સદ્દગુરુશ્રી બાળકોના ઉત્કર્ષમાં ખૂબ રસ લેતા. સરસપુર મંદિરના મેડા ઉપર ધાર્મ‍િક પાઠશાળા શરૂ કરાવી હતી. દર મહિને સદ્દગુરુશ્રી બાળકોને ભેગા કરી શાળાઓમાં જેમ પરીક્ષા લેવાય છે તેમ પરીક્ષા લેતા બાળકો ઉપર બહુ રાજી થતા અને માથે હાથ મૂકી હેતથી તેઓને આગળ વધવા માટેનું સૂચન કરતા અને આશીર્વાદ આપતા. નબળા બાળકોને પોતે જાતે રસ લઈ શીખવતા ને તેના વિકાસ માટે બળ પ્રેરતા.