શ્રીજીમહારાજના સર્વોપરીપણાની વાતો

શ્રીહરિની ઉપાસના બાબત તેમને જે તાન અને વેગ હતાં તેવાં તાન ને વેગ ભાગ્યે જ બીજે ક્યાંય દેખાય. જુદા જુદા ધામાધિપતિઓ અને ઐશ્વર્યાર્થીઓના અધિકારો તથા ભૂમિકાઓ બાબત જરા પણ અચકાયા વગર સ્પષ્ટતા કરી દેતા. સાંભળનારાઓમાં કોઈને રુચશે કે નહિ તેની તેઓશ્રી ફિકર કરતા જ નહીં. એક ગામમાં એક પ્રસંગે સભામાં વચનામૃત વંચાતું હતું. તે ઉપરથી શ્રીજીની સર્વોપરીતાની વાતનો પ્રસંગ નીકળતાં પોતે વાત કરવા લાગ્યા. તેમાંથી કેટલીક વાત ત્યાંના હરિભક્તોમાંથી કેટલાકને રુચિકર ન લાગી. તેમાં એક અગ્રગણ્ય અને પ્રતિષ્ઠિત ગૃહસ્થ પણ હતા. તેમણે ચર્ચા કરવા માંડી એટલે સ્વામીશ્રીએ તેના સ્પષ્ટ ઉત્તર દેવા માંડ્યાં. તેથી તે નિરુત્તર તો થઈ ગયા, પણ પોતાનો વાંધો પકડી બેઠા; એટલે સ્વામીશ્રીને બીજાઓએ કહ્યું કે હવે વાતો બંધ રાખો. એટલે સ્વામીશ્રીએ શાંતિથી કહ્યું કે, “વાતો કરવા તો આવ્યા છીએ, તે કોઈને ખોટું લાગવાની બીકે બંધ કરીએ તો બીજા જેને સાંભળવી હોય તેનું શું ? માટે વાતો કર્યા વગર કેમ ચાલે ?” એટલે તે પ્રતિષ્ઠિત ગૃહસ્થે કહ્યું કે, “તો પછી તે મુદ્દા સિવાય બીજી વાતો કરો.” એટલે સ્વામીશ્રીએ વગર વિલંબે જ શાંતિથી કહી દીધું કે, “વાતો તો જે મૂર્તિમાંથી નીકળે તે જ કરાય. ન સાંભળવું હોય તે ઊઠી જઈ શકે.” આખી સભા આ સાંભળીને આશ્ચર્યચકિત જ થઈ ગઈ. સ્વામીશ્રી પોતાના નિર્ણયમાં કેવા અડગ છ ! જે વ્યક્તિની સામે એક શબ્દ ઉચ્ચારવા કોઈ હિંમત ન કરે તેને પણ ચોખ્ખું સંભળાવી દીધું અને તે પણ કોઈ જાતના ગર્વ કે આવેગથી નહિ પણ વિનમ્રતાથી, સામાન્ય રીતે કહેતા હોય તેમ શાંતિપૂર્વક જ. આવી તો તેમની ધીરજ અને દ્રઢતા હતી. તેમને કોઈ પ્રત્યે દ્વેષ કે અવગણના હતી જ નહીં. પણ પોતાને જે કાર્ય કરવાનું હતું તે ઉપર જ નજર રહેતી અને તેમાં જે કાંઈ વિરોધ ઉપસ્થિત થાય તેની તદ્દન અવગણના જ કરતા. પોતે તો સ્ટીમરોલરની પેઠે પોતાના માર્ગે જ જતા.

વચનામૃતો ર૭૩ તો તેમને જિહ્વાગ્રે હતાં. કયા વચનામૃતમાં કયા પ્રશ્નના જવાબમાં શું બાબત કહેવાઈ છે તે બતાવવું તેમને રમત જેવું હતું. શાસ્ત્રાર્થ કરવા આવનાર છેવટ તેમને પગે પડીને જ જતા. કદાચ સ્વામીશ્રીનો અભિપ્રાય તે પૂરો કબૂલ રાખે કે ન પણ રાખે, છતાં સ્વામીશ્રીના જ્ઞાનભંડારથી તો ડઘાઈ જ જતા, અને છેવટ તેઓને કહેતા સાંભળ્યા છે કે, "આપનો આટલો અભ્યાસ અમે ધાર્યો ન હતો." આમ દેખાવમાં કોઈને એમ ન થાય કે સ્વામીશ્રી ઊંડા અભ્યાસી હશે, છતાં જ્યારે પ્રસંગ આવે ત્યારે વાગ્ધારા છૂટે તે એટલી એકધારી ને ધોધબંધ હોય કે સામાને અવાક્ થવું જ પડે.