વરસાદને રજા આપી

જમિયતપુરા ગામમાં વરસાદ વરસી રહ્યો હતો અને સહુ હરિભક્તોને વિચાર થયો કે આપણાથી અત્યારે બીજું કાંઈ કામ થાય એમ નથી. ખેતરમાં જવાય એવી પરિસ્થિતિ નથી અને માંડ નવરાશ મળી છે. અને જો અત્યારે સદ્દગુરુશ્રીનો લાભ મળે તો સારું અને બધાયને સમાગમનું ખૂબ બળ મળે અને બળિયા થાય. હરિભક્તોએ સદ્દગુરુશ્રી પાસે અમદાવાદ જઈ પ્રાર્થના કરી કે, “સ્વામી, આપને અત્યારે સમય હોય અને આપ રાજી હોવ તો અમને સૌ હરિભક્તોને વરસાદના કારણે સમય મળ્યો છે. તો અમને લાભ આપવા માટે પધારો એવી સહુની ઇચ્છા છે.”

હરિભક્તોએ સદ્દગુરુશ્રીને વાત કરી એ વખતે સદ્. વૃંદાવનદાસજી સ્વામી પણ ત્યાં જ બેઠા હતા. તેમણે હરિભક્તોને કહ્યું કે, “વરસાદના કારણે અમને સંતોને બહાર ન્હાવા-ધોવાની તકલીફ પડશે. બહુ મુશ્કેલીઓ ઊભી થાય.” હરિભક્તો સહેજ ઉદાસ થયા હોય તેવું જણાયું એટલે સદ્દગુરુશ્રીએ સ્વામીને કહ્યું કે, “દયાળુ, એમાં શું મોટી વાત છે ? વરસાદને તો આપણે ના પાડીશું તો એ ક્યાં આવવાનો છે ?” સદ્. વૃંદાવનદાસજી સ્વામીએ આ સાંભળી મંદ મંદ હાસ્ય કર્યું અને બોલ્યા : “તમારે વરસાદને કાઢવો હોય તો અમારી ના નથી.” હરિભક્તો આવું સાંભળી રાજી રાજી થઈ ગયા.

મોટા પુરુષ ક્યારેય કોઈને હતાશ નથી જોઈ શકતા અને સૌને પોતે અનુકૂળ થઈને વર્તે છે. પ્રેમી ભક્તોની વિનંતીને વશ સદ્દગુરુશ્રીએ કહ્યું કે, “જાવ, મહારાજ પધારશે.” જવાની તૈયારી કરી બીજે દિવસે સંતોનું મંડળ લઈ જમિયતપુરા પધાર્યા. જ્યાં અમદાવાદથી નીકળ્યા કે તરત જ વરસાદને સદ્દગુરુશ્રીએ રજા આપી દીધી અને સદ્દગુરુશ્રીએ જમિયતપુરા સત્તર દિવસ સુધી રોકાણ કર્યું. પણ વરસાદનું નામ-નિશાન ન મળે. એનું કારણ....? સદ્દગુરુશ્રીએ વરસાદને રજા આપી દીધી હતી.