પુષ્પ ૧
એક વખત વૃષપુરમાં મોટી પારાયણ બેસાડવામાં આવી હતી. આ પારાયણમાં એક દિવસ સાંજે વક્તાનો સાદ બેસી જવાથી પારાયણ કોણ વાંચશે તે પ્રશ્ન થયો. ત્યારે બાપાશ્રીએ કહ્યું, “આ પુરાણી કેશવપ્રિયદાસજી પારાયણ વાંચશે.”
ત્યારે બાપાશ્રીની મરજી જાણી, પોતે સવારે અને સાંજે એમ બેય વખત કથા વાંચી, તેથી બાપાશ્રી બહુ રાજી થયા અને બોલ્યા જે, “અમારી વાડીએ બળદ છે તે ગાડે જોડે તો ગાડે ચાલે, સાંતીએ જોડે તોપણ ચાલે ને કોશે જોડે તોપણ ચાલે, એવા સોજા સરળ છે. તેમ આ સંત (મુનિસ્વામી) અમારે બહુ કામ આવે છે. ભૂજ જઈએ તો ત્યાં અમને થાળ કરીને જમાડે, આસન પાથરી દે. સત્સંગના વ્યવહારમાં પણ કામમાં આવે. વળી કથા-પારાયણમાં પણ કામ આવે છે.” એમ કહીને વળી બોલ્યા જે, “અહો ! આ તો અમારે મૂળીમાં સદ્. બ્રહ્માનંદ સ્વામીના ઘંટે ચાલવાનો વૃષભ.”
પુષ્પ ૨
એક વખત કચ્છના રામપુર ગામે મોટો યજ્ઞ હતો. તે વખતે મુનિ સ્વામીશ્રીનો કથા વાંચતાં વાંચતાં સાદ બેસી ગયો. બાપાશ્રી પણ ત્યાં જ હતા.
ત્યારે, બાપાશ્રી રોજ બાઈઓના મંદિરમાંથી સાકર-ઇલાયચી નાખેલું ઊનું દૂધ મુનિસ્વામી સારુ લઈ આવતા. આથી એક દિવસ મુનિસ્વામીએ બાપાશ્રીને કહ્યું, “બાપા ! આપ આ દાખડો શા માટે કરો છો ? દૂધ તો બીજા ઘણાય લાવશે.” ત્યારે બાપાશ્રીએ કહ્યું, “સ્વામી ! તમારે એવી ચિંતા ન કરવી. તમારા જેવા સાધુ સારુ તો ૧૦૦-૨૦૦ રૂપિયાનું અમે ખર્ચ કરી નાખીએ તોય ઓછું છે.” એમ મુનિસ્વામી પર અત્યંત રાજીપો જણાવ્યો.
પુષ્પ ૩
એક દિવસ વૃષપુરના મંદિરમાં સવારની સભામાં સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજી, સ્વામીશ્રી વૃંદાવનદાસજી તથા સ્વામીશ્રી ઘનશ્યામજીવનદાસજી આદિ મોટા મોટા સદ્ગુરુઓની સભા બેઠી હતી અને બાપાશ્રી પણ ગાદી-તકિયે સભામાં બિરાજમાન હતા.
સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રી સૌને કથાવાર્તાનું સુખ આપી રહ્યા હતા. પરંતુ સદ્ગુરુશ્રીની તબિયત બરાબર ન હોવાથી વારંવાર ઉધરસ આવતી હતી. તેથી બાપાશ્રી સભામાંથી ઊભા થયા ને સંતો એક લાઇનમાં ન સમાવવાથી આગળ-પાછળ બેઠા હતા. તેમાં મુનિ સ્વામીશ્રી બીજી લાઇનમાં પાછળ બેઠા હતા. તેમનો હાથ ઝાલીને આગલી પંક્તિમાં બાપાશ્રીએ બેસાડ્યા ને કહ્યું કે વાતો કરો.
ત્યારે બાપાશ્રીની આ આજ્ઞા થતાં સ્વામીશ્રી આગળ બેઠા તો ખરા, પણ મોટા મોટા સદ્ગુરુઓની આગળ શી વાત કરવી ? એમ સંકોચાવા લાગ્યા ને ઘડીક બોલ્યા નહીં. ત્યારે બાપાશ્રીએ કહ્યું, “પુરાણી ! પેલી કોયલની વાત કરો.” પછી મુનિ સ્વામીશ્રીએ એક કલાક સુધી વાતો કરી.
કથા પૂરી થતાં મુનિ સ્વામીશ્રીની વાતો સાંભળી બાપાશ્રી મોટા સદ્ગુરુઓ પ્રત્યે બોલ્યા જે, “તમારા દેશમાં તમે મોટા મોટા હાથી જેવા સાધુ છો ને અમે તો અહીં કચ્છમાં આ એક ફોદા (છાશમાં માખણ) જેવા સાધુ રાખ્યા છે.” એમ કહી બહુ રાજી થયા અને બાપાશ્રીની પ્રસન્નતાના કારણે સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી આદિ સૌ સંતો પણ રાજી થયા.
પુષ્પ ૪
અનાદિમુક્ત શ્રી સોમચંદભાઈ રચિત બાપાશ્રીના જીવનચરિત્રમાં પણ મુનિસ્વામી વિષે લખ્યું છે કે, “બાપાશ્રી મુનિસ્વામીને ઘડી ઘડી બોલાવે, સામું જોઈ રહે, માથે હાથ મૂકે, હાર પહેરાવે.” તો વળી “મુનિબાવા કથા મચાવો.” એમ ઘેરે સાદે બોલે ને સદ્ગુરુઓને કહે, “સ્વામી ! આ પુરાણી બાવો ખરેખરા છે.”
બાપાશ્રીની આવી પ્રસન્નતાનું કારણ હતું સાધુતા અને બાપાશ્રીની સાથે દિવ્યભાવ સોતું હેત-આત્મબુદ્ધિ. એટલે જ જ્યારે બાપાશ્રી વાતો કરતા હોય ત્યારે પોતે જાણે અમૃતરસનું પાન કરતા હોય એવી ત્વરા જણાવતા.
જ્યારે કથાવાર્તા બંધ હોય ત્યારે વધુ તો પોતે ધ્યાનમાં જ બેસી રહે કાં સેવા કરે અને એટલે જ બાપાશ્રીની કૃપાના પાત્ર હતા અને બાપાશ્રી પણ રાજી થઈ પ્રસન્નતારૂપ દિવ્ય મોજ આપતા.