એક દિવસ રાત્રિનો સમય હતો અને મહારાજ તથા બાપાશ્રીને સંભારતાં મુનિ સ્વામીશ્રી પોઢ્યા અને ઘનશ્યામ મહારાજનાં દર્શન થવા માંડ્યાં. રંગમહોલના દિવ્ય સ્વરૂપ મહાપ્રભુની સાથે બાપાશ્રીનાં પણ એવાં જ દર્શન થતાં આનંદ આનંદ થઈ ગયો અને સવાર પડતાં પોતે લીમડાવાળા સદ્. પુરાણી હરિપ્રસાદદાસજીને આ વાત કરી. પછી તો બાપાશ્રીના મહિમાની-દિવ્યભાવની વાતો કરવા લાગ્યા અને એમ કરતાં કરતાં નક્કી કર્યું કે, “હવે તો બસ, આપણે મૂર્તિના સુખે સુખિયા થવું છે અને બાપાશ્રીને રાજી કરી લેવા છે.” અને આવા શુભ સંકલ્પથી મુનિસ્વામી, પુરાણી સ્વામી આદિ સંતો સાથે વિ.સં. ૧૯૬૯ના માઘ વદ ૧ના રોજ પગે ચાલીને વૃષપુર પહોંચ્યા.
બાપાશ્રી તો લખાઈવાડીમાં પધાર્યા છે એવા સમાચાર મળતાં મુનિસ્વામી લખાઈવાડીએ પધાર્યા અને દંડવત-દર્શન કરી બાપાશ્રીને મળ્યા. બાપાશ્રી પણ મુનિસ્વામીને જોતાં રાજી થઈ ગયા અને પગપાળા આવ્યા છે તે જાણી બાપાશ્રી બોલ્યા, “તમે અમદાવાદથી અહીં દર્શન કરવા આવ્યા તે સમાગમથી શાંતિ તો થાય પણ તમને જે લાભ થયો તેની તમને અત્યારે શું ખબર પડે ? એ તો જ્યારે અનુભવજ્ઞાન આપીને દિવ્ય સ્વરૂપનાં દર્શન કરાવીશું ત્યારે જેમ છે તેમ અનુભવ થશે.”
એક દિવસ બાપાશ્રીએ પ્રસાદીની કાચી કેરી આપી અને રાજીપો દર્શાવતાં કહ્યું, “આ કેરી જે જમશે તેનો આત્યંતિક મોક્ષ થશે.” એમ ત્રણ વાર બોલ્યા.
બાપાશ્રી આ રીતે નિત્ય નવીન દર્શન-પ્રસાદ અને આશીર્વાદ આપતા, તો વળી સમાગમનું સુખ પણ આપતા. સદ્. મુનિસ્વામી તો જાણે બાપાશ્રી પોતાનું જીવન હોય તેમ બાપાશ્રીના સાંનિધ્યમાં રહેવાનો કોઈ પ્રસંગ ચૂકે જ નહિ અને ટાણે-ટાણે ટાણું ઓળખી બાપાશ્રીની અંગત સેવાનો પણ લાભ લઈ જ લે.
આમ કરતાં સંતો ૧૫ દિવસ રહ્યા અને ખૂબ સુખ માણ્યું. ત્યારે બાપાશ્રીએ સદ્. મુનિસ્વામીને કહ્યું, “સ્વામી, હવે તમે રામપુર થઈ નારણપુર જાવ અને સૌને સુખિયા કરો. અહીં બહુ રહ્યા હવે હરિભક્તો તમને સંભારે છે.” અને મુનિસ્વામી આદિ સંતોએ બાપાશ્રીની આજ્ઞાને માથે ચડાવી ને નારણપુર આવ્યા. ને વળી એક દિવસ સૌ સંતો પોતાની પૂજા નારણપુર રાખી વૃષપુર દર્શને આવ્યા ત્યારે બાપાશ્રી બહુ રાજી થયા અને ચરણરજની પ્રસાદી કરી આપી ને મુનિસ્વામી આદિ સંતોને બાથમાં ચાંપી મળ્યા અને આશીર્વાદ આપ્યા કે, “અમે સદાય તમારી ભેળા રહીશું.” પછી મુનિસ્વામી આદિ સંતો ચાલીને નારણપુર જતા હતા તે જાણે રસ્તામાં ખબર જ ન પડે કે, “ક્યાં પગ મૂકીએ છીએ ?” એટલો બધો આનંદ આનંદ થઈ ગયો.
વિ.સં. ૧૯૭૧માં વૃષપુરમાં બાપાશ્રીએ આરંભેલા યજ્ઞમાં મુનિ સ્વામીશ્રી તથા પુરાણી હરિપ્રસાદજી આદિ પાંચ સંતો ફરીથી પગપાળા અમદાવાદથી કચ્છમાં અગાઉથી બાપાશ્રીનાં દર્શન-સમાગમ માટે ગયા હતા ને બાપાશ્રીને દર્શન-સેવા-સમાગમથી પ્રસન્ન કર્યા હતા.
આમ, મુનિસ્વામી બાપાશ્રીને રાજી કરવા પગપાળા ચાલીને બે વખત કચ્છમાં ગયા હતા.