બાપાશ્રી સાથે પ્રથમ મેળાપ

સંવત ૧૯૫૫ (અષાઢી વર્ષ પ્રમાણે ૧૯૫૬)માં સ્વામી મોરલીમનોહરદાસજીને જયપુર જવાનો પ્રસંગ બનેલો. ત્યારે મુનિસ્વામી પણ ગુરુની સાથે જ હતા. જયપુરના ત્રિકમજીભાઈ ઝવેરી સારા સત્સંગી હતા. અને સંતો તેમને ત્યાં ઊતર્યા હતા.

આ દિવસોમાં જ્યારે મુનિસ્વામી બહાર ખેતરે નહાવા જાય ત્યારે એવો સંકલ્પ રહેતો કે, આપણે તો ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ કરવી અને એટલે પોતે નાહીને બપોરે બે વાગે ધ્યાનમાં બેસી જતા તે સાંજના પાંચ વાગ્યા સુધી ધ્યાન કરતા.

આ અરસામાં વૃષપુરનિવાસી બાપાશ્રી સંઘ લઈ છપૈયે જવા નીકળેલા અને અમદાવાદ પધાર્યા ત્યારે આચાર્યશ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજે બાપાશ્રીને જયપુરમાં સંતો હોવાથી એકાદ રાત રોકાવા અને સૌને લાભ આપવા પ્રાર્થના કરી અને જયપુર ખાતે ત્રિકમજીભાઈ પર તુરત તાર કરાવી બાપાશ્રીના પધારવાના સમાચાર પહોંચાડી સર્વે વ્યવસ્થા કરાવી દીધી.

કચ્છના પ્રસિદ્ધ એવા સ્વતંત્ર સમાધિનિષ્ઠ અબજીબાપાશ્રી પોતે પધારે છે એવા સમાચાર મળતાં સંતો પણ મોટાપુરુષ જાણી બાપાશ્રીને લેવા સ્ટેશને ગયા અને બાપાશ્રી પધારતાં દંડવત-દર્શન કરી સૌ આનંદ પામ્યા.

બાપાશ્રીના અલ્પ સમયના સહવાસમાં કોણ જાણે બાપાશ્રી પ્રત્યે મુનિસ્વામીને અનેરું આકર્ષણ થવા માંડ્યું. પ્રથમ દર્શને જ તૃપ્તિનો ઓડકાર આવ્યો અને દર્શન, સ્પર્શ, સેવાનો લાભ મળતાં અંતરમાં આનંદ છવાઈ ગયો. પૂર્વની પ્રીત પ્રગટ થઈ ગઈ અને મુનિસ્વામી દિવ્યાનંદમાં મહાલતા થઈ ગયા.

બાપાશ્રીના જયપુર ખાતેના રાત્રિ રોકાણમાં સદ્. મુનિસ્વામી કૃતાર્થતા અનુભવવા લાગ્યા અને એમાંય વળી, જ્યારે સદ્. મુનિસ્વામી આદિ સંતો દિવાળીના અન્નકૂટ વખતે છપૈયા ગયા ત્યારે ત્યાં સંતો-ભક્તોએ બાપાશ્રીના પ્રૌઢ પ્રતાપની વાતો કરતાં કહ્યું કે, “બાપાશ્રી જ્યારે અહીં પધાર્યા ત્યારે આકાશમાં તેજના ગોળા રૂપે અનંત અવતારો બાપાશ્રીનાં દર્શન કરવા આવ્યા હતા અને બાપાશ્રીના ચરણમાં એ બધા તેજના ગોળા ભૂસોભૂસ પડીને પાછા આકાશમાં જતા રહેતા હતા.” સાધુ શ્યામચરણદાસજી તથા બાળમુકુંદબાબુ, મથુરાપ્રસાદ, ભગવાનપ્રસાદ વગેરે ધર્મકુળના વિપ્રોએ આ વાત મુનિસ્વામીને કરી હતી.

બાપાશ્રીના મહિમાની સંતો-ભક્તોના મુખ થકી આ વાત સાંભળી મુનિસ્વામી તો ઘણા રાજી થયા અને હવે પોતાનું મન બાપાશ્રીનાં દર્શન-સમાગમ માટે અધીરું બન્યું. ત્યાં તો વળી, બાપાશ્રીની જોડ સમા સમર્થ સદ્‌. શ્રી વૃંદાવન દાસજી સ્વામીશ્રીનો પોતાને યોગ થયો. અને એક દિવસ સદ્. મુનિસ્વામીએ સદ્‌. વૃંદાવનદાસજી સ્વામીને કહ્યું, “દયાળુ ! અખંડ મૂર્તિ દેખાય અને મૂર્તિમાં જ જોડાયેલા રહેવાય એવો ઉપાય બતાવો.” ત્યારે સદ્‌ગુરુશ્રીએ સહજમાં મૂર્તિના સુખે સુખિયા થવાનો એકમાત્ર સરળ ઉપાય બતાવતાં મુનિસ્વામીને કહ્યું, “સ્વામી ! વર્તમાનકાળે આ સત્સંગમાં શ્રીજીમહારાજ બાપાશ્રી દ્વારે વિચરે છે. અને અનેકને બાપાશ્રી સહજમાં મૂર્તિ આપી સુખિયા કરી મૂકે છે. બેય દેશના મોટા મોટા સંતો પણ બાપાશ્રીનાં દર્શન-સમાગમ અને રાજીપા માટે આવે છે. માટે જો બાપાશ્રી રાજી થઈ જાય તો સહજમાં કામ થઈ જાય. માટે બાપાશ્રીને રાજી કરવાનો અને દર્શન-સમાગમનો ખપ રાખો તો બધું પાર પડી જાય.”

અને. સદ્‌ગુરુશ્રીનાં આ વચનો સાંભળી બાપાશ્રીનાં દર્શન-સમાગમની ઇચ્છા તીવ્ર બની.

સંવત ૧૯૫૭માં બાપાશ્રીનાં દર્શન-સમાગમનો સદ્. મુનિસ્વામીનો સંકલ્પ પૂરો થયો અને પોતાના ગુરુની સાથે સૌપ્રથમ વાર કચ્છમાં જવાનું થયું.

થોડા દિવસ ભૂજ રહી સૌ સંતો સાથે પોતે બળદિયા પહોંચી ગયા અને બાપાશ્રીનાં દર્શન થતાં દંડવત કરી મળ્યા અને બાપાશ્રીનાં દર્શન-સેવા-સમાગમ માટે પ્રીતિ-અનુવૃત્તિથી જોડાઈ ગયા.

બાપાશ્રી પણ સંતોને પોતાના જાણી નિત્ય નવીન નવીન વાતો કરતા અને દર્શન-સેવા-સમાગમનું સુખ આપતા. વળી બાપાશ્રી સૌની પર રાજીપો જણાવી ક્યારેક મળે, હાર પહેરાવે, ચંદન ચર્ચે, સેવા અંગીકાર કરે, પ્રશ્નો પૂછે, ઉત્તર કરે; તો વળી રમૂજ કરે, હસે-હસાવે અને સૌને સુખ પમાડે. અને આવા દિવ્ય જ્ઞાનસાગરમાં મુનિસ્વામીશ્રી નહાવા લાગ્યા.

આમ, થોડા દિવસના સાંનિધ્યમાં બાપાશ્રીની સાથે આગવી પ્રીતિથી પોતે જોડાઈ ગયા. જાણે પોતાને જીવન મળી ગયું.

થોડા દિવસના કચ્છના રોકાણ બાદ સૌ સંતો સાથે મુનિ સ્વામીશ્રી અમદાવાદ આવવા પાછા ફર્યા અને હળવદ રોકાયા હતા. ત્યારે બાપાશ્રીએ આપેલાં દર્શન-સમાગમના સુખનો જ આલોચ અને એનું જ મનન-ચિંતવન, અહોભાવ વર્ત્યા કરે. અને એ જ દિવસે રાત્રે પોતે પોઢ્યા ત્યારે સ્વપ્નમાં શ્રીજીમહારાજે તેજ તેજના અંબારમાં  દિવ્ય દર્શન દેવા માંડ્યાં. દિવ્ય સ્વરૂપ સુખના ધામ મનોહર મૂર્તિ મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણની સાથે બાપાશ્રીનાં પણ દર્શન થયાં અને એ દિવ્ય સ્વરૂપોમાં ગરકાવ થઈ ગયા; ત્યાં તો બાપાશ્રી શ્રીજીમહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા અને રહ્યા એકમાત્ર મહારાજ.

પ્રાતઃ થયું અને રાત્રિનાં દિવ્ય દર્શનનો અહોભાવ બાપાશ્રી પ્રત્યે આત્મબુદ્ધિ તરફ ખેંચી ગયો અને બાપાશ્રી પ્રત્યે  દિવ્યભાવ અને આત્મબુદ્ધિનો દૃઢાવ થઈ ગયો. (નોંધ :- મહારાજ અને મુક્ત જ્યારે આ લોકમાં પધારે ત્યારે ધારણ કરેલું નરનાટક જગતના જીવ જેવું જ હોય. માટે અવરભાવમાં એવું કહેવાય, બોલાય, લખાય કે દિવ્યભાવ-આત્મબુદ્ધિનો દૃઢાવ થયો. પણ એ તો દિવ્યભાવ અને આત્મબુદ્ધિનું સાક્ષાત્‌ સ્વરૂપ છે. એમને કાંઈ દૃઢાવ કરવાની જરૂર નથી. એ તો અનંતને આ વાતનો દૃઢાવ કરાવવા પધાર્યા હતા.)