બાપાશ્રીના મંદવાડ દરમ્યાન સેવામાં

પુષ્પ ૧

વિ.સં. ૧૯૭૪માં બાપાશ્રીએ બહુ મોટો મંદવાડ ગ્રહણ કર્યો હતો. પોતે આ લોકમાંથી સંપૂર્ણ ઉદાસ થઈ ગયા હતા. તે વખતે બ્રહ્મચારી નિર્ગુણાનંદજી અને મુનિસ્વામી આદિ સંતો તથા બાપાશ્રીના પુત્ર કાનજીભાઈ, મનજીભાઈ આદિ સર્વે દિલગીર થઈ ગયા ને નેત્રમાંથી આંસુ પડવા લાગ્યાં. ધીરજ રહી નહિ કારણ કે બાપા તો સૌના જીવનપ્રાણ છે. મહારાજ અને મુક્ત તો જીવનું જીવન છે. દેહને ચલાવવા જેમ શ્વાસની જરૂર છે એમ જીવાત્માને આ લોક-પરલોકમાં સદાય સુખી રહેવા માટે, પ્રભુને ગમે એવા દિવ્ય પાત્ર થવા માટે, મહારાજ અને મોટાપુરુષને જીવન બનાવવા જરૂરી છે.

બાપાશ્રીના આ મંદવાડના કારણે સૌ ઉદાસ થઈ ગયા હતા. કોણ જાણે બાપાશ્રીની શું મરજી છે ? બાપાશ્રી લીલા સંકેલી તો નહિ લે ને ? સૌ મહારાજ-બાપાને સ્તુતિ-પ્રાર્થના કર્યા કરે. ઠાકરોજીને થાળ પણ સરખા ન થાય. ગળે કોળિયો કોઈનેય ન ઊતરે.

આ સમયે સદ્‌. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી અને સદ્‌. શ્રી વૃંદાવનદાસજી સ્વામી સૌને ધીરજ આપતા-હિંમત આપતા.આ મંદવાડ દરમ્યાન બાપાશ્રીએ એક અલૌકિક ચરિત્ર કર્યું.

બાપાશ્રી પોતાના ઘેર માંદગીના બિછાને ખાટલા પર પોઢ્યા હતા ને લગભગ રાત્રિના બાર વાગ્યા હતા ત્યારે અચાનક પોતે ખાટલામાં બેઠા થઈ ગયા અને સેવકોને કહેવા લાગ્યા, “જાવ, મંદિરમાં જઈ સદ્‌ગુરુ આદિ સંતો, બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા મુનિસ્વામીને લઈ આવો. આ બ્રહ્મચારી અને પુરાણી (મુનિ સ્વામીશ્રી)એ અમને આજે સાજા કરી દીધા.”

પછી થોડી વારે મોતીભાઈ મંદિરમાં જઈ સર્વે સંતોને લઈ આવ્યા. અને સદ્‌ગુરુ આદિ સંતો દંડવત-દર્શન કરી પાસે બેઠા ત્યારે બાપાશ્રી સદ્‌ગુરુ આદિ સંતો-હરિભક્તો પ્રત્યે કહેવા લાગ્યા જે, “અમને આ બ્રહ્મચારી તથા પુરાણીએ ન્યાલ કર્યા તે શું તો, અમને આજ સ્વપ્નમાં એમ જણાયું જે, અમે બહિર્ભૂમિ જવા બેઠા. તે સમે બ્રહ્મચારી નિર્ગુણાનંદજી, પુરાણી  મુનિસ્વામી ને ઘેલાભાઈ એ ત્રણ અમારી પાસે આવીને ઊભા રહ્યા. ત્યારે અમે કહ્યું કે, “તમે અહીં કેમ આવ્યા છો ?” ત્યારે તેઓએ કહ્યું કે, “આપનો મંદવાડ લેવા આવ્યા છીએ.” પછી તેમણે અમને દેહક્રિયા કરાવી અને બહુ સારી રીતે નવરાવવા લાગ્યા તે સર્વે અંગ ચોળી ઘણુંક પાણી રેડીને અમને નવરાવ્યા અને રોગ લઈ સાજા કરી દીધા. હવે અમને જણાય છે કે સારું થઈ ગયું. અમારો મંદવાડ જતો રહ્યો. માટે આ બ્રહ્મચારી અને મુનિએ અમને ન્યાલ કર્યા.”

આ મંદવાડમાંથી સાજા થયા પછી બાપાશ્રીએ વૃષપુરમાં કથા કરાવી હતી. તે કથા પ્રસંગે કોઈક દિવસ બાપાશ્રી મંદિરના ચોકમાં જામફળી નીચે ઢોલિયામાં બેઠા હતા. અને ધનજી પટેલ પાસે કંકોત્રીઓ લખાવતા હતા.

બાપાશ્રી પાસે ભૂરાભાઈ, નાગજીભાઈ આદિ હરિભક્તો બેઠા હતા. તે સમે મુનિ સ્વામીશ્રીએ કથાની સમાપ્તિ કરી અને બાપાશ્રી પાસે આવી માથું નમાવી દર્શન કર્યાં ને કહ્યું, “બાપા ! આજે ગ્રંથ પૂરો વંચાઈ રહ્યો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ બિચારાનો વાંચી વાંચીને કંઠ બેસી ગયો માટે શું આપશું ?” ત્યારે પાટડીના નાગજીભાઈએ કહ્યું, “બાપા ! મૂર્તિ આપો.” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિ તો આપી જ છે. પણ આજે તો પૂરું કરી દઈએ.” એમ કરીને મુનિસ્વામીના મસ્તક પર પોતાના બેય હસ્તકમળને દબાવીને કહ્યું કે, “જાઓ આજથી તમારું પૂરું, પૂરું, પૂરું ને પૂરું” - એમ ચાર વાર બાપાશ્રીએ રાજી થઈ અનહદ આશીર્વાદની વર્ષા કરી.

 

પુષ્પ ૨

સં. ૧૯૭૪માં બાપાશ્રીએ ગ્રહણ કરેલા મંદવાડ પછી જ્યારે પોતે સાજા થયા અને મંદવાડને રજા આપી, ત્યારપછી તે વર્ષે ગામોગામ રોગચાળો થઈ ગયો હતો.

વૃષપુર ગામના કેટલાક લોકો રોગચાળાના કારણે પોતાનાં ઘર છોડી વાડીમાં રહેવા જતા રહ્યા હતા. બાપાશ્રી પણ આ દિવસોમાં સૌની સાથે પોતાની જે જાંબુડાવાડી તેમાં રહેવા લાગ્યા. ગામના સૌ હરિભક્તો પણ દર્શન-સમાગમ માટે વાડીએ આવે અને બાપાશ્રી પણ સૌને પોતાના જાણી લાભ આપે.

એક વખત મુનિ સ્વામીશ્રી ભૂજથી બાપાશ્રીનાં દર્શન કરવા સાંજે આવ્યા પણ મંદિરમાં તો કોઈ હતું જ નહીં. ત્યારે હીરજી નાનજી કરીને એક હરિભક્ત હતા. તેમણે કહ્યું કે, “બાપાશ્રી તો વાડીએ રહેવા ગયા છે તે ચાલો હું આપની સાથે આવું.”

સ્વામીશ્રી વાડીએ પધાર્યા ત્યારે બાપાશ્રી તો ઢોલિયે પોઢ્યા હતા ને આગળ વાંસડા બંધાવ્યા હતા. પછી મુનિ સ્વામીશ્રીએ બહારથી દંડવત કર્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બીજા અંદર આવે તો મને ધ્યાનનું સુખ ન આવે પણ પુરાણી તમે તો અંદર આવો ને દર્શન કરો.”

પછી તો સ્વામીશ્રી અંદર ગયા, દંડવત-દર્શન કરી સાદડી પર બેઠા અને બાપાશ્રીએ પણ મુનિસ્વામીને ઘણીક વાતો કરી સુખ આપ્યું.

મુનિસ્વામીનો બાપાશ્રી સાથે એવો આગવો નાતો હતો કે, “બાપાશ્રી પોતે ગમે તેટલા વ્યસ્ત હોય, એકાંતમાં હોય કે કોઈ પદાર્થ લેવા-દેવાની અરુચિ હોય, પરંતુ મુનિસ્વામી માટે આમાંનો કોઈ કાયદો લાગુ ન પડે. બાપાશ્રી રાજી થકા બોલે-ચાલે-દર્શન આપે અને સેવાને અંગીકાર પણ કરે.”