બાપાશ્રીની કૃપાવર્ષા

વિ.સં. ૧૯૬૭ની સાલમાં ભૂજ મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ આદિ દેવ પધરાવ્યા ત્યારે સદ્‌. શ્રી વૃંદાવનદાસજી સ્વામીશ્રીની સાથે મુનિસ્વામીને કચ્છમાં જવાનો પ્રસંગ બન્યો.

મૂર્તિપ્રતિષ્ઠાનો સમૈયો પૂરો કરી મુનિસ્વામી સૌ સાથે વૃષપુર આવ્યા અને ફરી દર્શન-સેવા-સમાગમનો યોગ થતાં જાણે દિવ્યાનંદની હેલી શરૂ થઈ.

બાપાશ્રીનો અલૌકિક પ્રૌઢ પ્રતાપ અને અનંત કલ્યાણકારી ગુણોનાં સહેજે દર્શન થતાં મુનિ સ્વામીશ્રીએ નિશ્ચય કર્યો કે બાપાશ્રી તો શ્રીજીમહારાજના સંકલ્પમૂર્તિ છે અને મૂર્તિસુખના દાતા છે. બાપાશ્રીની પૂર્ણ કૃપા ઊતરે તો જ સુખિયા થવાય.

એક દિવસ બાપાશ્રી પ્રસન્ન થકા બિરાજમાન હતા અને સૌને અમૃતવાણીનો લાભ આપતા હતા ત્યારે કથાવાર્તાની પૂર્ણાહુતિ થઈ અને મુનિસ્વામી આદિ સંતોએ બાપાશ્રીને પ્રાર્થના કરી કે, “બાપા ! આપ સદાય અમારી ભેળા રહેજો, મહારાજની આજ્ઞામાં અખંડ વર્તાય અને મૂર્તિ અખંડ દેખાય એવી દયા કરજો.” ત્યારે બાપાશ્રીએ રાજી થઈ મુનિસ્વામી આદિ સંતોને આશીર્વાદ આપ્યા.

સર્વે સંતો દંડવત-દર્શન કરી ભૂજ ગયા અને મુનિસ્વામી તો બાપાશ્રીના આશીર્વાદથી ધ્યાન કરવા લાગ્યા અને બાપાશ્રીની પૂર્ણ કૃપા ઊતરી. શ્રીજીમહારાજની મૂર્તિમાં ચિત્તનો નિરોધ થવા લાગ્યો. તેજ તેજના અંબારમાં મહારાજનાં દર્શન થવા લાગ્યાં. પોતે તો મૂર્તિમાં જ છે અને સંકલ્પે મહારાજ દેખાય છે. મહારાજ જ છે. એવું દિવ્ય-અલૌકિક સુખ આવવા માંડ્યું અને ધ્યાનમાં કેટલો સમય વીતી જાય તેની ખબર જ ન રહે. કલાકો વીતી જાય. રાત્રે જુઓ ત્યારે પણ પોતે ધ્યાનમાં જ હોય અને દિવસે જુઓ તો સર્વે ક્રિયામાં જણાઈ આવે કે જાણે પોતે અખંડ મૂર્તિમાં નિમગ્ન જ છે. અને આ રીતે બાપાશ્રીએ મુનિસ્વામીને અખંડ સુખિયા કરી દીધા.