સ્વામીશ્રીને ધ્યાનનો આગ્રહ ખૂબ હતો. પોતાનું જીવન ખૂબ જ પાછી વૃત્તિવાળું અને ભગવાનમય હતું.
મૂર્તિને ભૂલી કોઈ ક્રિયા કરવી નહીં. ક્રિયારૂપ ન થવું પરંતુ મૂર્તિરૂપ થઈ અખંડ મૂર્તિમાં રહેવાય એ જ ખરું કરવાનું છે. આ વાતને લક્ષમાં રાખી સ્વામીશ્રી વિચરતા અને જોગમાં આવનારને પણ અનુભવ થાય કે, “આ તો મૂર્તિરૂપ છે. મહારાજ જ કાર્ય કરે છે.”
સ્વામીશ્રીનો ધ્યાનનો આગ્રહ એટલો બધો કે રાત્રે બધાની સાથે પોઢી જાય. પરંતુ થોડીક વાર થાય ત્યાં તો પોતે જાગી જાય એટલે નેત્ર બંધ કરી સ્વસ્તિક આસન વાળી ધ્યાનમાં બેસી જાય. એવા ઊંડા ઊતરી જાય કે સ્થળ, કાળ અને દેહનું પણ ભાન ન રહે. અડધી રાત્રે કોઈ સેવક ઊઠે તો સ્વામીશ્રીનાં કાયમ ધ્યાનસ્થ સ્થિતિમાં જ દર્શન થાય.
જ્યારે બાપાશ્રી પોઢ્યા હોય કે પૂજા કરતા હોય ત્યારે પોતે તો બહુધા ધ્યાનમાં જ બેસી જતા. એક વખત રાત્રે બાપાશ્રીની બાજુમાં સ્વામીશ્રી ધ્યાન કરતા બેઠા હતા અને અંધારું હતું. એવામાં બાપાશ્રી જાગ્યા અને લઘુ કરવા ઊઠ્યા. તે ચાલતાં અંધારામાં ખ્યાલ ન રહ્યો અને બાપાશ્રીનો ચરણ મુનિસ્વામીને વાગ્યો (એટલે કે બાપાશ્રીને ઠેબું આવ્યું) ત્યારે બાપાશ્રીએ કહ્યું, “કોણ છે ?” તો મુનિસ્વામીએ કહ્યું, “બાપા ! આ તો હું, પુરાણી.”
બાપાશ્રીએ કહ્યું, “અહોહો.. પુરાણી ! બચ્ચા ! હજી જાગો છો ? ધ્યાન કરો છો કે શું ? પોઢી જાવ, પોઢી જાવ.” એમ કહી બાપાશ્રી ઉઘાડા શરીરે મળ્યા ને કહ્યું જે, “તમારો આગ્રહ તો આગળના સંતો જેવો છે.”
ધ્યાને કરીને મૂર્તિમાં જોડાવું અને મૂર્તિમાં રહી મૂર્તિમાં મહાલવું એવી અલૌકિક સ્થિતિ અને મૌન રહેનારા-ઓછાબોલા આ સ્વામીશ્રીને બાપાશ્રી ‘મુનિ’ કહી બોલાવતા.
એક દિવસ બાપાશ્રીએ પુરાણીને પૂછ્યું, “મુનિ એટલે શું ?” ત્યારે તેનો ઉત્તર કરતાં બાપાશ્રી પોતે બોલ્યા જે,
“કૃપાળુ બોલ્યા હેતમાં વાણી, મૂનિ નામની શું છે એંધાણી.
એમ કરીને પોતે જ બોલ્યા, નેત્ર મીંચીને ધ્યાનમાં ડોલ્યા.
પછી બોલ્યા દયા અતિ લાવી, મુનિસ્વામીને પાસે બોલાવી.
મૂરતિમાં રહો તેથી મુનિ, તમારી સ્થિતિ જાણજો જૂની.
મુનિસ્વામી મુન્ય સદા રહો, પણ વાતો અલૌકિક કહો.”
બસ, ત્યારથી સત્સંગમાં સ્વામીશ્રી મુનિસ્વામી તરીકે ઓળખાયા.