પુષ્પ ૧
મુનિસ્વામી વૃષપુરમાં બિરાજતા હતા ત્યારનો પ્રસંગ છે. સ્વામીશ્રીને એક વખત તાવ બહુ આવ્યો. તાવના કારણે અશક્તિ આવી અને શરીર પણ કૃષ થઈ ગયેલું. તાવ પણ ઊતરે નહીં. ત્યારે મુનિસ્વામી બાપાશ્રીને કહેવા લાગ્યા જે, “બાપા ! દયાળુ ! દયા કરી હવે આ સેવકને મહારાજની મૂર્તિના સુખમાં મૂકી દો. આ લોકમાં રહેવાની ઇચ્છા નથી.”
ત્યારે બાપાશ્રીએ કહ્યું, “દાસના દુશ્મન, હરિ કદી હોય નહીં.” મહારાજ જે કરતા હશે તે ઠીક જ કરતા હશે. માટે આપણે તો બીજો કાંઈ સંકલ્પ કરવો નહિ અને મહારાજ તથા મોટાની જેમ મરજી હોય તેમ સદાય રાજી રહેવું.”
એમ કહી બાપાશ્રીએ પોતાના કંઠમાં ધારણ કરેલો હાર હતો તે ઉતારી મુનિ સ્વામીશ્રીને પહેરાવ્યો ને માથે હાથ મૂકી બોલ્યા જે, “આપણે તો મહારાજને ઘડીએ મૂકવા નહીં.” અને તાવ ઊતરી ગયો.