બાપાશ્રીની અંતર્ધાન લીલા

પુષ્પ ૧

વિ.સં. ૧૯૮૪ની સાલ ચાલતી હતી. વિ.સં. ૧૯૭૪ના મંદવાડમાં બાપાશ્રીએ અંતર્ધાન થવાનો સંકલ્પ કર્યો હતો; જાણે કે મહારાજનો સંકલ્પ હવે પૂરો થતો હોય ને શું ? બધા ભેગા થઈ ગયા હતા અને સૌ વિચારતા કે બાપાશ્રીનો આ મંદવાડ છેલ્લો છે. હવે બાપાશ્રી દર્શન નહિ આપે. કારણ કે બાપાશ્રીએ પોતાની મિલકતનું વીલ કરી નાખ્યું અને પોતાની પાછળ શું શું કરવું તેની પણ સૂચનાઓ આપી દીધી હતી.

પરંતુ અગાઉના પ્રકરણમાં જોયા મુજબ બ્રહ્મચારી નિર્ગુણાનંદજી અને મુનિ સ્વામીશ્રીએ બાપાનો મંદવાડ લીધો અને સાથે સાથે સમર્થ સદ્ગુરુઓની પ્રાર્થના અને આગવી પ્રીતિ કે બાપાશ્રી અંતર્ધાન ન થઈ શક્યા.

હવે બાપાશ્રી જાણે પોતાને અંતર્ધાન થવાનું છે તેવી વાતો મર્મમાં કરવા લાગ્યા. ને કેટલાકને કહેવા લાગ્યા હતા.

સં. ૧૯૮૪ના જેઠ સુદ ૨ના દિવસે ભૂજ મંદિરમાં સત્સંગી જીવનની કથા બેઠી હતી. તેમાં બાપાશ્રી છેલ્લી વાર પધાર્યા હતા.

ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રી મંદિરમાં આસને આવી બિરાજ્યા અને તે સમે મુનિસ્વામી, સ્વામી ભક્તિપ્રિયદાસજી (ભૂજના મહંત) આદિ કેટલાક સંતો-હરિભક્તો પાસે બેઠા હતા ત્યારે બાપાશ્રીએ મુનિસ્વામીને કેટલીક રહસ્યની ખાનગી ભલામણ કરી અને સ્વામી ભક્તિપ્રિયદાસજીને કહ્યું, “તમે હવે સત્સંગ સાચવજો.” મુનિસ્વામીશ્રીને આ સાંભળી નવાઈ લાગી કે બાપાશ્રી આજ આમ કેમ બોલે છે ? ત્યાં તો વળી બાપાશ્રી અગમની એંધાણી આપતાં બોલ્યા, “અમે તો હવે માત્ર ૨૦-૨૫ દિવસના મહેમાન છીએ. અમારે હવે એક આંગડી ઉપર બીજી આંગડી નહિ ફાટે.”

આ સાંભળી સૌની આંખો ભરાઈ આવી. કોણ જાણે બાપાશ્રીનો શું સંકલ્પ હશે ? બાપાશ્રી અંતર્ધાન તો નહિ થાય ને ? બાપાશ્રીના મુખે આ શબ્દો સાંભળી મુનિસ્વામીને તો બાપાશ્રીને છોડી ક્યાંય જવાનું મન જ થતું નહોતું. બસ, “આ બાપો હોય ક્યાંથી ? જેટલી મળે એટલી સેવા કરી લેવી છે.”

ભૂજથી મુનિસ્વામી તથા શ્રીરંગદાસજી બાપાશ્રીની સાથે જ સેવામાં જોડાઈ ગયા. ત્યાંથી બાપાશ્રી વાડીએ પધાર્યા અને ત્યાં બાપાશ્રીને જળપાન કરાવ્યું. આ દિવસોમાં મુનિસ્વામી બાપાશ્રીને કેરી સુધારી જમાડતા, વાયરો નાખતા, પાણી છંટાવતા. (કે જેથી બાપાશ્રીને ઠંડી હવા આવે.)          

આ વખતે બાપાશ્રી ઘણુંખરું વાડીએ પોઢતા. પુરાણી મુનિસ્વામી આદિ સંતો બાપાશ્રીની સેવામાં ખડે પગે તૈયાર રહેતા. જોડે ને જોડે જ હોય.

મુનિસ્વામી બાપાશ્રીના ચરણ દાબે તો વળી રાત્રે કથાવાર્તા કરી બાપાશ્રીની પાસે જ સૂઈ જતા અને રોજ સવારે વહેલા ઊઠી બાપાશ્રીને નવરાવે અને છત્રીના ઓટે બેસી પૂજા કરાવે, એવી ખૂબ ખૂબ સેવા કરતા.

પુષ્પ ૨

વળી આ જ વર્ષમાં (સં. ૧૯૮૪) જેઠ વદ ૮ના રોજ કચ્છના માધાપર ગામે  કથાની સમાપ્તિ હતી.

કથાની પૂર્ણાહુતિ પ્રસંગે બાપાશ્રી પધાર્યા હતા. પછી જ્યારે કથાની સમાપ્તિ થઈ એટલે પોતે વૃષપુર જવા તૈયાર થયા. ત્યારે પુરાણી મુનિસ્વામીને પાસે બોલવીને કહ્યું જે, “પુરાણી બચ્ચા ! હવે અમને છેલ્લી વાર પાણી પીવડાવો.” આવા શબ્દો સાંભળી સ્વામીશ્રી તો દુ:ખી દુ:ખી થઈ ગયા. હૈયું ભરાઈ આવ્યું. અંતરમાં ઉલ્કાપાત મચી ગયો. પણ, બાપાને જળ ધરાવવાનું હતું તેથી સંયમ રાખી પોતે ઉતાવળે શીતળ જળનો લોટો લઈ આવ્યા અને લોટી વતે બાપાશ્રીને જળ ધરાવ્યું.

બાપાશ્રી પણ પુરાણીના આ ભાવ અને સેવા જોઈ, પુરાણીના માથે હાથ મૂકી બોલ્યા જે, “પુરાણી ! હવે સદાય દિવ્યભાવે ભેળા ને ભેળા રહેજો.” મુનિસ્વામીના હાથથી બાપાશ્રીની આ છેલ્લી સેવા હતી.

પુષ્પ ૩

સં.૧૯૮૪ ને અષાઢ સુદ ૪નો દિવસ થયો. કોણ જાણે કેમ પણ આજ વહેલી પરોઢે મુનિસ્વામી જાગી ગયા. આજ કોણ જાણે શું થશે ? કેમ થશે ? મંદવાડમાં બાપાશ્રીની તબિયત કેમ હશે ? મંદવાડ વધી તો નહિ ગયો હોય ને ? બાપાશ્રીએ પોતાને પૂર્વે આપેલી એંધાણી સાચી તો નહિ પડે ને ?

બાપાશ્રી જાણે મુનિસ્વામીને ખેંચી રહ્યા હોય તેમ પરોઢથી જ બાપાશ્રીના આ વિચારોમાં હૈયું વ્યથિત થઈ ગયું. આશાનાં કિરણો ડૂબતાં દેખાવા લાગ્યાં. વહેલી પરોઢે (વગર ઊગ્યે) સૂરજ જાણે ક્ષિતિજે ડૂબી રહ્યો હોય તેવું દેખાવા લાગ્યું. અને બાપાશ્રીનાં દર્શન માટે હૈયું અધીરું બન્યું, તલપાપડ થયું.

મુનિસ્વામીએ સાથી સંત શ્રીરંગદાસજી, ભૂજના મહંત સ્વામી ભક્તિપ્રિયદાસજી અને અન્ય હરિભક્તોને પોતાના અંતરમાં ઘોળાતી વાત કરી અને કહ્યું, “બાપાશ્રીનો આ મંદવાડ છેલ્લો હોય તેમ લાગે છે. બાપાશ્રી કોણે જાણે હવે દર્શનદાન આપશે કે કેમ ? આપણે સૌએ વૃષપુર પહોંચવું જરૂરી છે. નહિતર આ લાભ ફરી નહિ મળે. મોડું કરવા જેવું નથી.”

આ રીતે મુનિસ્વામીએ સૌને તૈયાર કર્યા અને ભૂજથી વૃષપુર આવવા નીકળ્યા. સવારે આઠ વાગતાં તો સૌ વૃષપુર આવી પહોંચ્યા.

બાપાશ્રીનો ખાટલો ઘેર હતો તેથી ઘેર જઈ બાપાશ્રીને દંડવત કર્યા અને ઢોલિયા આગળ જ સૌ બેસી ગયા.

સંતો-હરિભક્તો ધૂન-કીર્તન કરતા હતા. થોડી વાર મુનિસ્વામીએ કથાવાર્તા કરી. પણ બાપાશ્રીનો મંદવાડ જોઈ સૌ ઉદાસ થઈ ગયા હતા. ઘરમાં સૌનાં મુખ પર ઉદાસીનતા અને ગમગીની દેખાતી હતી. કોઈ કોઈની સાથે વાત કરવા પણ તૈયાર નહીં. બપોરના ૧૨ વાગ્યા સુધી સંતો ઘેર બેઠા પછી મુનિસ્વામી તથા શ્રીરંગદાસજી તો “હવે બાપાશ્રીને છોડી ક્યાંય જવું જ નથી. આ છેલ્લો લાભ છે.” એવું સમજી રોકાઈ ગયા અને બાકી સંતોને તો ભૂજ જવું જરૂરી હતું તેથી ભૂજ ગયા. અને મુનિસ્વામી મંદિરમાં આવ્યા.

સાંજે ચાર વાગતાં તો વળી ભૂજથી હેત-મહિમા-રુચિવાળા સંતો બાપાશ્રીના છેલ્લા દર્શનનો લાભ લેવા વૃષપુર આવી પહોંચ્યા. મુનિસ્વામી તથા ભૂજથી આવેલા સૌ સંતો ફરી બાપાશ્રીના ઘેર ગયા અને દર્શન કરી સૌ બેઠા. પણ બાપાશ્રીનો મંદવાડ અને દેહની ક્રિયા જોઈ થયું, “બાપાશ્રી હવે સદ્‌ગુરુઓને ભેગા થવા રહેશે નહીં.” આમ વિચાર આવતાં હૈયું રડવા લાગ્યું. ગળે ડૂમો ભરાઈ આવ્યો અને કાંઈ બોલી ન શકાય. છેવટે મુનિસ્વામી આદિ સંતોએ બાપાશ્રીની ચંદન-પુષ્પથી પૂજા કરી આરતી કરી અને સૌ સાથે મંદિરમાં આવ્યા.

જાણે પોતાનું જીવન આજે પોતાનાથી દૂર જઈ રહ્યું હોય તેવું મુનિસ્વામીને લાગતું હતું અને એમ કરતાં રાત્રિના ૧૧ વાગ્યા. મુનિસ્વામી ફરી બાપાશ્રીનાં દર્શને ઘેર આવ્યા. અને બાપાશ્રી જાણે અંતર્ધાન થવાની તૈયારી કરતા હોય તેવું લાગ્યું. સૌ સંતો-હરિભક્તો ધૂન-કીર્તન કરી રહ્યા હતા. કોઈ માળા ફેરવે, કોઈ પ્રાર્થના કરે, કોઈ બાપાશ્રીનાં દર્શન કરતાં બેઠા હતા. જાણે હમણાં બાપા બોલશે. હમણાં કાંઈક કહેશે.

પણ, બાપાશ્રી જાણે આજે દૃઢ સંકલ્પ કરીને પોઢ્યા હોય એવું લાગતું હતું. મુનિસ્વામીએ છેલ્લી વાર બાપાશ્રીની ચંદન-પુષ્પહારથી પૂજા કરી આરતી કરી. મંદિરમાં આવ્યા. અને શ્રીજીમહારાજે પોતાનો સવાસો વર્ષનો સંકલ્પ બાપાશ્રી દ્વારા વિ.સં. ૧૯૮૪ના અષાઢ સુદ ૪ના રોજ રાત્રે ૨:૩૦ કલાકે ગુરુવારે પૂર્ણ કર્યો. સ્વતંત્રપણે બાપાશ્રીએ દેહોત્સવ કર્યો.

માછલીને જળ એ જીવન છે. જળ વગર માછલી રહી શકે જ નહીં. જો માછલીને જળથી જુદી કરવામાં આવે તો તરફડિયાં મારવા લાગે. તેમ બાપાશ્રીના વિરહમાં સૌ સંતો-ભક્તોની આ દશા થઈ ગઈ. અને સૌની આંખોમાં શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યો. ઉચ્ચ સ્વરે ધૂન બોલવા લાગ્યા તો કોઈ વળી વિરહનાં પદ બોલી રહ્યાં હતાં. તો વળી બાપાશ્રીના ચરણોમાં બેસી હૈયાફાટ રુદન કરતાં હતાં. કારણ કે, શ્રીજીમહારાજે સર્વોપરી ઉપાસનાના અને અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તનનું એક મહામોટું અલૌકિક સદાવ્રત બંધ કર્યું હતું.

આ સંજોગોમાં સદ્‌. મુનિસ્વામીને રાત્રિના ૧૨થી વહેલી પરોઢના ૫ વાગ્યા સુધી ઉપશમ થઈ ગયું. અને ઉપશમમાં તેજ તેજના અંબારમાં દિવ્ય સ્વરૂપે બાપાશ્રીનાં દર્શન થવા લાગ્યાં. બાપાશ્રીના ભેળા અનંત દિવ્ય મુક્તોનાં પણ દર્શન થવા માંડ્યાં. અને પોતે પણ જાણે મૂર્તિમાં લીન થઈ ગયા છે એવો અનુભવ થવા લાગ્યો.

અષાઢ સુદ ૫ના રોજ સવારે આઠ વાગ્યે બાપાશ્રીને પાલખીમાં પધરાવ્યા અને પાલખી ગામમાં ફેરવી. ધામધૂમપૂર્વક દિવસના ૧૨ વાગ્યે છત્રીએ આવ્યા.

આ પ્રસંગે ઘણાબધા મનુષ્યો ગામોગામથી આવ્યા હતા. પછી મુનિસ્વામી તથા શ્રીરંગદાસજી તેમજ બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિએ સાથે મળી કાળી તલાવડીએ છત્રી સ્થાને બે વાગે અગ્નિ સંસ્કારવિધિ ર્ક્યો.

બાપાશ્રી અંતર્ધાન થયાના ખબર મળતાં ગામોગામથી નાના-મોટા સૌ હરિભક્તો ખરખરો કરવા આવવા લાગ્યા અને બાપાશ્રીના મનુષ્ય રૂપે દર્શન ન થતાં નેત્ર સજળ થઈ જતાં. સદ્‌. મુનિસ્વામી પણ પોતાના હૈયે બાપાશ્રીના વિરહનું અત્યંત દુઃખ હોવા છતાં સૌને સમજાવતા. બળ આપતા કે, “ભગવાન અને સત્પુરુષની ક્રિયા તો નટના જેવી છે. નટ તો આવ્યો નહોતો અને ગયો પણ નહોતો, કપાયો પણ નહોતો અને બળ્યો પણ નહોતો.એ તો જ્યાં હતો તેમ જ હતો. એ તો નટની વિદ્યા જે જાણતા ન હોય તેને એવા ભાવ દેખાય છે.

એમ, મહારાજ અને મુક્તનું આ બ્રહ્માંડમાં નટનાટક છે. મહારાજ અને મુક્ત તો જતાય નથી અને આવતાય નથી. એ તો જ્યાં છે ત્યાં છે અને જેમ છે તેમ જ છે. એ તો આપણા માટે અવરભાવવાળાને આવ્યા અને ગયા એવું લાગે પણ એ તો દેખાવામાત્ર છે. મહારાજ અને મુક્ત તો અક્ષરધામમાં રહ્યા થકા મનુષ્યભાવ દેખાડે છે અને પોતાના સંકલ્પે કરીને જીવોને પોતાના જેવા કરવા મનુષ્યભાવે દર્શન આપે છે.

મહારાજ અને મુક્ત તો સદાય છે, છે ને છે જ. જેમ મહારાજ સદાય પ્રતિમા સ્વરૂપે પ્રગટ અને પ્રત્યક્ષ છે તેમ મુક્ત પણ સદાયને માટે પ્રતિમા સ્વરૂપે પ્રગટ અને પ્રત્યક્ષ જ છે. બાપાશ્રી ગયા નથી, એ તો સત્સંગમાં સદાય છે, છે ને છે જ. બાપાશ્રીએ અત્યાર સુધી મનુષ્ય રૂપે દર્શન-સેવા-સમાગમથી સુખ આપ્યું પણ હવે મહારાજની મરજી આવી હશે એટલે પોતે પ્રતિમા સ્વરૂપે બિરાજ્યા. જે બાપાશ્રીને ગયેલા જાણે એ તો નાસ્તિક કહેવાય. આપણે તો એ પંક્તિમાં નથી.

બાપાશ્રીએ આજ સુધી આપણને શ્રીજીમહારાજના સર્વોપરીપણાનું જે જ્ઞાન આપ્યું, સિદ્ધાંત આપ્યો, અનાદિમુક્તની સ્થિતિએ વર્તવાની લટક આપી; તે પ્રમાણે આપણે વર્ત્યા કરવું અને બાપાશ્રીની રુચિ શું છે ? રાજીપો શામાં છે ? તે વિચાર્યા કરવું. તો બાપાશ્રી સદાય આપણી ભેળા જ છે. આપણે બાપાશ્રીના દીકરા છીએ એ વાતનું બળ રાખવું.”

આવી રીતે મુનિ સ્વામીશ્રીએ સૌને હિંમત, આશ્વાસન આપ્યાં અને સદ્‌. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી તથા સદ્‌. શ્રી વૃંદાવનદાસજી સ્વામી આદિ સદ્‌ગુરુઓ આવી પહોંચ્યા એટલે બાપાશ્રીની ઉત્તરક્રિયા નિમિત્તે મોટો યજ્ઞ કર્યો ને અમદાવાદમાં સાત દિવસની મોટી પારાયણ પણ કરાવી હતી.