સદ્. મુનિસ્વામીની અંતર્ધાન લીલા

મહારાજ અને મુક્ત તો સદાય છે, છે ને છે જ, જગતના જીવની પેઠે મહારાજ અને મુક્તને જવું-આવવું નથી.

મહારાજ અને મુક્તની આ લીલા તો નટની જેમ છે. કારણ કે મહારાજ અને મુક્તનું આ લોકમાં પ્રગટ થવું અને અંતર્ધાન થવું એ એક નાટક જ છે.

બાપાશ્રી સમકાલીન સર્વે સદ્‌ગુરુઓ એક પછી એક આ લોકમાંથી અદૃશ્ય થઈ ગયા હતા. સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તનના પોતાના અલૌકિક કાર્યની પૂર્ણ જવાબદારી જાણે કે બાપાશ્રીએ મુનિ સ્વામીશ્રીને સોંપી હોય તેમ બાપાશ્રી અને સદ્‌ગુરુઓના અંતર્ધાન બાદ મુનિ સ્વામીશ્રીએ બાપાશ્રીના હેતવાળા સમગ્ર સત્સંગ સમાજને સાચવ્યો અને સુખિયો કર્યો અને કારણ સત્સંગરૂપી બાગના ઉત્તમ માળી તરીકે દેહાંત પર્યંત પોતે સેવા કરતા જ રહ્યા કરતા જ રહ્યા.

મુનિ સ્વામીશ્રીની ૯૫ વર્ષની ઉંમર થઈ હતી. સ્વાભાવિક છે કે અવરભાવમાં અવસ્થાના ભાવ જણાય જ. સ્વામીશ્રી પણ જાણે અંતર્ધાન થવાની તૈયારી કરતા હોય તેમ જણાતું હતું. કયારેક મર્મમાં વચનો બોલતા હતા.

વિ.સં. ૨૦૩૦ના વૈશાખ વદ બીજી ૧૦નો એ દિવસ હતો. મુનિ સ્વામીશ્રી વૃષપુર બિરાજતા હતા. પારાયણનો પ્રથમ દિવસ હતો. પણ અગાઉથી મુનિ સ્વામીશ્રીએ આ પારાયણ અંગે અનુમતિ આપતાં કહ્યું હતું કે, “પારાયણ શરૂ કરો. બેય પારાયણ ભેગી થશે. પારાયણ બંધ ન રાખશો.” જાણે અગમવાણી ન ઉચ્ચારતા હોય !

પારાયણ હજી શરૂ થઈ નહોતી. પરંતુ સ્વામીશ્રી પારાયણ જલદી શરૂ કરવાનું કહેતા હતા. પોતે પૂજા કરી દર્શન કરવા પધાર્યા. થોડી વાર રહીને ફરીથી નાહ્યા અને ફરીથી પૂજા કરીને ફરીથી દર્શન કરવા પધાર્યા. (સવારે સ્નાન કરી પૂજા કર્યા બાદ ફરી પૂજા કરવાની ન હોય, પરંતુ સ્વામીશ્રીએ આજે આ એક નવીન ચરિત્ર કર્યું હતું કે બીજી વખત પૂજા કરી.)

દર્શન કરી પોતે ખુરશીમાં બેઠા અને સંતોને કહ્યું, “ઉતાવળ કરો, કથાનું મોડું થાય છે.”

સવારે ૯ વાગ્યા સુધી સ્વામીશ્રી ખુરશીમાં બેઠા અને પછી આસને આવી સંતો-હરિભક્તોને કહેવા લાગ્યા, “બાપાશ્રીએ અમને કહ્યું હતું કે મૂર્તિમાં ભેળા રાખશું ને ભેળા રહીશું એમ કરી અમને ચાંદલો કર્યો હતો. વળી બાપાશ્રી એક પછી એક સર્વે સદ્‌ગુરુ આદિ સંતોને તેડી ગયા અને અમને અહીં મૂકી ગયા. પણ હવે મહારાજ અને બાપા અમને બોલાવે છે. હવે અમે પણ જઈશું. સૌ ભેળા મળી ભગવાન ભજજો. મહારાજ, બાપા અને સદ્‌ગુરુના રાજીપામાં રહેજો.”

સ્વામીશ્રીએ એક બાજુ કથાની શરૂઆત કરાવી દીધી હતી અને બીજી બાજુ અક્ષરધામમાં મહારાજ અને બાપાશ્રીની સાથે જાણે પોતે નક્કી કર્યું હોય તેમ આ લોકમાંથી અંતર્ધાન થવાની તૈયારી કરવા માંડી.

કથા પૂરી થઈ અને સૌ ઠાકોરજી જમાડી રહ્યા ત્યારે લગભગ સવારના ૧૨:૩૦ કલાકે સ્વામીશ્રીએ છેલ્લે છેલ્લે સેવકોના હાથે એક ચમચી જેટલું નારિયેળનું પાણી લીધું અને સૌ સંતો-ભક્તોને છેલ્લા ‘જય સ્વામિનારાયણ’ કરી સ્વતંત્રપણે પોતાની દિવ્ય લીલા સંકેલી લીધી.

આ રીતે, શ્રીહરિએ અવરભાવમાં દેખાતો પોતાનો સંકલ્પ અદૃશ્ય કર્યો અને અનંતને આત્યંતિક મોક્ષના આર્શીવાદ આપતું અનોખું સદાવ્રત પોતાના દિવ્ય સ્વરૂપમાં સમાવી લીધું.

સ્વામીશ્રીની આ અંતર્ધાન લીલાથી કચ્છમાં અને સમગ્ર સત્સંગ સમાજમાં જાણે મોટો કાળ પડ્યો. સ્વામીશ્રીના અંતર્ધાન થયાના સમાચાર મળતાં સેવકો દુઃખી દુઃખી થઈ ગયા. ‘મીન સ્નેહી જળ’ જેવી જેની સ્વામીશ્રીની સાથે આગવી પ્રીતિ અને આત્મબુદ્ધિ હતી એવા સૌ સંતો-હરિભક્તો સ્વામીશ્રીના વિરહમાં ઝૂરવા લાગ્યા. ચારેકોર કલ્પાંત થવા લાગ્યું. કોઈક તો બેભાન થઈ ગયા. કોઈક પોતાનો દેહભાવ ભૂલી ગયા. જાણે પોતાના દેહમાંથી જીવ જ ચાલ્યો ગયો હોય.

આધ્યાત્મિક માવતર સમાન - જનેતા સમાન સદ્‌. મુનિ સ્વામીશ્રીના વિરહનું દુઃખ કોને ન હોય ? મા પોતાના બાળકને મૂકીને ચાલી જાય એવી મનોદશા સૌ સેવકોની હતી. મહારાજ, બાપા અને સમર્થ સદ્‌ગુરુઓ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ હોવા છતાંય જાણે પોતે અનાથ બની ગયા હોય તેવી વિરહની વેદના સૌ અનુભવી રહ્યા હતા.

સૌને છેલ્લાં દર્શન-પૂજનનો લાભ મળે તેવા હેતુથી સ્વામીશ્રી જે રૂમમાં પોઢ્યા હતા, આસન હતું એ જ રૂમમાં  સ્વામીશ્રીને દીવાલના ટેકે સ્વસ્તિક આસન વાળી બિરાજમાન કર્યા. જેમ જેમ ખબર મળતાં ગયાં તેમ તેમ કેસર-ચંદન, કુમકુમ કે ફૂલહાર લઈ સંતો-હરિભક્તો પૂજન-અર્ચન અને દંડવત કરી દર્શનનો છેલ્લો લાભ લેવા માંડ્યા હતા. સાંજના સાત વાગ્યા સુધી તો આ અવિરત પ્રવાહ પૂજન-દર્શન માટે ચાલુ જ રહ્યો. મંદિરની બહાર પણ હજારો બાઈઓ પોતાના દિવ્ય જીવનદાતાના વિરહમાં ચોધાર આંસુએ રડતાં ધૂન-કીર્તન કરતાં હતાં.

કચ્છ જિલ્લા માહિતી ખાતાના અધિકારીશ્રીના અનુગ્રહથી આકાશવાણીના અમદાવાદ-વડોદરા, રાજકોટ, ભૂજ, મુંબઈ તથા દિલ્હી કેન્દ્ર પરથી સદ્‌. મુનિ સ્વામીશ્રીના અંતર્ધાન થયાના સમાચારનું ત્વરિત પ્રસારણ થયું અને વાયુવેગે આ સમાચાર પહોંચતાં વૃષપુરમાં ભાવિક ભક્તોનો વિશાળ માનવમહેરામણ ઊમટી પડ્યો.

વૈશાખ વદ ૧૧ના દિવસે સવારમાં તો અંતિમ દર્શને હરિભક્તો (જેને જે વાહનવ્યસ્થા મળી તે દ્વારા) આવી પહોંચ્યા. આ પ્રસંગે ગુરુવર્ય પ.પૂ. બાપજી પણ ઘનશ્યામનગર મંદિરેથી એક ટ્રકમાં સંતો-હરિભક્તો સાથે પોતાના પ્રાણપ્યારા ગુરુજીનાં અંતિમ દર્શન-પૂજનનો લાભ લેવા-લેવડાવવા વૃષપુર પધાર્યા હતા.

પ્રેમી ભક્તોએ વિરહની વેદનામાં તૈયાર કરેલી પાલખીમાં સ્વામીશ્રીને પધરાવ્યા અને મંદિરમાં સૌ સંતો, ટ્રસ્ટીઓ તથા બાપાશ્રીના પરિવારે સ્વામીશ્રીની છેલ્લી આરતી ઉતારી અને સૌ સેવકોએ જ્યારે સ્વામીશ્રીની પાલખી પોતાની કાંધ પર મૂકી ત્યારે “સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપાશ્રીની જય. સદ્‌ગુરુશ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.” એમ જયનાદ થવા લાગ્યા અને પ્રેમી ભક્તોની આંખમાં શ્રાવણ-ભાદરવો વહેવા લાગ્યો.

વિરહનાં પદો અને ધૂન-કીર્તન કરતાં વિશાળ માનવમહેરામણની વચ્ચે સ્વામીશ્રીની પાલખી ઉપાડવા સંતો-ભક્તો પડાપડી કરતા હતા. આમ કરતાં ગામ આખામાં ધામધૂમથી પાલખી ફેરવી. સ્વામીશ્રીએ દિવ્ય રૂપે સૌને અંતિમ દર્શન આપ્યાં અને ૧૦:૩૦ કલાકે નિયત સ્થળે સૌ આવી પહોંચ્યા ત્યારે સેવકોએ સ્વામીશ્રીને છેલ્લે પવિત્ર જળથી વિધિપૂર્વક સ્નાન કરાવ્યું અને કોરાં વસ્ત્રો (ધોતિયું-ગાતડિયું) ધારણ કરાવ્યાં અને સુખડ-કાષ્ઠથી તૈયાર કરેલી ચિતા પર સ્વામીશ્રીને પધરાવ્યા. શ્રીફળ તથા ઘી હોમી પ્રદક્ષિણા તથા દંડવત કરી સૌ સંતો-હરિભક્તોએ ભેગા મળી અગ્નિસંસ્કાર વિધિ કર્યો અને સૌનાં નેત્રો સજળ બન્યાં.