વૈરાગ્યમય જીવન

ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના સાક્ષાત્‌ સ્વરૂપ સમાન મોટાપુરુષને પ્રથમથી જ વૈરાગ્ય હતો, વૈરાગ્યમય જીવન હતું એ શબ્દો તો હલકા છે. મીઠાની કોથળી સમુદ્રનો શું તાગ લઈ શકે ? પણ તેમ છતાંય મોટાપુરુષના આવા પ્રસંગો આપણને દિવ્યજીવન જીવવાની ઘણી પ્રેરણા આપતા હોય છે.

૮-૯ વર્ષની ઉંમરે પહોંચેલા આ મુક્તરાજને પિતાશ્રી માંડણભાઈ કયારેક ખેતરમાં મોકલતા અને કહેતા કે,  “ખેતરમાં ઘઉં વાવ્યા છે, તો સાચવજો, ચકલાં ઉડાડજો. જાવ, ખેતરમાં ધ્યાન રાખજો.” અને પિતાશ્રીની આજ્ઞા થતાં નાના ભાઈ (પ્રાગજીભાઈ)ને સાથે લઈ પોતે ખેતરમાં જતા અને આપવા ખાતર ધ્યાન આપતા અને પ્રાગજીભાઈને કહેતા, “આપણે તો ઘઉં ખાવા રહેવું નથી, ને જો તારે ખાવા હોય તો તું ચકલાંને ઉડાડ. મારે કાંઈ ચકલાં ઉડાડવાં નથી.” અને પ્રાગજીભાઈ તો મોટા ભાઈ (મુક્તરાજ-સદ્‌ગુરુશ્રી)ની આ વાતો સાંભળી વિચાર્યા જ કરે : “મોટા ભાઈ આ શું બોલે છે ? આમ કેમ બોલતા હશે ?”

પણ અગમવાણી ઉચ્ચારતા આ બાળસ્વરૂપ મુક્તરાજના વિરાટ સંકલ્પોની કોને ખબર પડે ? સાંસારિક સુખ પ્રત્યે બાળપણથી જ અનાસક્તિ અને વ્યવહારની અરુચિ મુક્તરાજમાં સહેજે દેખાઈ આવતી.