તાવને ધાબળી નીચે દબાવ્યો

મુનિ સ્વામીશ્રી એક વખત નળકંઠાનાં વિવિધ ગામોમાં વિચરણ કરતાં દદુકા પધારેલા.

સ્વામીશ્રીને સવારથી શરીરે કસર જણાતી હતી અને એમ કરતાં તો તાવ આવવા માંડ્યો. રહી ન શકાય એવો ભારે તાવ આવ્યો. સંતો-હરિભક્તો બધા મૂંઝાય કે આ શું ? સ્વામીશ્રીએ તાવ ગ્રહણ કર્યો તે બધાને કથાવાર્તાનો લાભ નહિ મળે.

ત્યાં તો અંતર્યામી એવા મુનિ સ્વામીશ્રી બોલ્યા જે, “ચિંતા ન કરશો, કથાટાણું થશે એટલે તાવ ઊતરી જશે.”

સાંજે સંધ્યા આરતી થઈ અને સૌ ઠાકોરજી જમાડી કથામાં આવવા લાગ્યા, પરંતુ મુનિ સ્વામીશ્રીને તાવ જોઈ બધા દિલગીર થઈ જતા. સૌ દુઃખી થઈ ગયા. પણ,

જ્યાં હરિભક્તો બધા આવી રહ્યા ત્યાં તો સ્વામીશ્રી આસનમાંથી બેઠા થઈ ગયા અને ધાબળી (જે ઓઢેલી હતી તે) શરીર પરથી ઉતારી ભેગી કરી (ડૂચો વાળી) ઓશીકા નીચે દબાવી દીધી અને કથા કરવા માંડ્યા. શરીર ટાઢું થઈ ગયું. જાણે તાવ હતો જ નહિ.

પણ હરિભક્તોની દૃષ્ટિ વારંવાર સ્વામીશ્રીની બાજુમાં ઓશીકા નીચે રાખેલી ધાબળી પર અવારનવાર પડવા લાગી. કારણ કે ઓશીકું ઊંચું-નીચું થતું હતું. મુનિસ્વામી બોલ્યા, “એ તો ધાબળીમાં તાવ મૂક્યો છે ને એટલે !” કથા પૂરી થઈ અને ધાબળી ઓઢી એટલે તાવ હતો એવો ને એવો જ.મંદવાડને ગ્રહણ કરવો કે રજા આપવી તે પણ પોતાના હાથમાં. આ જ મોટાપુરુષની દિવ્યતા-મોટપ.