એક વાર બાપાશ્રીએ સભામાં સૌની આગળ વાત કરી જે સદ્. ગોપાળાનંદ સ્વામીને સ્વયં શ્રીજીએ પોતાની જગ્યાએ સ્થાપ્યા અને સદ્. ગોપાળાનંદ સ્વામીએ આ નિર્ગુણદાસજી સ્વામીશ્રીને પોતાના ઠેકાણે સ્થાપ્યા ને સર્વોપરી ઉપાસના ને સૌને નિયમમાં વર્તાવવાની જવાબદારી સોંપી છે. તેથી ગમે તેવી ઉપાધિ થાય તોય પણ ગણતા નથી. ઉપાધિ કરનારા અજ્ઞાનીઓ ઘણી ઉપાધિ કરે છે.
એક વખત અણસમજુ ને ઉપાધિ કરનારાઓએ ઠરાવ કર્યો કે આ નિર્ગુણદાસજી સ્વામીશ્રી કથામાં સ્વામિનારાયણ ભગવાનને અન્ય અવતારોથી પર કહે છે તે યોગ્ય નથી; સર્વેએ મળી આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને ફરિયાદ કરી. સૌએ મળી ઠરાવ કર્યો જે, જો સ્વામીશ્રી આવી અન્ય અવતારથી પરની વાતો કરે તો તેમને કાઢી મૂકવા.
શ્રીજીમહારાજે તે જ રાત્રિએ, આદિ આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને સાક્ષાત્ દર્શન દઈને ઠપકો આપીને કહ્યું જે, “સ્વામીશ્રી નિર્ગુણદાસજીને અમોએ જીવોના ઉદ્ધાર કરવા ને સર્વને અમારો સર્વોપરી મહિમા તથા ઉપાસના સમજાવવા અક્ષરધામમાંથી મોકલ્યા છે. એ તો અમારી મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે અને અમારી મૂતિમાં રહ્યા થકા અમારી ઇચ્છાથી જ અહીં દેખાય છે. માટે એમને આ દેશમાંથી જવા દેશો નહીં. જો જવા દેશો તો તમારે ઘરેણાંરૂપ છે; તે તમારા દેશનું ભૂષણ જતું રહેશે. અમારો મહિમા નહિ જાણનારા કેટલાક સંતો તથા હરિભક્તોના કહેવાથી તમોએ તેમને કાઢી મૂકવાનો ઠરાવ કર્યો છે, પણ તે જશે તો અમારી ઉપાસના પ્રવર્તાવશે કોણ ? માટે તે જે વાતો કહે તેને સત્ય માનજો. ને એમનું અપમાન થવા દેશો નહીં. આ અમારી આજ્ઞા પાળશો તો અમે પ્રસન્ન થઈશું.
“નહિ તો સ્વામી તો સમર્થ અને સ્વતંત્ર છે. તે જો અદૃશ્ય થઈ જશે તો અમારી સર્વોપરી ઉપાસના પ્રવર્તશે નહીં.” આમ કહી શ્રીજીમહારાજ અદૃશ્ય થઈ ગયા ને આચાર્ય મહારાજશ્રીને પણ શ્રીજીનાં આવાં વચનથી સ્વામીશ્રીની ઓળખાણ પડી. તેથી ખૂબ જ પસ્તાવો થયો ને સ્વામીશ્રીની માફી માગી અને કહ્યું કે, “તમે સર્વોપરી વાતો સુખેથી કરજો.” અને પ્રાર્થના કરી જે, “તમે જશો નહીં. તમોને જે ઉપાધિ કરતા હશે તે અમે નહિ કરવા દઈએ.”
બીજે દિવસે હરિજનની ઘેબરની રસોઈ હતી ને આચાર્યશ્રી પીરસવા પધારવાના હતા. ચોકમાં ચંદની બાંધીને પંક્તિ થઈ હતી ને રંગોળી પૂરી હતી. પણ આચાર્યશ્રી પીરસવા ઊઠ્યા નહિ ને કહ્યું જે, “નિર્ગુણદાસજીને રાખવાની હા પાડો તો પીરસવા ઊઠીએ.” પછી સર્વેએ હા પાડી. પછી અયોધ્યાપ્રસાદજી મહારાજે કહ્યું કે, “કાલે રાત્રિએ શ્રીજીમહારાજે અમને દર્શન આપીને કહ્યું કે, એમને જવા દેશો નહીં. એમને તો અમે મોકલ્યા છે. તેઓ તો ગોપાળાનંદ સ્વામીને ઠેકાણે છે. સૌ તેમની આજ્ઞામાં રહેજો. ને જે વાતો કરે તે સત્ય માનજો ને તેમનું અપમાન થવા દેશો નહીં.”
આવી રીતે સ્વયં શ્રીજીમહારાજે દર્શન દઈને સૌને સ્વામીશ્રીનો મહિમા કહ્યો. આવો જોગ મળવો બહુ દુર્લભ છે માટે સૌ તેમને રાજી કરી લેવા સૂરત રાખજો.