અહીં બેઠા થકા મૂર્તિમાં મૂકનાર

બાપાશ્રી મોટા ભાગે ધ્યાનમાં જ બેસતા. તે કોઈક વાર દોઢ-બે કલાક તો કોઈ વાર તો બે દિવસ થઈ જતા. એક વાર સદ્‌. નિર્ગુણદાસજી સ્વામીશ્રી પણ હતા; ત્યારે બાપાશ્રીને આવી સમાધિ થઈ ગઈ, તે ત્રીજે દિવસે બપોરે જાગ્યા. નાહીને પૂજા કરી ઠાકોરજીનાં દર્શન કર્યાં. તે વખતે બ્રહ્મચારી બાપાશ્રીને હાર પહેરાવવા માંડ્યા ત્યારે બાપાશ્રી તે હાર હાથમાં લઈ સ્વામીશ્રીને પહેરાવવા લાગ્યા. પછી સ્વામીશ્રીએ તે હાર બાપાશ્રીને જ પહેરાવ્યો. ને પછી થોડી દિવ્યભાવની વાતો કરીને કહ્યું, “જ્યાં સુધી મહારાજ ને તેમના લાડીલા મુક્ત ન મળે ત્યાં સુધી ગમે તેટલાં સાધન કરે, પણ મૂર્તિના સુખની પ્રાપ્તિ ન થાય.”

પછી સ્વામીશ્રીએ બાપાશ્રીને પૂછયું જે, “અહીં બેઠા થકા જીવને શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં મૂકી દે એવા કોઈ અત્યારે હશે ?” ત્યારે બાપાશ્રી સ્વામીશ્રી સામું જોઈને જરા હસ્યા ને બોલ્યા જે, “હા, ત્યાગીમાં ને ગૃહસ્થમાં બંનેમાં છે.” ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “ત્યાગીમાં કોણ અને ગૃહસ્થમાં કોણ ?” ત્યારે બાપાશ્રી કહ્યું, “ત્યાગીમાં મારી સામે બેઠા તે અને ગૃહસ્થમાં તમારી સામે બેઠા તે સંકલ્પમાત્રમાં અનંતકોટિ બ્રહ્માંડોને ધામમાં મોકલી શકે તેવા છે.” એમ મર્મમાં એકબીજાના મહિમાની તથા દિવ્યભાવની વાત કરી.