સદ્. નિર્ગુણદાસજી સ્વામીશ્રીના આસને મોટી સભા થઈ. તેમાં જીવનપ્રાણ બાપાશ્રી સભામાં આગળ બેઠેલા તેથી મોટેરા હરિભક્તો દર્શને આવે તે ‘જય સ્વામિનારાયણ’ કરી સભામાં આગળ બેસતા જાય, સ્વામીશ્રી વાતો કરતા હતા તેથી સૌ એકચિત્તે સાંભળતા. તે વખતે શેઠ ચીમનલાલભાઈ તથા વકીલ સોમેશ્વરભાઈ આવ્યા ને સ્વામીશ્રીને ‘જય સ્વામિનારાયણ’ કરી આગળ બેઠા. એટલે જીવનપ્રાણ બાપાશ્રી પાછળ ખસી ગયા.
તે જોઈને સ્વામીશ્રીએ ચીમનલાલભાઈને કહ્યું જે, “તમે આગળ બેસી જાઓ છો ને કોઈ મોટાનો વિવેક રાખતા નથી, તે ઠીક ન થયું.” પછી સ્વામીશ્રીએ કહ્યું, “જીવનપ્રાણ બાપાશ્રી છે તે સમાધિવાળા છે ને બહુ મોટા છે. શ્રીજીમહારાજ સ્વયં અત્યારે તેમના દ્વારા કામ કરે છે ને તેમનું માને છે એવા સમર્થ છે. તેમને તમે ગણતા નથી. તે તમે શું સમજ્યા ? શ્રીજીમહારાજે અનંત જીવોનાં કલ્યાણ કરવા તેમને મોકલ્યા છે.” એવા સ્વામીશ્રીનાં એવા વચન સાંભળી ચીમનલાલ શેઠ તથા સોમેશ્વરભાઈ વકીલ ઊઠીને બાપાશ્રીને દંડવત કરવા લાગ્યા ને પ્રાર્થના કરીને અપરાધ માફ કરાવ્યો.