સદ્દગુરુશ્રી નિર્ગુણદાસજી સ્વામીની વાતો

(૧) મોટા મનુષ્ય રૂપે દેખાતા હોય ત્યારે બીજા સામાન્ય માણસોના જેવી ક્રિયા કરતા દેખાય પણ એમની ક્રિયા શ્રીહરિની પ્રસન્‍નતાને માટે અને અનેક જીવના મોક્ષને માટે છે તે અજ્ઞાની જીવો જાણતા નથી અને તેમાં દોષ ૫રઠીને અવગુણ લે છે. એટલે તે મલિન થતા જાય છે. ને તેમને દુર્ગુણ  દુ:ખ દીધા કરે છે.

(૨) મોટાનો ગુણ જેને આવે છે તેનાં અનંત જન્મનાં પાપનો નાશ થઈ જાય છે અને તે અતિ શુદ્ધ થાય છે. વળી તે મોક્ષ માર્ગમાં બળવાન થાય છે. જેના ઉ૫ર એવા મોટાની કૃપાદ્રષ્ટિ થાય છે તે તો થોડા સમયમાં જ એકાંતિક ધર્મ સિદ્ધ કરીને શ્રેષ્‍ઠ મુક્ત થાય છે અને જેના ઉ૫ર એવા મોટાની કુદ્રષ્‍ટ‍િ થાય તેનો જીવ એવો નકારો થઈ જાય છે કે તે મોક્ષનું સાધન તો કરી શકે જ નહિ અને જે કરવાથી જીવનું ભૂંડું થાય તે જ કર્યા કરે છે, પણ સવળે માર્ગે ચાલી શકે નહિ, એવો થઈ જાય છે.

(૩) જેને પ્રત્‍યક્ષ શ્રીહરિના શુદ્ધ સંપ્રદાયે કરીને ઉત્‍કૃષ્‍ટ દૃઢ નિશ્ચય હોય અને સ્ત્રી ધનાદિ માયિક વિષયને દુ:ખરૂ૫ અને નાશવંત જાણીને ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય સહિત ભક્તિ કરીને પોતાનું કલ્‍યાણ સિદ્ધ કરવું તે જ એક અંતરમાં દ્રઢ રુ‍ચિ કરી હોય અને તેને અર્થે સંત સમાગમ કરીને ભગવાનનું મહાત્‍મ્ય સમજીને ભગવત્‍કથા, વાર્તા , ભજન, સ્મરણ, ધ્યાન, ગુણગાન, અર્ચન, સેવનાદિ કરવામાં દ્રઢ રુચિ સહિત તત્‍પર થઈને મંડ્યા હોય અને પુરુષોત્તમરૂપ થઈને ભગવાનનું ધ્યાન કરીને દેહાદિકની વાસના ટાળીને શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં પ્રીતિ કરતા હોય અને તેમાં વિઘ્ન કરનાર જે ભૂંડા દેશકાળ, ક્રિયા, સંગાદિકનો ત્‍યાગ કરીને સદા રૂડા દેશાદિકને સેવતા હોય અને સર્વે ભગવદ્ભક્તને વિષે સદા ગુણ જ ગ્રહણ કરતા હોય પણ અવગુણ તો ક્યારેય લેતા જ ન હોય એવા શુભ રુચિવાળા જે ભગવદ્ભક્ત હોય તેના સમાગમથી આપણને સમાસ થાય. માટે એવા સંત પુરુષોનો મન-કર્મ-વચને સમાગમ કરવો.

(૪) શ્રીહરિનો આશ્રિત હોય પણ જો દેહાભિમાન તથા સ્ત્રી-ધનાદિ પંચવિષયમાં અતિ આસક્ત હોય અને તે આસક્તિએ કરીને ધર્મને પણ લોપે અને નિરંતર સ્ત્રી-દ્રવ્‍ય-વિષયના યત્‍નમાં તત્પર થઈને મંડ્યો હોય ને ધર્મ જ્ઞાનાદિ સહિત ભક્તિ કરવામાં રુચિ હોય એવાને સંગે કરીને આપણને સમાસ ન થાય માટે એવાનો સમાગમ ન કરવો.

(૫) શ્રીહરિનો આશ્રિત હોય પણ જો તેને સાધુ હરિજનનો અવગુણ આવ્યો હોય તેમજ કોઈને વિષે સદ્ભાવ ન હોય, ને જે સર્વને વિષે અવગુણ જ જોયા કરે અને અવગુણને જ કહ્યા કરે તેનો સંગ ક્યારેય ન કરવો. કારણ કે એવાના સંગે આપણને પણ ભગવાનના ભક્તનો અવગુણ આવે, તેથી આપણું બહુ ભૂંડું થાય, માટે એવાનો સંગ તો કોઈ પણ પ્રકારે કરવો નહીં.

(૬) ભગવત્પ્રસન્‍નતા પણ ધર્મથી જ થાય છે અને લોપવાથી આ લોકમાં અતિ દુ:ખ, અપકીર્તિ વગેરે દોષ પમાય છે અને મરીને નર્ક, યમયાતના, જન્‍મમરણ, ગર્ભવાસાદિ અનેક કષ્‍ટ પમાય છે અને ભગવાનની અપ્રસન્‍નતા થાય છે તેથી મોક્ષોપયોગી સદ્ગુણ પમાતા નથી; અને જે ગુણ હોય તેનો પણ નાશ થઈ જાય છે ઇત્‍યાદિક વાર્તા જાણે છે તોપણ ઇન્દ્રિયો, અંત:કરણ તથા અંત:શત્રુ તથા પૂર્વ કર્મની અસદ્વાસનાને વશ થઈને વખત ઉપર ધર્મમાં સ્થ‍િતિ રહેતી નથી અને પરાભવ પામી જવાય છે. ને માયિક તુચ્છ પદાર્થ સારુ ધર્મને લોપે છે. એનું એ જાણવું કેવું છે ? તો જેતપુરમાં એક જમાદાર હતો. તે ભાદર નદીના ધરામાં ન્હાવા પડ્યો ને તે બૂડ્યો અને પાણી પણ દસ શેર પી ગયો. બીજા માણસોએ એને બહાર કાઢ્યો અને તેને ઉપાડીને તેને ઘેર લઈ ગયા. પછી એ ગામનો ઘરઢેરો કાઠી માંગુવાલો એને જોવા આવ્યો ને એને એમ કહ્યું કે, “જમાદાર, તમને તરતા નથી આવડતું તે બૂડ્યા ?” એટલે તે બોલ્‍યો કે,  “માંગુવાલા, હું તરબી જાણું ને ઢબ બી જાણું પણ સાલા ઓસાણ આયા નહીં.” ને મરણ વખત આવ્યો તોપણ ઓસણ ન આવ્યું. એના જેવું એનું જાણવું છે ને મરીને મહાકષ્‍ટ થાય એવું કર્યું અને મોક્ષ માર્ગમાંથી પડી ગયો ને પરલોક બગડ્યો.

(૭) પોતે આત્‍મા-અનાત્‍માના સ્વરૂપને જાણે છે અને બીજા માણસને એ વાર્તા યથાર્થ ‍નિરૂપણ કરીને સમજાવે છે અને એમ જાણે છે કે, દેહાભિમાનમાં સર્વ દોષ રહ્યા છે અને ભગવાનમાં પ્રીતિ નથી થતી તેનું કારણ પણ એ જ છે અને દુ:ખનું મૂળ પણ એ જ છે એમ જાણે છે તોપણ દેહમાં તથા દેહના સંબંધીમાંથી પ્રીતિ મટતી નથી. ને સુખ-દુ:ખ, માન-અપમાનમાં પરાભવ પામી જાય છે અને દુખિયો મટતો નથી. ને સુખી થવાના યત્‍ન કરવા છતાં પણ સુખી થઈ શક્તો નથી ને પુરુષોતમરૂપ થઈને અંતર્વૃત્તિ કરીને ભગવાનમાં જોડાતો નથી અને દેહાદિકમાં અહમ્-મમતાથી બહિર્વૃતિએ યુક્ત થઈ બીજા જન સાથે રાગ-દ્વેષ કર્યા કરે છે. ને પરલોકમાં અવિનાશી સુખનો દેનારો જે ભાગવત્ ધર્મ તેને સિદ્ધ નથી કરતો અને માયિક પદાર્થમાંથી પ્રીતિ નથી ટાળતો ને તેનું જ યત્‍ન કર્યા કરે છે. એનું જાણવું તે પણ જમાદારનું દ્રષ્‍ટાંત આપ્‍યું તેના જેવું જ છે.

(૮) માયિક પંચવિષયના પદાર્થ તથા પંચવિષયનાં સુખ નાશવંત છે, તુચ્છ છે, દુ:ખરૂપ છે તેમજ ચાર પ્રકારના પ્રલયે કરીને કાલગ્રસ્‍ત છે. અનંત કાળ સુધી જન્‍મમરણાદિ અનેક કષ્‍ટને દેનારાં છે, અને યમયાતના તથા ચોરાસી લક્ષ યોનિમાં ભમવનારો છે. ને એના વિષે આસક્તિ છે તેથી પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી; માટે એ તો મોક્ષને વિષે મહા વિઘ્ન કરનારાં છે. ને એની પ્રાપ્‍ત‍િ અનેક જન્‍મમાં અનંતવાર થઈ છે તોપણ તૃપ્ત‍િ થઈ નથી એમ પોતે જાણે છે અને બીજા જનને અનેક વાર્તાની યુક્તિઓ કરીને સમજાવે છે છતાં પણ પોતે તેમાંથી વૈરાગ્ય પામતો નથી. ને તેનો જ યત્‍ન કર્યા કરે છે. પણ એમાંથી વૃત્તિઓ પાછી વાળીને પરમેશ્વરમાં જોડતો નથી. એનું જાણવું તે પણ જમાદારના દ્રષ્‍ટાંત જેવું છે.

(૯) દુર્લભ એવો જે આ ઉત્તમ મનુષ્યદેહ પ્રાપ્‍ત થયો છે અને તેમાં પણ જે મહાકાળ તથા બ્રહ્મ જે અક્ષર તેને પણ અતિ દુર્લભ એવો આ સત્‍સંગ મળ્‍યો છે તોપણ જેને ધર્માદિ ગુણ કેવળ લોક રીઝવવાને અર્થે છે, ઇન્દ્રિયોને પોષણ કરવાને માટે છે, દેહ નિર્વાહને માટે છે; માન-મોટપને માટે છે, વિખ્‍યાતિ કરવાને માટે છે અને માયિક પદાર્થ સંપાદન કરવા માટે છે, પણ જેને પોતાના મોક્ષોપયોગી નથી એ અતિ અજ્ઞાની છે, અત્‍યંત ભાગ્યહીન છે, અતિશય બુદ્ધિહીન છે અને જીવતાં મરેલો છે એમ જાણવું.

(૧૦) શ્રીજીમહારાજના ભક્તે ધ્‍યાન કરવું, માનસીપૂજા કરવી, ભજન કરવું તથા સર્વ ક્રિયા કરવી તેમાં તથા સર્વ કાલમાં નિરંતર ત્રણ અવસ્થા ને ત્રણ દેહથી પર પોતાને પુરુષોત્તમરૂપ માનવું અને શ્રી સ્વામિનારાયણ ભગવાન સાથે પોતાની એકતા કરીને તે તેજપુંજને વિષે શ્રી પુરુષોત્તમ શ્રીજીમહારાજની મૂર્ત‍િને ધાર્યા કરવી ને મને શ્રી પુરુષોત્તમ ભગવાને કરુણા કરીને પુરુષોત્તમરૂપ કરીને મૂર્ત‍િમાં રાખ્‍યો છે એવું અનુસંધાન કર્યા કરવું પણ એ વાત ક્યારેય ભૂલવી નહીં. ને હું સદાય મૂર્ત‍િમાં જ છું એમ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ધારીને નિરંતર ભજ્યા કરવા.

(૧૧) પોતાને શ્રી પુરુષોત્તમરૂપ માની મૂર્ત‍િમાં રહીને શ્રી સ્‍વામિનારાયણ ભગવાનને ભજવા એવી સમજણ દ્રઢ કરવી અને ભગવાનની માનસીપૂજા કરવી અથવા પોતાની સ્નાનાદિક ક્રિયા કરવી તે પણ શ્રી સ્‍વામિનારાયણ ભગવાનની મૂર્ત‍િમાં રહીને જ કરવી. અને હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં, બેસતાં-ઊઠતાં સર્વ ક્રિયામાં હું મૂર્ત‍િમાં જ છું એવું અનુસંધાન રાખવું અને ક્રિયાના કર્તા શ્રી સ્‍વામિનારાયણ ભગવાન છે એવી ભાવના દ્રઢ કરવી. આવી રીતની લટક પડી ગયા પછી આ રીતે વર્તવામાં કાંઈ કઠણ પડતું નથી. સહેજે સહેજે એમ જ વર્તાયા કરે કે ક્રિયાના કરનારા શ્રીજીમહારાજ છે અને હું તો સદાય મૂર્ત‍િમાં જ છું. શ્રી સ્‍‍વામિનારાયણ ભગવાન ક્રિયાના કરનારા થયા પછી ભગવાન પોતે જ ઘટે તે પ્રમાણે કરે છે.

(૧૨) રહસ્‍યના વચનામૃતમાં કહ્યું છે કે જેમ નદી સમુદ્રમાં લીન થઈ જાય છે અને સતી ને પતંગ જેમ અગ્નિમાં બળી જાય છે, તથા શૂરો રણમાં ટૂક ટૂક થઈ જાય છે તેમ પોતાનો આત્‍મા શ્રી સ્‍વામિનારાયણ ભગવાન સાથે એટલે મૂર્ત‍િમાં-પુરુષોત્તમરૂપની ભાવના કરીને રસબસભાવે લીન થઈ જાય ત્‍યારે એ શ્રી સ્‍વામિનારાયણ ભગવાનના ગુણ એને વિષે આવે છે અને અતિ ઉત્તમ નિર્વિકલ્‍પ નિશ્ચય થાય ત્‍યારે શ્રી સ્‍વામિનારાયણ ભગવાનનો અલૌકિક મહિમા જેવો છે તેવો સમજાય છે ને શ્રી ‍સ્‍વામિનારાયણ ભગવાન અને તેમના મુક્ત વિના અક્ષરાદિક કોઈ નજરમાં આવતું નથી અને સદા અતિશય નિર્વિકાર, નિર્લેપ, અતિ શુદ્ધ, અતિ સુખરૂપ, અતિ અસંગી, નિર્ગુણ, શાંત અને શ્રી સ્‍વામિનારાયણ ભગવાનને વિષે અતિશય પ્રીતિયુક્ત થાય છે, તથા શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્ત‍િમાં સદાય રસબસભાવે સ્‍થ‍િર થઈને રહે છે. પછી તેમાં કોઈ પણ દોષ રહેતો નથી ને તે શ્રી સ્‍વામિનારાયણ ભગવાનની મરજી જાણી તે જ પ્રમાણે યથાર્થ વર્તે છે, શ્રીહરિના ગમતા પ્રમાણે જ રહે છે.

(૧૩) જે મૂર્ત‍િમાં રહ્યા તેને મૂર્ત‍િનું સુખ ભોગવવું તે જ સેવા છે. અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય ત્યારે તેને કોઈ જાતનું માયાનું આવરણ રહેતું નથી. અને એક શ્રી સ્‍વામિનારાયણ ભગવાનની મૂર્ત‍િના સુખ વિના બીજું બધું જ નરક જેવું લાગે છે. ગમે તેવા ઉત્તમ વિષય પ્રાપ્‍ત થાય તોપણ એમાં ક્યાંય માલ મનાય નહીં. ને તે માયિક સુખ નરક જેવાં લાગે છે. આ પ્રકારની સમજણ દ્રઢ થાય ત્યારે તેને એક ભગવાન જ રહે છે પણ બીજો કોઈ આકાર રહેતો નથી ને તે મૂર્ત‍િને જ દેખે છે.

(૧૪) જાણપણામાં રહીને ભગવાનની મૂર્ત‍િમાં રહીને ભગવાનનું ધ્‍યાન કરવું એનું નામ અંતરદ્રષ્‍ટ‍િ છે. તથા બહાર નેત્રની આગળ અગર તો નેત્ર મીંચીને અંતરમાં મૂર્ત‍િ ધારવી તેનું નામ પણ અંતરદ્રષ્‍ટ‍િ છે. એ રીતે અંતરદ્રષ્‍ટ‍િ કરીને મૂર્ત‍િમાં રહીને મૂર્ત‍િને ધારવી તેથી અહંગ્રંથિ ગળી જાય છે અને દોષમાત્ર નાશ થઈ જાય છે. બહારદ્રષ્‍ટ‍િવાળાની સમજણ મિથ્‍યા છે અને અંતરદ્રષ્‍ટ‍િવાળાની સમજણ સત્‍ય છે. અંતરદ્રષ્‍ટ‍િવાળો ભગવાનની મરજી જાણીને તે પ્રમાણે જ વર્તે છે તે એને વિષે ગુણ છે અને બહારદ્રષ્‍ટ‍િવાળાને આ વાત સમજાતી નથી એટલે મનના ઠરાવ પ્રમાણે વર્તાઈ જાય છે. તે એને વિષે દોષ છે અને અહંગ્રંથિ ગળી નથી તેથી તે દોષ ઓળખાતો નથી અને ટળતો પણ નથી તેથી વિષયમાં ચોંટી જાય છે. માટે આત્‍મદ્રષ્‍ટ‍િવાળાની સમજણ સત્‍ય છે ને બાહ્યદ્રષ્‍ટ‍િવાળાની સમજણ મિથ્યા છે.

(૧૫) કેટલાક ભક્તને ષડૂર્મ‍િ વ્યાપે નહિ તથા દેહના ભાવ પરાભવ કરી શકે નહિ એવા હતા. કેટલાક ભક્ત સ્વતંત્રપણે સમા‍ધિ કરીને લોકાંતરમાં જઈને પાછા આવે એવા હતા. કેટલાક ભક્ત સમા‍‍‍‍‍‍ધિ કરીને સ્વતંત્રપણે અષ્‍ટ આવરણને ભેદીને માયા પર  અનેક ધામોમાં જઈ પાછા આવે એવા હતા; કેટલાક ભક્ત આ લોકમાં રહીને દેહાદિસંબંધી સર્વ ક્રિયા કરતા થકા અષ્‍ટ આવરણથી પર અક્ષરધામને વિષે શ્રીજીમહારાજને સર્વે મુક્તો સહિત દેખતા હતા; કેટલાક ભક્ત શ્રીહરિના સ્વરૂપને વિષે નિરંતર ચિત્તવૃત્ત‍િ રાખતા હતા; કેટલાક ભક્ત ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય ને શ્રીહરિના મહાત્‍મ્‍યજ્ઞાન સહિત ભક્ત‍િનો સદ્વિચાર કરનાર હતા; કેટલાક ભક્ત જાણપણારૂપ દરવાજાને વિષે નિરંતર રહીને શ્રીહરિનું ધ્‍યાન, ભજન તથા દેહાદિની ક્રિયા કરતા હતા; કેટલાક ભક્ત શ્રીહરિનું ધ્‍યાન કરતાં કરતાં સ્વતંત્રપણે ઉપશમ કરતા હતા; કેટલાક વ્યક્તિની છાયામાં માયાના ગુણ વ્યાપે નહિ અને બીજો જન તેમની સમીપે આવે તો તેનું પણ અંત:કરણ નિર્મળ થઈ જાય એવા હતા; કેટલાક ભક્ત અતિ ઉત્‍કૃષ્‍ટ  અલૌકિક દૃષ્‍ટ‍િએ યુક્ત સદા વર્તતા હતા; કેટલાક ભક્તો અતિશય ઉત્તમ સમજણે યુક્ત નિરંતર વર્તતા હતા; કેટલાક ભક્ત મૂર્ત‍િમાન વૈરાગ્ય હોય ને શું એવા હતા; કેટલાક ભક્ત મૂર્ત‍િમાન ધર્મ હોય ને શું ! એવા હતા; કેટલાક ભક્ત મૂર્તિમાન આત્‍મનિષ્‍ઠા હોય ને શું એવા હતા; કેટલાક ભક્ત શ્રીહરિના મહાત્‍મ્યજ્ઞાને યુક્ત મૂર્તિમાન પ્રેમ હોય ને શું એવા હતા; કેટલાક ભક્ત મૂર્તિમાન સાધુતા હોય ને શું એવા હતા; અને કેટલાક ભક્તો મૂર્તિમાન ત્યાગ હોય ને શું એવા હતા; તથા કેટલાક ભક્ત તો બ્રહ્મરંદ્ર ભેદીને સુષુમ્ણા નાડીને માર્ગે બ્રહ્માંડ ભેદીને માયાથી પર દિવ્ય ધામને વિષે શ્રી પુરુષોત્તમ ભગવાનનાં દર્શન કરતા તથા કેટલાક ભક્તો માયા પાર દિવ્ય અક્ષરધામમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરતા હતા. અને તેમના જમણા ચરણારવિંદના અંગૂઠામાંથી ઉત્‍પન્‍ન થતા પ્રણવધ્‍વનિને સાંભળીને અતિ આશ્ચર્ય પામીને પાછા દેહમાં આવીને તે બધી વાતો કહેતા હતા.

કેટલાક ભક્ત સાંખ્‍યનો વિચાર કરીને પ્રતિલોમપણે મૂર્ત‍િમાં રસબસ થઈને આત્‍યંતિક પ્રલય કરીને પોતાના આત્‍માની શ્રી સ્વામિનારાયણ ભગવાન સાથે એકતા કરીને શ્રીહરિને નિરંતર દેખતા હતા. કેટલાક ભક્ત સો સો ગાઉ દૂરથી શ્રીહરિને સર્વ ચરિત્ર કરતા અને સર્વ પાર્ષદો સહિત સદા દેખતા હતા, કેટલાક ભક્તને શ્રીહરિએ અણિમાદિક આશ્ચર્ય આપ્યાં હતાં, કેટલાક ભક્ત તો પરસ્પર એવી પ્રતિજ્ઞા કરીને કોલ દેતા હતા કે, જો હું પ્રથમ દેહ મૂકું તો અંતકાળે તમને તેડવા આવું અને તમે પ્રથમ દેહ મૂકો તો તમે મને તેડવા આવજો એ વાત સત્‍ય કરતા હતા. કેટલાક સમર્થ ભક્તો બીજાને એવો વર દેતા હતા કે, તમને અંતકાળે હું તેડવા આવીશ; અને એ વાત સત્‍ય કરતા હતા. કેટલાક ભક્ત શ્રીહરિનું ધ્‍યાન, ભજન, કથા, કીર્તન વાર્તા, સેવા, દર્શન, સંત સમાગમ વિના રહી શકે નહિ એવા હતા તથા કેટલાક ભક્ત જાણે મૂર્ત‍િમાન એકાંતિક ધર્મ હોય ને શું એવા છે. કેટલાક ભક્ત જુવાનીમાં પોતાની સ્‍ત્રીનો ત્‍યાગ કરીને શુદ્ધ અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય નિરંતર પાળનારા છે.

(૧૬) સત્‍સંગમાં શ્રીજીમહારાજ સદા વિરાજમાન છે તે જે ભક્તના હૃદયમાં રજોગુણના ઘાટ-સંકલ્‍પના વિક્ષેપ થાય તેને જ્ઞાન-વૈરાગ્યનો વિચાર આપીને ટાળી નાખે છે અને એમ શ્રીજીમહારાજ પોતાના ભક્તની રક્ષા કરે છે. નહિ તો કામાદિક જિતાય નહીં. એ તો એવા છે કે મોટા દેવને પણ દુર્જય છે. પણ શ્રીહરિનો પ્રતાપ છે તેથી જિતાય છે એમ જાણવું.

(૧૭) કેટલાક ભક્ત સ્‍ત્રી-ધનાદિક પંચવિષયનો ગંધ પણ ગમે નહિ એવા છે. કેટલાક ભક્તની જ્ઞાનને વિષે સ્થ‍િતિ હોવાથી પ્રકૃતિપુરુષ અને તેનું કાર્ય નજરમાં જ નથી એવા છે. કેટલાક ભક્ત નિર્બીજ સાંખ્‍ય અને નિર્બીજ યોગ તથા સબીજ સાંખ્‍ય અને સબીજ યોગ સિદ્ધ કરીને શ્રીહરિને વિષે અતિ ઉત્તમ નિર્વ‍િકલ્પ સમા‍‍‍‍ધિવાળા છે. કેટલાક ભક્ત પ્રવૃત્ત‍િ માર્ગમાં રહેવા છતાં સુખ-દુ:ખ, માન-અપમાન, લાભ-અલાભ, જય-પરાજય, હાણ-વૃદ્ધિ થાય તોપણ અંતરમાં હર્ષ-શોક પામતા ન હતા અને સમજણે કરીને સદા શ્રી સ્‍વામિનારાયણ ભગવાનને સુખે સુખી રહે છે. કેટલાક ભક્ત પોતાનો દેહ, ધનધામ, કુટુંબ પરિવારાદિ સર્વસ્‍વ ભગવદ્ પારાયણ કરીને રહ્યા છે. કેટલાક ભક્ત ધર્માદિ શીખવાની પાકી રુચિ કરીને તે શીખવામાં તત્‍પર થઈને મંડ્યા છે અને તે સિદ્ધ કરીને, સર્વ વાસના ટાળીને એકાંતિક ભક્ત થઈને ભગવાનને પામવાના દૃઢ નિશ્ચયવાળા છે. કેટલાક ભક્ત એવા સમજવાળા છે કે, વિષમ દેશકાળાદિ આવે તોપણ કોઈ દિવસ ભગવાન અને તેમના ભક્તનો અવગુણ આવે જ નહિ પણ સદાય ગુણ જ ગ્રહણ કર્યા કરે છે, કોઈ પણ દિવસ તેમનો દ્રોહ કરતા જ નથી. કેટલાક ભક્તને સારા-નરસા વિષય સમાનપણે વર્તે છે અને કોઈ વિષયમાં ઇ‍‍‍‍‍ન્દ્રિયો-અંત:કરણની વૃત્ત‍િઓ તણાય જ નહિ એવા છે.

(૧૮) કેટલાક ભક્ત ઊર્ધ્‍વરેતા છે અને તેમના અંતરમાં કામનું બીજ પણ નથી એવા છે. કેટલાક ભક્ત સ્થ‍િતપ્રજ્ઞ છે જે વિષમ દેશકાળાદિને યોગે કરીને પણ તેમની બુદ્ધિ ધર્માદિથી ચળે નહિ એવા છે. કેટલાક ભક્તને સંગે કરીને અનેક જનના કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાદ, સ્નેહ, માનાદિ માયાના વિકાર ટળી ગયા ને મુક્ત થઈ ગયા.

(૧૯) આપણા ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાનની મોટી કૃપા થઈ છે જે અતિશય દુર્લભ અને કલ્‍યાણકારી એવો મોટો યોગ આપણને આપ્યો છે એ તો શ્રીજીમહારાજ આપણા ઉપર અઢળક ઢળ્‍યા છે એમ વિચારીને આનંદમાં રહેવું અને પોતાને પુરુષોત્તમરૂપ માની શ્રી સ્‍વામિનારાયણ ભગવાનને ધારીને તેનું અંતરમાં નિરંતર અનુસંધાન રાખવું.

(૨૦) અક્ષરધામા‍‍‍ધિપતિ પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીની ઉપાસનાએ તથા મોટા સત્‍પુરુષના સમાગમે સધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય, મહાત્‍મ્ય સહિત નિષ્‍કામ ભક્ત‍િને પામેલા મહાભગવદીય આત્‍મનિષ્‍ઠ પુરુષની સમજ તથા વર્તવાની રીત, ઘણા જીવોના કલ્‍યાણ માટે પ્રગટ કરીએ છીએ. 

૧. જેમણે સંસારનું સુખ કાકવિષ્ટા તુલ્‍ય જાણ્‍યું છે.

૨. જેમણે સંસારની કીર્ત‍િ કલંકરૂપ જાણી છે.

૩. જેમણે વિષયસુખ ઝેરરૂપ જાણ્‍યું છે.

૪. જેમણે દેહ ડગલારૂપ જાણ્‍યો છે.

૫. માતા‍પિતા જેમણે દરજી દરજણરૂપ જાણ્‍યાં છે.

૬. સગાંસંબંધી જેમણે ઘોરનાર જેવાં જાણ્‍યાં છે.

૭. જેમણે અનાદિમુક્તને નાત માની છે.

૮. ભગવાનના ધામને જેમણે દેશ માન્‍યો છે.

૯. સ્વામિનારાયણ ભગવાનની મૂર્ત‍િને જેમણે ઘર માન્‍યું છે.

૧૦.ભગવાનના મુક્તમાં જેમણે મોટપ માની છે.

૧૧.સત્સંગ કરવામાં જેમણે લાભ માન્‍યો છે.

૧૨.ભગવાન ભૂલવામાં જેમણે ખોટ માની છે.

૧૩.કદર્યની પેઠે દેહાભિમાનનો જેમણે ત્‍યાગ કર્યો છે.

૧૪.ભગવાનની કથા સાંભળવામાં જેમણે શ્રધ્‍ધા માની છે.

૧૫.નિસ્‍પૃહીપણે વર્તીને જેમણે દેહનો અનાદર કર્યો છે.

૧૬.જેમણે ભગવાનમાં સ્નેહ કર્યો છે.

૧૭.ભગવાનને વિષે જેમણે પતિવ્રતાપણું કર્યું છે.

૧૮.જેમણે ભગવાનને વિષે દાસપણું કર્યું છે.

૧૯.જેમની સવળી બુદ્ધિ છે.

૨૦.જનકરાજા જેવું જેમને જ્ઞાન છે.

૨૧.સદા ભક્ત‍િ૫રાયણ અને જેમનો ક્ષણકાળ ભગવાન વિના જતો નથી.

૨૨.જેઓ જ્ઞાનવાર્તાઓ કહેનાર છે.

૨૩.પર્વત તથા વૃક્ષની માફક જેમની ક્રિયા પરના કલ્યાણ માટે છે.

૨૪.પોતાના ભક્તપણામાં વિઘ્ન કરનાર ભૂંડા દેશકાળાદિક આઠનો ત્‍યાગ કરીને સદા શુભ દેશકાળાદિ આઠને સેવનારા છે.

૨૫.જેમણે સ્ત્રી ધન અને સ્ત્રૈણ પુરુષનો સંગ હલાહલ ઝેર જેવો જાણ્‍યો છે.

૨૬.જગત વ્યવહારનો અધિકાર જેમણે માથે ડુંગર પડ્યો હોય એવો જાણ્‍યો છે.

૨૭.કામ-ક્રોધાદિ અંત: શત્રુ સાથે જેમણે વેર બાંધ્‍યું છે.

૨૮.સ્વભાવ જીતવામાં જેમનું શૂરવીરપણું છે.

૨૯.જગતનું ડહાપણ જેમણે બ્રહ્મરાક્ષસના વળગાડ જેવું જાણ્‍યું છે.

૩૦.ધર્મામૃત, નિષ્‍કામ શુદ્ધિ અને શિક્ષાપત્રી પ્રમાણે જેમનું વર્તન છે.

૩૧.જેમણે અહમ્ મમત્‍વરૂપ ગ્રંથિ ટાળી છે.

૩૨.અને ભાગવત ધર્મ સિદ્ધ કરીને જે પરાભક્ત‍િ પામ્‍યા છે.

૩૩.અને શ્રી સ્‍વામિનારાયણ ભગવાનનું કર્તાપણું-અકર્તાપણું-અન્‍યથા કર્તાપણું તથા મનુષ્‍યભાવ અને દિવ્યભાવને યથાર્થ જાણનારા એવા છે.

૩૪.ચાર પ્રકારના પ્રલય જે નિત્‍ય પ્રલય, નૈમિત્તિક પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્‍યંતિક પ્રલય તેને જાણીને અક્ષરધામને વિષે રહેલી જે શ્રીજીમહારાજની મૂર્ત‍િ તથા મુક્ત તે વિના લોકભોગની એષણા જેમણે ત્‍યાગી છે એવા છે.

૩૫.તથા ચાર પ્રકારની ઘાંટીયોનું ઉલ્લંઘન કરીને શ્રી સ્‍‍વામિનારાયણ ભગવાનને નિરંતર ભજનારા છે.

૩૬.સંત સમાગમ કરવો તથા ભગવાનને ભજવામાં વિઘ્નને ન ગણીને ગંગાના જેવા વેગવાળા

૩૭.અને દેહનું નાશપણું પાણીના પરપોટા જેવું જાણનારા

૩૮.જગતને સ્વપ્‍ન, માયા, મનોરથ તથા ઝાંઝવાના જળ જેવું મિથ્‍યા જાણનારા

૩૯.ભગવાનને ભજવામાં વિઘ્ન કરનારા સ્વભાવ, સંબંધી તથા પદાર્થોનો શત્રુની જેમ ત્‍યાગ કરનારા

૪૦.ભગવાનના ભક્તના અવગુણનો ત્‍યાગ કરીને અને સદા ગુણ ગ્રહણ કરીને મહાત્‍મ્ય સહિત સદા સેવા કરનારા

૪૧.પોતાના અવગુણ ટાળવા ઉપર તાનવાળા

૪૨.ભગવાન અને ભગવાનના ભક્ત પોતાના ઉપર પ્રસન્‍ન થાય તેમ વર્તનારા

૪૩.સર્વ ક્રિયામાં પોતે કર્તાપણાનો અને મમતાપણાનો તથા ફળની ઇચ્‍છાનો ત્‍યાગ કરીને સદા ભગવાનનું અનુસંધાન રાખનારા

૪૪.રસાસ્વાદનો ત્‍યાગ કરનારા

૪૫.કામ જે સ્ત્રીની આસક્ત‍િનો ત્‍યાગ કરનારા

૪૬.લોભનો ત્‍યાગ કરનારા

૪૭.હારલ પક્ષીની લાકડીના દષ્ટાંતે કરીને જેમને ભગવાનનો જ આધાર છે એવા

૪૮.સુખ-દુ:ખનો હેતુ પોતાના મનને જાણીને રાગ-દ્વેષ ત્‍યાગ કરનારા

૪૯.દૃઢ આત્‍મનિષ્‍ઠા કરનારા

૫૦.મનનો વિશ્વાસ નહિ કરનારા

૫૧.યાદવોનું નિકંદન સાંભળીને હાંસી-મશ્કરીનો ત્‍યાગ કરનારા

૫૨.કીડી-કુંજરના દૃષ્‍ટાંતથી ભગવાન તથા સંતની પ્રાપ્‍ત‍િમાં અલભ્‍ય લાભ માનનારા

૫૩.અહમ્-મમત્‍વરૂપી માયાનો ત્‍યાગ કરી ભગવાનને વિષે પ્રીતિ કરવી એ જ સર્વે શાસ્‍ત્રનો સિદ્ધાંત છે એમ જાણનારા

૫૪.કેવળ આત્‍મરૂપે વર્તવું તે કરતાં ભગવાન અને ભગવાનના ભક્તના સમાગમમાં રહીને કથાવાર્તા-કીર્તન વગેરે ભક્ત‍િ કરવી તેજ અધિક છે એમ માનનારા

૫૫.ભગવાનના એકાંતિક ભક્તનો દ્રોહ કરવામાં મરણ માનનારા

૫૬.ત્રિલોકના રાજ્યને માટે પણ ભગવાનના ચરણારવિંદથી જેમનું મન ચલાયમાન થયું નથી એવા.

૫૭.વચનામૃતમાં કહેલું યથાર્થ જ્ઞાન સંત સમાગમથી પામીને અને મોહને ટાળીને નિરંતર ભગવાનને વિષે જોડાયા છે.

(૨૨)  શ્રી સ્વામિનારાયણ ભગવાન અનેક બ્રહ્માંડના જીવ, ઈશ્વરને તથા માયાથી પર મૂળ અક્ષરાદિકને વિષે ઉત્તરોત્તર અંતર્યામીપણે રહેલા છે તેને ભગવાનનું અન્વયરૂપ જાણવું અને ભગવાન પોતાની શક્ત‍િથી વ્યાપીને અક્ષરધામમાં અનંત મુક્તોથી સેવાઈને મૂર્ત‍િમાન વિરાજે છે તેને ભગવાનનું વ્યતિરેક સ્વરૂપ જાણવું.