સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રી ભૂજનો સભામંડપ તથા સંતોને રહેવા ધર્મશાળા કરાવવા ભૂજ પધાર્યા હતા. ત્યારે બાપાશ્રી સાથે ગામડામાં લખણી કરવા પધારતા. તેમાં સૌએ સારી એવી સેવા પણ કરી. પછી સભામંડપ તથા ધર્મશાળા માટે પાયા ખોદાવવા માંડ્યા. તે જગ્યા નાની પડવાથી બાજુમાં દરબારી જગ્યા હતી તેમાં પણ પાયા ખોદાવ્યા; ત્યારે બીજા સંતો તથા હરિભક્તોએ કહ્યું જે, “આ તો દરબારી જગ્યા છે. માટે આપણી જ જગ્યામાં પાયા ખોદાવો. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “આ જગ્યા છે તે ધર્મશાળા માટે નાની પડે છે તેથી આ જગ્યામાં ખોદાવ્યો છે. અને મહારાજની ઇચ્છાથી આપણને આ જગ્યા મળશે.” એમ સ્વામીશ્રીએ અગાઉથી આશિષ આપી દીધા. તેથી જે સ્વામીશ્રીનો મહિમા સમજતા હતા તેમણે તો તે વાત બરાબર છે એમ વિચાર્યું. પરંતુ જેને પૂર્ણતઃ મહિમા ન હતો, તે કહેવા લાગ્યા જે, “પાયો ખોદાવ્યા પછી તો માગણી કરવા કેમ જવાય ? એ તો પહેલાં જવું જોઈએ. પાછળથી તો મુશ્કેલી થાય. ને દરબાર રોષે ભરાય ને પછી હેરાન કરે. હશે ! પણ આપણાથી તો સ્વામીશ્રીને શું કહેવાય ?” તેવું વિચારવા લાગ્યા. મનુષ્યભાવની ઊંડી ખીણમાં ધકેલાતા ગયા.
પછી તો પાયા ખોદાવ્યા ને ધર્મશાળા તૈયાર થવા આવી ને સ્વામીશ્રીએ કોઈ હરિભક્ત દ્વારા દરબારને વાત કરાવી. સ્વામીશ્રીના વચને દરબારે તે જમીન અર્પણ પણ કરી દીધી. તેથી સૌને આશ્ચર્ય થયું.
માટે કદી મોટાના કરેલા કાર્યમાં સંશય ન કરવો; સંશય કરીને મનુષ્યભાવની ઊંડી ખાઈમાં ચાલ્યા ન જવું. પણ મહિમા સમજી તેમના મુખમાંથી નીકળેલો શબ્દ તે જરૂર સાકાર થાય જ તેવો દૃઢ વિશ્વાસ રાખવો.