પુષ્પ ૧ : દેવી મૂર્તિ એ જ કરાર
જીવનપ્રાણ બાપાશ્રી તથા સદ્. નિર્ગુણદાસજી સ્વામીશ્રીની પ્રીતિ અજોડ હતી. તેમનો મહિમા-એકતા જોઈ અનેક હરિભક્તો મહિમા અને દિવ્યભાવના મહાસાગરમાં મહાલતા થઈ જતા. સાથે મહારાજના સર્વોપરીપણાની તથા મૂર્તિમાં રસબસ રહેવાની વાત અખંડ એકધારી ચાલુ જ રહેતી.
એક વાર સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીને આસને સ્વામીશ્રી તથા જીવનપ્રાણ બાપાશ્રી બેઠા હતા. ત્યારે બાપાશ્રીએ વાત કરી, “હે સ્વામી ! શ્રીજીમહારાજની સાથે રહેલા કેટલાક સંત-હરિભક્તો શ્રીજીમહારાજનું સર્વોપરીપણું કહેવામાં અટકતા હતા. તેમને શ્રીજીમહારાજે ફરીથી આ સત્સંગમાં મોકલ્યા છે. તે તમારા જેવા મોટા સંતના જોગ-સમાગમમાં રહી જેમ છે તેમ શ્રીજીમહારાજને જાણે તો વહેલા સુખમાં પહોંચી જાય. એમ કહી થોડી વાર સૂઈ રહ્યા.
વળી વચમાં જાગીને બેઠા થયા. ત્યારે સ્વામીશ્રી પણ જાગ્યા ને કહ્યું, “ભાઈ, પાણી પીવું છે ?” ત્યારે કહ્યું, “ના... સ્વામી, પાણી તો નથી પીવું પણ તમને મારે કાંઈક પૂછવું છે.” ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “પૂછો.” પછી બાપાશ્રી આજુબાજુ નજર ફેરવીને જોઈને બોલ્યા જે, “સ્વામી ! શ્રીજીમહારાજની મૂર્તિમાં અનંત મુક્ત રહ્યા છે, તે વાત આપણી સભામાં થાય છે ?” ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “ભાઈ ! એ વાતના અનુભવી થોડા છે. એ વાત તો આપણા ઘરની છે ને તે તો તમારે સૌને સમજાવવાની છે.” ત્યારે બાપાશ્રીએ કહ્યું, “સ્વામી ! આ ફેરે શ્રીજીમહારાજે એ વાત સમજાવવાનો સંકલ્પ કર્યો છે; માટે કરજો. વખત આવે મહારાજ બધુંય સારું કરશે.”
આમ, બાપાશ્રી અખંડ મૂર્તિમાં રાખવાની જ વાત કરતા. એટલે જ કહ્યું છે કે,
“જેને જોઈએ તે આવજો લેવા, અમે તો આવ્યા મૂર્તિ દેવા,
અમારે તો એક જ વેપાર, દેવી મૂર્તિ એ જ કરાર.”
પુષ્પ ૨ : પાંદડે પાંદડે અનાદિમુક્તની સ્થિતિ
સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રી બાપાશ્રી સાથે આસને બેઠા હતા. ત્યાં સ્વામીશ્રીએ પૂછયું જે, “આજ તો મહાપ્રભુ મંદ મંદ હસતા હતા તે શું ?” ત્યારે બાપાશ્રીએ કહ્યું, “મહારાજ પોતાની સભાને સદાય હસતા મુખે જ દર્શન આપે છે. તેમાંય આજ તો આપ જેવા મોટા સંત દર્શને પધાર્યા તેથી મહારાજે વધારે પ્રસન્નતા જણાવી.” પછી થોડી વાર મૌન રહીને વળી બોલ્યા જે, “સ્વામી, તમે શ્રીજીમહારાજને વશ કરી લીધા છે. ‘મેં વા’લો વશ કીધા, વા’લે મુજને વશ કીધી’ એવું તમારે થયું છે. માટે અમારા પર તમે રાજી રહેજો.” ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “બાપા, અમારે તમને રાજી કરવાના છે. વળી અમારે તમને એક ભલામણ કરવી છે જે, અમારા સંત મંડળને આપ આપનું માનીને સદાય સાચવજો.” ત્યારે બાપાશ્રીએ કહ્યું, “અરે સ્વામી ! તમારું મંડળ ને અમારું મંડળ ક્યાં જુદું છે ? આપણે તો એક મંડળ કરવાનું છે. આપણે તો શ્રીજીમહારાજના ઠરાવે ઠરાવ છે. સૌને શ્રીજીની મૂર્તિમાં જોડવા એ જ આપણું કામ છે. શ્રીજીની મૂર્તિમાં અનંત મુક્ત રહ્યા છે તે વાત આપણા ગુરુ ગોપાળાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી તથા વ્યાપકાનંદ સ્વામી જેવા મોટા સંતો કરતા; ત્યારે પણ કેટલાક તો સમજતા જ નહીં.
જુઓને ! પર્વતભાઈ જેવા મહામુક્તને પણ કોણ જાણી શક્યું છે ? તેવા મોટાની પાછળ પણ વાર્તા કરતા ને સામો ઉપદ્રવ કરતા પણ મહિમા સમજાયો હોય તો આજ્ઞા કેમ ન મનાય ? આવું જોઈને સ્વયં શ્રીજીમહારાજ ક્યારેક ઉદાસ થઈ જતા. પરંતુ હવે સત્સંગમાં તે સર્વે ફરીથી આવ્યા છે. તેથી તે આવી વાત સમજી શકે છે કેમ કે તેઓ જૂના આદરવાળા છે. વળી આ ફેરે તો મહારાજે સર્વેને અનાદિમુક્તની સ્થિતિ કરાવવાનો સંકલ્પ કર્યો છે. તે જરૂરથી સૌને આ મૂર્તિમાં રસબસ રહેવાની વાત સમજાવશે. તેમના સંકલ્પને રોકનાર કોણ જન્મ્યું છે !” આમ બાપાશ્રીએ મહાપ્રભુના દિવ્ય સંકલ્પની વાત કરી તેથી સ્વામીશ્રી ખૂબ રાજી થયા અને કહ્યું, “જે આમ ને આમ સદાય રાજી રહેજો.”
મહારાજે પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ માત્ર નહિ, પણ આ ફેરે તો પાંદડે પાંદડે ને હૈયે હૈયે અનાદિમુક્તની સ્થિતિ કરાવવાનો દૃઢ સંકલ્પ કર્યો છે. તેથી તો અત્યારે સત્સંગમાં નાના નાના મુક્તો બોલતા જણાય છે જે, “મારા ચૈતન્યને અનાદિમુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે, રાખ્યો છે ને રાખ્યો જ છે.” તે સર્વે મહાપ્રભુના ભવ્ય અને દિવ્ય સંકલ્પનો પ્રતાપ છે.”