બાપાશ્રી સાથેનો અલૌકિક સ્નેહ

 

પુષ્પ ૧ : બાપાશ્રી - મંદવાડ છતાં મળવા પધાર્યા

બીજે દિવસ નિત્યવિધિ કર્યા પછી સંતોએ રસોઈ કરીને સ્વામીશ્રીને ઠાકોરજી જમાડવાનું કહ્યું ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે, “અમે તો જીવનપ્રાણ બાપાશ્રી આવશે પછી જ જમીશું.” તેથી સંતો આશ્ચર્ય પામવા લાગ્યા. વળી સ્વામીશ્રીએ સભામાં પણ હરિભક્તોને કહ્યું કે, “બાપાશ્રી પધારવાના છે તો જેને રેલે સામા જેવું હોય તે જજો. બાપાશ્રી જરૂરથી આજે પધારશે જ.” વળી પાસે બેઠેલા છગન વાળંદને પણ સ્વામીશ્રીએ કહ્યું કે, “છગન, આજે બપોરે રેલમાં બાપાશ્રી પધારશે. માટે સામે જઈને સામાન-પોટલાં વગેરે લઈ આવજે.”

જ્યાં ગાડી આવી ત્યાં તો બાપાશ્રી ધોતિયા પર જાડું કેડિયું, મોટી પાઘડી, ખભે ખેસ ને હાથમાં લાકડી, સામાનમાં પૂજાનો ખડિયો લઈને નીચે ઊતર્યા કે તુરત છગન વાળંદે બાપાશ્રીનો ખડિયો લઈ લીધો. પછી બાપાશ્રી સીધા મંદિરમાં આવ્યા. મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રી સ્વામીશ્રી પાસે આવી દંડવત કરવા લાગ્યા. ત્યારે સ્વામીશ્રી એકદમ ઊભા થઈને હેત જણાવીને મળ્યા. ને સભામાં બેઠેલ સર્વેને કહ્યું જે, “જુઓ, આ અમારા જીવનપ્રાણ બાપાશ્રી આવ્યા.

આવું સાંભળી અને તે જ વખતે બાપાશ્રીનાં દર્શન થવાથી સૌને ઘણું જ આશ્ચર્ય થયું; જે આપણે આવ્યા ત્યારે બાપાશ્રી ખૂબ માંદા હતા ને આ શી રીતે પધાર્યા ? તે વખતે મળતાં મળતાં સ્વામીશ્રી બોલ્યા જે, “તમને મળતાં અને દર્શન કરતાં મને બહુ શાંતિ અને આનંદ થયો. બીજા તો કહેતા હતા જે તમે નહિ આવો; પણ અમારો સાચો ભાવ જાણીને તમે પધાર્યા તેથી ખૂબ શાંતિ ને આનંદ થયો.”

પછી મોટેરા સંતો-હરિભક્તોએ પૂછ્યું જે, “બાપા ! આપને મંદવાડની અશક્તિ ખૂબ હતી ને આપ કેવી રીતે આવ્યા ?” ત્યારે બાપાશ્રીએ કહ્યું, “તમારા નીકળ્યા પછી મને એમ સંકલ્પ થયો જે સૌ સ્વામીશ્રીનાં દર્શને ગયા ને હું રહી ગયો. તેથી ગમે તેમ થાય પણ મારે પણ જરૂર જાવું છે. તેથી મંદવાડને રજા આપીને, અડધી રાત્રે અણદા ભક્તના લાલજીને જગાડીને સાથે લીધો ને ખારી રોલે આવ્યા. ત્યાંથી તરત જ વહાણ મળ્યું તે વવાણિયે થઈ અહીં આવ્યા.” બાપાશ્રીએ સ્વતંત્રપણે મંદવાડને રજા આપી તે તથા સ્વામીશ્રીએ અંતર્યામીપણે બાપાશ્રી પધારશે તે વાત કરી તેથી સૌને આશ્ચર્ય થયું ને ખૂબ આનંદ પામ્યા. પછી બાપાશ્રીએ નાહી, પૂજા કરીને સ્વામીશ્રી સાથે ઠાકોરજી જમાડ્યા.

પછી તો બાપાશ્રી તથા સ્વામીશ્રી બંને એકબીજાને મળતા. એકબીજાનો મંદવાડ જાણે કે ક્યાંય જતો રહ્યો... તેથી સર્વેને સમાગમનું પણ ખૂબ ખૂબ સુખ મળવા લાગ્યું. સ્વામીશ્રીએ ખૂબ મૂર્તિસુખની વાતોનો અદ્‌ભુત લાભ આપ્યો.

પુષ્પ ૨ : ઈશ્વરલાલભાઈને ઓળખાણ કરાવી

સદ્‌. નિર્ગુણદાસજી સ્વામીશ્રીના આસને મોટી સભા ભરાઈને બેઠી હતી. ત્યારે ઈશ્વરલાલભાઈ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા તે હરિભક્તોની વચ્ચે થઈને આવ્યા. પછી દર્શન કર્યાં; તેથી સ્વામીશ્રી રાજી ન થયા ને બોલ્યા કે, “આ સભામાં મોટા મોટા બેઠા છે; તેમની તમે મર્યાદા કેમ રાખતા નથી ?”  ત્યારે તેમણે કહ્યું કે, “સ્વામી, આમાં મોટા કોણ છે ? આ તો સર્વે કચ્છના કણબી છે. એમને તો હું ભૂજમાં દીવાન હતો ત્યારથી ઓળખું છું.”

ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, “સત્સંગ કરી કરીને આટલી જ વાત જાણવાની છે જે મહારાજ ને મોટાને ઓળખવા તે. પણ તે વાત ન જાણી તો સુખ ક્યાંથી આવે ? જુઓ, આ સભામાં વચ્ચે આંખો મીંચી અબજીબાપા બેઠા છે તે શ્રીજીમહારાજનું સ્વરૂપ છે ને  શ્રીજીમહારાજની ઇચ્છાથી આ લોકમાં દેખાય છે. એમને શ્રીજીમહારાજે પોતાની વતી મૂક્યા છે; તેમને ઓળખો છો ? તેમને તમારો પગ ભટકાયો તેથી તમારે શ્રીજીમહારાજનો અપરાધ થયો તેમ સમજો.”

સ્વામીશ્રીના આવા ઉપદેશ ને હેતભર્યાં વચન સાંભળી ઈશ્વરલાલભાઈ તુરત ઊઠીને બાપાશ્રીને દંડવત કરવા માંડ્યા જે, “હું કચ્છમાં કેટલાંય વર્ષો રહ્યો પણ આ પુરુષને તો મેં ઓળખ્યા જ નહિ, ને મારાથી પગનું ઠેબું વાગ્યું તેથી અપરાધ થઈ ગયો.” એમ કહી બાપાશ્રીને પ્રાર્થના કરી માફી માગવા લાગ્યા એટલે બાપાશ્રીએ ઊભા થઈને તેમને ઝાલી લીધા ને મળ્યા પણ ઈશ્વરલાલભાઈને મનમાં એમ થઈ ગયું કે આ બાપાશ્રીને હવે મારે ગમે તેમ કરી રાજી કરી લેવા જ છે.

વળી જ્યારે કથા પૂર્ણ થઈ ત્યારે તેમણે સ્વામીશ્રીને પ્રાર્થના કરીઃ  “દયાળુ ! તમે મારા પરમ હેતુ છો ને જીવના સાચા સગા છો તેથી દયા કરી મારી ભૂલ મને ઓળખાવી. હું તેમની મોટપને જાતો ન હતો. હવે બાપાશ્રી મારે ઘેર પધારે તેવું કરો તો મને શાંતિ થાય.” ત્યારે બાપાશ્રીએ કહ્યું, “અમે તો સદાય રાજી જ છીએ.” પરંતુ સ્વામીશ્રીને ખૂબ પ્રાર્થના કરી તેથી સ્વામીશ્રીએ બાપાશ્રીને કહ્યું કે, “તેમના ઘેર તેમની સાથે જરા જઈ આવો તો તેમને શાંતિ થાય.” પછી ઈશ્વરલાલભાઈ બાપાશ્રીને પોતાના ઘેર તેડી ગયા ને ગાદી-તકિયો વગેરે પાથરી બેસાર્યા. પછી ભાલમાં કુમકુમનો ચાંદલો કરી ફૂલનો મોટો હાર પહેરાવી આરતી ઉતારી દંડવત કર્યા ને પ્રાર્થના કરવા લાગ્યા, “મારા ઉપર રાજી રહેજો. જે મારાથી એમ બોલી જવાયું જે આ કચ્છના કણબી છે. પરંતુ આપ તો શ્રીજીમહારાજના સંકલ્પથી અહીં દર્શન આપો છો તેવું સ્વામીશ્રીએ કૃપા કરી સમજાવ્યું ત્યારે ખબર પડી માટે સદાય રાજી રહેજો.”

પછી બાપાશ્રીએ આશીર્વાદ આપ્યા જે, “આપણે સદાય ભેળા જ છીએ ને રહેશું.” એમ કહીને ભલામણ કરી જે “તમે સભામાં મોડા આવ્યા હતા ને વાત થઈ ગઈ હતી જે સ્વામીશ્રીને ખૂબ રાજી કરી લેજો. એ હવે આસો સુદ ૧ની રાત્રિના એક વાગ્યા સુધી દર્શનદાન દેશે.” એમ કહી શ્રીજીમહારાજના પ્રતાપની ઘણીક વાતો કરી તેથી તેમને ઘણું જ હેત થઈ ગયું. પછી મંદિરમાં સાથે જ આવ્યા ને ઈશ્વરલાલભાઈએ સ્વામીશ્રીનો પણ ખૂબ ઉપકાર માની પ્રાર્થના કરી રાજી કર્યા.