બાપાશ્રી તો અમારા જીવનપ્રાણ છે

પુષ્પ ૧ : અબજીબાપા સૌના બાપા

સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રીએ વાત કરી કે, “જીવનપ્રાણ બાપાશ્રી શ્રીજીમહારાજની ઇચ્છાથી જ દર્શન આપે છે તેઓ મહારાજના વતી અનંત જીવોનું કલ્યાણ કરવા પ્રગટ થયા છે ને સ્વતંત્ર મૂર્તિ છે. શ્રીજીમહારાજે અનંત પાત્ર-કુપાત્ર જીવોનાં કલ્યાણ કર્યાં પરંતુ જીવ બિચારા નવા આદરવાળા; તેથી ઘણાક શ્રીજીમહારાજનાં વર્તન તથા ઉપદેશ સાંભળી, પોતાના સંપ્રદાયને છોડી, આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયેલા. પણ જેમ છે તેમ શ્રીજીનો સર્વોપરી મહિમા સમજી શકેલા નહીં.

તેઓ બધા અવતાર તથા શ્રીજીમહારાજ એમ બધાય સરખા છે તેવું સમજતા. તેમાંથી કેટલાયને તો મહારાજે ઐશ્વર્ય-પરચા-ચમત્કાર બતાવ્યાં તથા સમાધિ કરાવી. જે તે ઉપાસકોને તેમના ઇષ્ટદેવ રૂપે દર્શન આપ્યાં. તથા અન્ય અવતારોને પોતાની મૂર્તિમાં લીન કરી બતાવ્યા. તેથી મુમુક્ષુ જીવોને તે વાતની હા પડી ગઈ ને કેટલાક તો આ વાત સમજી ન શક્યા તે તો રહી ગયા; તેવા સર્વેને સર્વોપરી ઉપાસના સમજાવવા સ્વામિનારાયણ ભગવાન બાપાશ્રી દ્વારે પ્રગટ થયા. આમ, સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના પ્રવર્તાવનાર છે. એ તો અમારા પણ જીવનપ્રાણ છે.”

બાપાશ્રી એવા સમર્થ છતાં સૌને ધ્યાનના પાઠ શીખવવા, અખંડ ધ્યાનમાં જ બેસી રહેતા. તેમના વ્યવહારની ચિંતા પણ રાખતા નહીં. તે ચિંતા પણ સ્વામીશ્રી નારાયણપુરાવાળા જાદવજીભાઈ દ્વારા રખાવતા. સ્વામીશ્રી કહેતા કે, “તેમની સેવા સ્વયં શ્રીજીમહારાજની સેવા છે એમ માનજો.” આમ,સદ્દગુરુશ્રી પાસે બાપાશ્રીનો મહિમા સમજતા અને સૌને સમજાવતા.