છતે દેહે મૂર્તિસુખના ભોક્તા

પુષ્પ ૧ : ગોપાળલાલભાઈ સૂબાને અખંડ મૂર્તિ દેખતા કર્યા

એક વાર મંદિરમાં સંતો-હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રીએ વાત કરી જે, “આપણે શ્રી સ્વામિનારાયણના દીકરા છીએ. આપણને જે પ્રાપ્તિ થઈ છે તે ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવી છે. આવો જોગ કોઈને મળ્યો નથી ને મળશે પણ નહીં . મહારાજે મોક્ષનાં સદાવ્રત ખોલ્યાં છે. મોટાં મોટાં મંદિરોરૂપી પોતાનાં ધામ રચી, માંહી પોતાની મૂર્તિ પધરાવી, મુમુક્ષુ માટે સદાયના આત્યંતિક કલ્યાણનાં દ્વાર ખોલ્યાં છે.”

ત્યારબાદ સ્વામીશ્રીએ સભામાં બેઠેલા ઠાસરાવાળા ગોપાળલાલભાઈ, જે સ્વામીશ્રીની કૃપાથી અખંડ મૂર્તિ દેખતા; તેમને કહ્યું કે, “ગોપાળલાલભાઈ, તમને સૂબાગીરી મળે તો કડીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનાવો કે નહીં ?”

આ સાંભળી પ.ભ. શ્રી ગોપાળલાલભાઈએ હાથ જોડી વિનય વચને પ્રાર્થના કરતાં કહ્યું કે, “દયાળુ ! આપ તો મારા ગુરુ છો. તેથી ભલે કડીની સૂબાગીરી મળે કે ન મળે પણ આપની આજ્ઞા થાય પછી તે વચન મારા માટે શિરોમાન્ય જ હોય; માટે આપ જે પ્રમાણે આજ્ઞા કરશો તે પ્રમાણે જરૂરથી કરવાનું; તેમાં જરાય સંશય નથી. દયાળુ ! મેં સૂબાગીરી માટે અરજી તો કરી જ છે; પણ મારો નવમો નંબર છે. મારી આગળ બીજા આઠ જણ છે. માટે મને સૂબાગીરી મળવી તો અસંભવ છે.”

ત્યારે સ્વામીશ્રી ગોપાળલાલભાઈનો નિર્દોષભાવ તથા આજ્ઞામાં વર્તવાની તત્પરતા જોઈને એકદમ રાજી થઈ ગયા ને પાસે બોલાવી માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા ને કહ્યું, “જાવ ગોપાળલાલભાઈ ! તમારો ગમે તે નંબર હોય પણ તમને સૂબાગીરી મળશે અને તમે મંદિર કરાવજો.

આવી રીતે સ્વામીશ્રીના બળભર્યા આશીર્વાદ સાંભળી, ગોપાળલાલભાઈ અતિ આનંદિત થયાં પછી સ્વામીશ્રીના આશીર્વાદ મુજબ થોડા જ સમયમાં ગોપાળલાલભાઈને કડીની સૂબાગીરી પણ મળી. ત્યારબાદ થોડા સમયમાં ગોપાળલાલભાઈએ સ્વામીશ્રીની આજ્ઞા મુજબ કડી મંદિરનુ કામકાજ પણ ચાલુ કર્યું.

સ્વામીશ્રીની કૃપાથી ગોપાળલાલભાઈ શ્રીજીમહારાજની મૂર્તિને અખંડ દેખતા. તેથી જ્યારે કચેરીમાં કેસ ચાલતો હોય ને કોણ કેટલા ગુનેગાર છે, તે નક્કી ન કરી શકાય ત્યારે છેલ્લે પોતે ચાલુ કચેરીએ આંખ બંધ કરી બેસી જાય. સ્વયં શ્રીજીમહારાજ તેમને કોનો કેટલો વાંક છે તે બતાવે અને ચુકાદો બતાવે. વળી કોને કેટલી શિક્ષા કરવી તે પણ સ્વયં શ્રીજીમહારાજ જણાવી દેતા. જેથી ક્યારેય નિર્દોષને પણ સહન કરવાનું ન થાય. ગોપાળલાલભાઈની આવી સ્થિતિની સર્વેને જાણ હોવાથી તેમની કરેલી શિક્ષામાં કોઈની અપીલથી પણ ચુકાદો ફરતો નહીં. આમ, સ્વામીશ્રીની કૃપાથી ગોપાળલાલભાઈની આવી સ્થિતિ થઈ હતી.

વળી, જ્યારે કડીના મંદિરનું કામ ચાલતું હતું ત્યારે મંદિરના કામ માટે લાકડું લેવા સારુ જાણીતા સુથારને ભાવનગર મોકલ્યા. તે સુથારે ત્યાં જઈ પોતાનું કમિશન રાખી લાકડાનું બિલ બનાવરાવ્યું. અહીં કડીમાં શ્રી ઘનશ્યામ મહારાજે ગોપાળલાલભાઈને રાત્રે દર્શન દઈને કહ્યું જે, “તમે લાકડું લેવા માટે જે સુથારને ભાવનગર મોકલ્યો છે તેણે ત્યાં પોતાનું કમિશન રાખીને વધારે બિલ કરાવ્યું છે અને ખોટો ભાવ ભરાવ્યો છે. પરંતુ સાચો ભાવ અને સાચું બિલ આ છે.” તેમ કહી શ્રીજીમહારાજે ગોપાળલાલભાઈને જેવું હતું તેવું સાચું બિલ લખાવ્યું.

પછી જ્યારે તે સુથાર ગોપાળલાલભાઈ પાસે આવ્યો ને તેણે બિલ આપીને હિસાબના પૈસા માગ્યા ત્યારે ગોપાળલાલભાઈએ પોતાની પાસે ઘનશ્યામ મહારાજે આપેલું જે સાચું બિલ હતું તે કાઢીને બતાવ્યું ને કહ્યું કે, “તારું બિલ ખોટું છે. પણ જો સાચું બિલ આ રહ્યું.” આ જોઈને પેલો સુથાર તો સાવ ઝંખવાણો પડી ગયો. અને વિચાર કર્યો કે, “મારી સાથે બીજું કોઈ ત્યાં આવ્યું પણ ન હતુ. વળી, મેં વેપારી પાસેથી ખાનગી રીતે આ બિલ બનાવડાવ્યું છે; તો પછી અહીં આ ગોપાળલાલભાઈએ કેવી રીતે જાણ્યું કે આ બિલ ખોટું છે ? ને ખરું બિલ પણ ભાવ સાથે બિલકુલ બરાબર જ છે.”

પછી તેને પસ્તાવો થયો ને માફી માગી જે, “મારી ભૂલ થઈ ગઈ. પરંતુ તમે જે સાચું બિલ ક્યાંથી મેળવ્યું તે કહો.” ત્યારે ગોપાળલાલભાઈએ કહ્યું કે, “સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રીની કૃપાથી મને અખંડ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ દેખાય છે. તેથી સ્વયં ભગવાને મને આ સાચું બિલ આપ્યું છે. ભગવાન તો સર્વત્ર છે અને સર્વનું જાણે છે. માટે કદી કોઈનું પણ આવું ખોટું કામ કરશો નહીં.”

આ રીતે સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રીના સંકલ્પથી ગોપાળલાલભાઈએ કડીનું મંદિર કરાવ્યું અને કૉર્ટમાં પણ કોઈને કાંઈ દંડ કરવાનો હોય તોપણ ગોપાળલાલભાઈ કહેતા, “આ મંદિર થાય છે; તેમાં થોડાં લાકડાં, ઈંટો વગેરેની સેવા કરો તેથી ભગવાન પણ ખૂબ રાજી થશે અને સર્વે ગુના માફ કરી દેશે.”

આમ, ગોપાળલાલભાઈ સ્વામીશ્રીની કૃપાથી અખંડ મૂર્તિ દેખતા ને મહારાજ સાથે વાતો કરતા તેથી સ્વયં મહારાજે દર્શન દઈ, જ્યારે બાપાશ્રી વડતાલ પધાર્યા ત્યારે તેમની સેવા, સમાગમ, કરવા જણાવ્યું હતું. કોટિ કોટિ વંદન સદ્‌ગુરુશ્રીને ! કેવા મૂર્તિ સિદ્ધ કરેલા ભક્તો તૈયાર કર્યા !!!

 

પુષ્પ ૨ : અહીં બેઠા અક્ષરધામમાં મૂકી આવ્યા

એક વખત વૃષપુરમાં એક કલાક સુધી કથા વંચાઈ રહી ત્યાં સુધી, સદ્‌ગુરુશ્રી નિર્ગુણદાસજી સ્વામી ધ્યાનમાં બેસી રહ્યા ને પછી જાગ્યા. એક કલાક સુધી વાતો કરી પછી સ્વામીશ્રીને જીવનપ્રાણ બાપાશ્રીએ પૂછયું કે “આજે તો બહુ ધ્યાનમાં બેઠા, ખરું ને ?” ત્યારે સ્વામીશ્રી બોલ્યા કે “કપડવંજમાં ગણેશભાઈએ અમારી પાસે વર માગ્યો હતો જે તમો મને અંત વખતે તેડવા આવજો. તે ગણેશભાઈએ આ ટાણે દેહ મૂક્યો. તેમને ધામમાં શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં મૂકી દીધા.”