ગંગારામ મલ્લનું પૂરું કર્યું

સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અનંત જીવોના કલ્યાણ અર્થે પ્રગટ થયા. એટલે કે સહજાનંદરૂપી સૂર્ય પ્રગટ થયો ને અનંતનાં માયારૂપી અંધકાર ટાળવા “દીવો ત્યાં દાતણ નહિ અને દાતણ ત્યાં દીવો નહીં. ” એમ રાત્રિ-દિવસ વિચરણ કર્યું. અને તે દરમ્યાન કચ્છ, ગુજરાત, હાલાર, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ઘોઘાર, દંઢાવ્ય, નળકંઠો જેવા દેશોદેશમાં અનેક વાર અનેક સ્વરૂપે ફક્ત ૪૯ વર્ષ, ૨ માસ ને ૧ દિવસમાં ૩૭૦ વર્ષ જેટલું વિચરણ કર્યું છે તેવું સંપ્રદાયનાં શાસ્ત્રો પરથી તારણ મળે છે.

મહાપ્રભુ કચ્છમાં વારંવાર પધારતા ત્યારે ત્યાંના પ્રેમભીના ભક્તો પણ પ્રભુને પ્રેમથી ખૂબ બાંધી લેતા. મહારાજ જ્યારે જ્યારે કચ્છમાં પધારતા ત્યારે ત્યાંના મુખ્ય હરિભક્ત ભૂજના સુંદરજી સુથાર અને હીરજી સુથાર નામના બે ભાઈઓ; જેમાંના સુંદરજી સુથાર રાજ્યના કારભારી હતા, તેમને ઘેર જ ઊતરતા. તેઓ ભગવાનને ખૂબ પ્રેમ કરી પોતાને ઘેર રાખતા અને સર્વસ્વ સમર્પણ કરતા.  

એક વાર સુંદરજી સુથારે શ્રીજીમહારાજને પ્રાર્થના કરી જે, “દયાળુ ! અમારે ઘેર પધારો અને જ્યાં સુધી અમે જવાનું કહીએ નહિ ત્યાં સુધી જવાનું નામ ન લેશો.” ત્યારે મહારાજે કહ્યું, “ભલે, પણ તમે કહો કે ‘જાવ’ પછી તો છૂટ ને ?” ત્યારે સુંદરજી સુથારે કહ્યું, “મહારાજ, અમે તો જવાનું કહીએ જ નહિ ને ?”

ત્યારબાદ મહારાજ તેમને ઘેર પધાર્યા. તે વખતે સુંદરજી સુથારને તાવ આવ્યો તેથી રાજ્યમાંથી સર્વે લોકો તેમને મળવા તથા જોવા આવવા લાગ્યા. તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કટ્ટર વિરોધી એવા જગજીવન મહેતા પણ વ્યવહાર ખાતર મળવા આવ્યા. તેથી મુશ્કેલી ન થાય તે માટે સુંદરજી સુથારે મહારાજને મેડા ઉપર બિરાજમાન થવા પ્રાર્થના કરી. અને જગજીવન મહેતા જાય પછી નીચે પધારવા પ્રાર્થના કરી.

આ બાજુ જગજીવન મહેતા ખબર કાઢવા આવ્યા. તેમણે સહજમાં પૂછી નાખ્યું, “આજકાલ તારા સ્વામિનારાયણ ક્યાં છે ?” ત્યારે સુંદરજી સુથારે કહ્યું, “એ તો ગુજરાત તરફ વિચરણ કરતા હશે.” ત્યારે આ સાંભળી મેડા ઉપર બેઠેલા મહાપ્રભુ એકદમ નીચે ઊતર્યા. “બોલો જગજીવન મહેતા, અમારું શું કામ હતું ?” અને આમ મહાપ્રભુને સામે જોઈને પોતાની સાથે થયેલી બનાવટને સહન ન કરી શકવાથી ધૂંઆપૂંઆ થતા, “હું હમણાં જ લશ્કર મોકલું છું ને આ સ્વામિનારાયણને બંદીવાન બનાવી લઉં છું.” એમ કહેતાં ત્યાંથી ચાલ્યા ગયા.

આ બાજુ સુંદરજી સુથારની પરિસ્થિતિ... કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ. તે મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા જે, “દયાળુ ! હવે શું થશે ? જગજીવનનું લશ્કર આવશે તો ?” ત્યારે મહાપ્રભુએ મંદ મંદ હાસ્ય કરતાં કહ્યું, “સુંદરજીભાઈ એક રસ્તો કાઢવો છે ?” ત્યારે બે હાથ જોડી સુંદરજીભાઈએ કહ્યું, “હા દયાળુ, કહો.” ત્યારે મહારાજે કહ્યું, “અમે બીજે જતા રહીએ ?” ત્યારે સુંદરજી સુથારે કહ્યું, “હા દયાળુ ! તે વિચાર સરસ છે. આપ અન્ય હરિભક્તોના ઘેર જતા રહો તો કાંઈ મુશ્કેલી નહિ આવે.” ત્યારે તેવા કપરા સમયમાં ગંગારામ મલ્લ હતા તે મહારાજને પોતાને ત્યાં લઈ ગયા ને કહ્યું, “મહારાજ, અમારા દેહમાં પ્રાણ છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે તમને કાંઈ કરી શકે. આપને માટે અમારાં માથાં પડી જાય તોપણ ભલે.” મલ્લ પરિવારનાં સર્વે મહિલાઓ વાંસ તથા સાંબેલા લઈને ઊભાં રહ્યાં. અને આમ ખૂબ જ પક્ષ રાખેલો.

તે ગંગારામ મલ્લને તેમના દીકરાનો દીકરો મોતિયો તેમાં ખૂબ હેત. તેથી હરતાં-ફરતાં, ખાતાં-પીતાં-સૂતાં મોતિયાને સાથે ને સાથે જ રાખે. એક વાર મહાસમર્થ સદ્‌. નિત્યાનંદ સ્વામીએ સહેજ ટકોર કરતાં કહ્યું કે, “ગંગારામભાઈ, આ દીકરાના દીકરામાં આટલું બધું હેત રહી જશે ને વાસનાને કારણે ફરીથી જન્મ ધરવો પડશે. માટે બહુ હેત ન રાખવું.” અને જ્યાં આવી ટકોર થઈ ત્યાં તો એકદમ ખિન્ન થઈ બોલી ઊઠ્યા, “હે નિત્યાનંદ સ્વામી, તમે શું બોલો છો ? હું મહારાજનો કેવો કૃપાપાત્ર અને મારે જન્મ ધરવો પડશે ? જાવ, આજથી તમારું મોઢું નહિ જોઉં..”

અને ત્યારથી જ્યાં સુધી સ્વામી મંદિરમાં હોય ત્યાં સુધી દર્શને ન આવે તેવી ખૂબ આંટી પડી ગઈ. અવગુણ આવી ગયો. અને તેને કારણે ઘણી ઉંમર સુધી મહારાજ તેમને ધામમાં ન તેડી જાય. બધા મોટા મોટા હરિભક્તો ધામમાં જતા રહ્યા. ગંગારામ મલ્લ ઘણી ઉંમર થઈ હોવાથી ખૂબ કંટાળ્યા પણ મહારાજ તેડવા ન આવે.

તેમાં એક વાર આપણા મહાસમર્થ સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રી ભૂજ પધાર્યા ને સર્વે હકીકત જાણી. ગંગારામ મલ્લનું પૂરું કરવાનો સંકલ્પ કર્યો. તેથી કથામાં સદ્‌. નિત્યાનંદ સ્વામીના મહિમાની વાત કરવા લાગ્યા. ત્યાં તો આટલી ઉંમરે પણ ગંગારામ મલ્લને વિરોધનો વેગ તો એટલો જ પ્રબળ. તેથી બોલી ઊઠ્યા, “સંપ્રદાયમાં ઘણા મોટા મોટા સંતો સદ્‌. ગોપાળાનંદ સ્વામી, સદ્‌. મુક્તાનંદ સ્વામી, સદ્‌. બ્રહ્માનંદ સ્વામી, સદ્‌. પ્રેમાનંદ સ્વામી વગેરે છે તેમની વાતો કરો... પણ નિત્યાનંદ સ્વામીની વાત નહીં.”

પછી સદ્‌. નિર્ગુણદાસજી સ્વામીએ નિત્યાનંદ સ્વામીનો મહિમા કહી, “તેમનો અપરાધ નહિ મૂકો ત્યાં સુધી મહારાજ ધામમાં નહિ તેડી જાય” તેમ સમજાવ્યા તેથી ખૂબ પસ્તાવો થયો ને રડ્યા. પછી સદ્‌. નિત્યાનંદ સ્વામી (તે પણ ધામમાં પધાર્યા હતા) ને પ્રાર્થના કરી અપરાધ માફ કરાવ્યો ને ગંગારામ મલ્લને ચોખ્ખા ને નિર્મળ કરી ધામમાં મોકલ્યા.”

આમ, સદ્‌. નિર્ગુણદાસજી સ્વામીશ્રીએ આવા કઠિન અને મુશ્કેલીવાળા અનેકના પ્રશ્નો સરળ કરી, જીવની શુદ્ધિ અને વૃદ્ધિ કરી શ્રીહરિના ગમતા દિવ્ય શુદ્ધ પાત્ર કર્યા.

મહારાજ અને મોટાપુરુષ (પ.પૂ. બાપજી)નો સંકલ્પ આ જીવ અનાદિકાળથી ગંદો ને ગોબરો અનેક દોષોથી ખરડાયેલો છે, તેને દિવ્ય અને શુદ્ધ હરિનું ગમતું પાત્ર કરી, સાચું જીવન જિવાડવાનો છે. તો સર્વાવતારી શ્રીહરિ તથા જીવનપ્રાણ બાપાશ્રી તથા ગુરુવર્ય પ.પૂ. બાપજીના દિવ્ય ચરણોમાં પ્રાર્થના કે બસ દયાળુ ! આપનો સંકલ્પ છે તે મુજબના અમ સૌ સેવકોને ગમતાં પાત્ર કરો કરો કરો ને કરો જ.