સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી ભૂજનો સભામંડપ કરવા માટે ભૂજ પધાર્યા હતા. અને જીવનપ્રાણ બાપાશ્રી સાથે ગામડાંઓમાં ફરીને લખાણ કરાવતા અને એમ સભામંડપનું કામ ચાલતું.
એક વખત બાપાશ્રી સાથે સ્વામીશ્રી રસ્તામાં ચાલતા જતા હતા. ત્યાં વળાંકમાં સંતો થોડા આગળ જતા રહ્યા. એટલે સ્વામીશ્રીએ પોતાના હસ્તમાં લાકડી હતી તે ઊંચી કરી સંતોને ઊભા રહેવા જણાવ્યું. પછી બાપાશ્રીને કહ્યું જે, “આપણા ભેળા અનંત મુક્તો છે; છતાં આ લોકનું પણ રાખવું પડે; તેથી સાધુને ઊભા રાખ્યા. કારણ કે શ્રીજીમહારાજે નિયમ-ધર્મનો પ્રબંધ બાંધ્યો છે. તેથી મોટા મુક્ત પાળે તો જ પાછળ સાધનિક પાળે.
તમે ગૃહસ્થના આશ્રમમાં છો અને અમે ત્યાગીના આશ્રમમાં છીએ તેથી તે રીત પ્રમાણે જ ચાલવું પડે. અમે એક માસથી જ સાધુ કરેલાની સાથે ચલાય, તેમ આપની ભેળા ચલાય ?” ત્યારે બાપાશ્રીએ કહ્યું, “તે તો નિયમ પ્રમાણે જ રહેવું પડે.” ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “આપણે બંને શ્રીજીમહારાજની મૂર્તિમાં રહીએ છીએ. પરંતુ આ લોકમાં તો તમે કહ્યું તેમ જ રહેવું જોઈએ; તો જ સર્વેને સમાસ થાય. તેથી ત્યાગીએ સંત ભેળા ચલાય પણ ધોળા લૂગડાંવાળા પાર્ષદ જોડે પણ ન ચલાય.”
બાપાશ્રી વૃષપુરમાં રહેતા છતાં સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીના હેતને લીધે વારંવાર કોઈ ને કોઈ નિમિત્ત કરી બે બે, ચાર ચાર દિવસ ભૂજમાં રહી જતા. તેવી જ રીતે સ્વામીશ્રી પણ વૃષપુરમાં આઠ આઠ, દસ દસ દિવસ રહેવા પધારતા. એમ બાપાશ્રીને રાજી કરતા. બાપાશ્રી પણ સર્વેને મૂર્તિના સુખની વાતોનું ખૂબ સુખ આપતા. સવાર-સાંજ ચંદન ચર્ચે, હાર પહેરાવે, મળે એમ પરસ્પર હેત જણાવતા. પછી તો હરિભક્તોને જાણ થતી ગઈ કે આવા સદ્. ગોપાળાનંદ સ્વામીને સેવેલા ને કૃપાપાત્ર તેવા સ્વામીશ્રી નિર્ગુણદાસજી પોતે ચંદન ચર્ચી મળે, હાર પહેરાવે, વચન માગે; માટે આ જીવનપ્રાણ બાપાશ્રી બહુ જ સમર્થ છે.
બાપાશ્રી પણ સ્વામીશ્રી પ્રત્યે કહેતા કે, “સ્વામી, તમારા જેવા મોટા સંતની કૃપાએ અમે સુખિયા છીએ.” ત્યારે સ્વામીશ્રી કહેતા કે, “હવે આમ ઢાંક્યું ક્યાં સુધી રાખશો ? હવે તો સર્વેને સુખની લહાણી કરો. શ્રીજીમહારાજે તમને શું કરવા રાખ્યા છે ?” આમ, પરસ્પર એકબીજાનો ખૂબ મહિમા અને દિવ્યભાવ વર્તતો. જેમનાં દર્શન કરી સૌ સંતો-હરિભક્તો ખૂબ સુખિયા થતા. આમ, મોટા જ મોટાને ઓળખે !