કચ્છમાં રામપુર ગંગા ઉપર સદ્. નિર્ગુણદાસજી સ્વામી સભા કરીને બિરાજ્યા હતા. ત્યાં તેઓ મહારાજના સર્વોપરીપણાની, દિવ્યભાવની, અન્વય-વ્યતિરેકની વાતો કરી રહ્યા હતા. ત્યારે કેરા ગામના તિબાટનો માનીતો બાવો ત્યાં આવ્યો અને દેહાભિમાનમાં ચકચૂર બની સ્વામીશ્રી સાથે સંવાદ કરવા લાગ્યો. તેને સ્વામીશ્રીએ શાસ્ત્રોનાં પ્રમાણ આપી સમજાવ્યો છતાં દેહાભિમાનને યોગે કરીને સમજ્યો નહિ અને મિથ્યાભિમાનીની પેઠે બ્રહ્મનિરૂપણ કરવા લાગ્યો. તે ‘મા ઔર બેન, સભી આકાર એક હી સરખા હૈ કોઈ ફર્ક નહિ’ તેમ છકમાં બોલવા લાગ્યો. પછી તેને સ્વામીશ્રીએ કેટલાક શાસ્ત્રનાં પ્રમાણ આપીને પકડ્યો તેથી તે કાંઈ બોલી શક્યો નહીં. પછી સ્વામીશ્રીએ તિબાટને કહ્યું કે, “જુઓ, આ તમારા ગુરુ અને એમનું જ્ઞાન કેવું છે ? તેણે તો બધું બોળ્યું.” પછી તે તિબાટને રીસ ચડી તેથી તેણે બાવાને મારીને કાઢી મૂક્યો.
એક વાર સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રીએ પોતાના શિષ્ય શ્રીકૃષ્ણદાસજીને કહ્યું જે, “તમારે કાંઈ ઐશ્વર્યની ઇચ્છા હોય તો આપીએ.” ત્યારે તે બોલ્યા જે, “ના બાપજી ! એમાંથી તો અવળું પડે ! તો મારું ઠેકાણું રહે નહીં.” આમ, શ્રીકૃષ્ણદાસજીનો નિષ્કામભાવ જોઈને સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રી ખૂબ રાજી થયા.
એક વાર એક હરિભક્તે સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રીને પૂછયું જે, “સ્વામી ! શ્વેતદ્વિપમાં અને બદ્રિકાશ્રમમાં કોણ રહે છે ?” ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, “અમે એવું ભણ્યા નથી. ચક્રવર્તી રાજા કદી બીજાનું જોતા નથી. તેમ અમે તો મૂર્તિ વિના બીજું કાંઈ જોતા નથી.”